તાપીમાં પંજાબના CM ભગવંત માનની રેલીમાં મોદી મોદીના નારા લાગ્યા
ગુજરાતમાં ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. ગણતરીના દિવસોમાં જ મતદાન થવાનું છે. એ પહેલા રાજકીય પક્ષો પ્રચારમાં કોઈ કસર છોડવા માગતા નથી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પાંચ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે ગઈકાલે તાપીના વ્યારામાં તેઓ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન રોડ શો વખતે તેમની સામે કેટલાક યુવાનોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો કાફલો રોડ પરથી નીકળતા જ કેટલાક યુવાનોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે ભગવંત માન આ યુવાનોની સામે હાથ જોડે છે. રોડ શોમાં પ્રેસ સાથેની ચર્ચામાં આ મુદ્દે માને જણાવ્યું હતું કે, મેં કહ્યું આ લોકો માટે તાળીઓ પાડો, કદાચ આ લોકોના ખાતામાં 15 લાખ જમા થઈ ગયા હશે અને દર વર્ષે જે 2 કરોડ નોકરી આપવાની હતી, તેમાંથી તેમને નોકરી પણ મળી ગઈ હશે. જ્યારે ચૂંટણીમાં AAPને કેટલી સીટ આવશે તે સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, AAP સર્વેમાં નથી આવતી AAP સીધી સરકાર બનાવે છે.ભગવંત માન વ્યારા વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર બિપીન ચૌધરીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. તેમની સાથે રોડ શોમાં AAPના કાર્યકર્તાઓ અને ઉમેદવાર બિપીન ચૌધરી પણ જોડાયા હતા. જોકે તેમના રોડ શોમાં મોદી-મોદીના નારા લાગતા આસપાસનો માહોલ ગરમાઈ ગયો હતો. એવામાં સ્થાનિક પોલીસે ભાજપના કાર્યકર્તાઓને દૂર થવા કહ્યું હતું.