ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- BCCIના મતે અનફીટ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ચૂંટણી પ્રચારમાં ફીટ, પત્ની રિવાબાને જીતાડવા દોડા દોડ કરે છે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ સુધી ઘૂંટણની ઈજામાંથી બહાર નથી આવ્યા અને તેઓ બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. તેમને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે પસંદ કરવામાં નથી આવ્યા. પરંતુ બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમના પત્ની રિવાબા જામનગરથી ભાજપના ઉમેદવાર છે. જેથી હાલ તો રવિન્દ્ર જાડેજા ચૂંટણી પ્રચારમાં બિલકુલ ફીટ દેખાઈ રહ્યાં છે. તેઓ પત્નીને જીતાડવા માટે ઠેર ઠેર ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. હવે રવિન્દ્ર જાડેજા રિવાબા સાથે સાથે ભાજપના અન્ય ઉમેદવાર માટે પણ પ્રચાર કરતા જોવા મળશે.રવિન્દ્ર જાડેજા હવે રિવાબ સાથે સાથે દ્વારકાના ઉમેદવાર પબુભા માણેક માટે પણ ચૂંટણી પ્રચાર કરવા મેદાનમાં ઉતરશે. આજે જાડેજા દ્વારકાના કલ્યાણપુરમાં પબુભા માણેક માટે રોડ શો કરીને ભાજપને વોટ આપવા માટે અપીલ કરશે. આજે બપોરે જાડેજા આ માટે દ્વારકા પહોંચશે. ખાસ વાત છે કે અત્યાર સુધીમાં રવિન્દ્ર જાડેજા રિવાબા માટે જામનગરમાં પ્રચાર કરતા જોવા મળી રહ્યા હતા. ત્યારે હવે તેઓ અન્ય ઉમેદવાર માટે પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી રહ્યા છે.હાલમાં જ રવિન્દ્ર જાડેજા એક ટ્વીટર પોસ્ટના કારણે વિવાદમાં આવ્યા હતા. જાડેજાએ ભારતીય ટીમની જર્સીમાં એક પોસ્ટર શેર કર્યું હતું, જેમાં તેઓ ભાજપ માટે વોટ માગી રહ્યા હતા. આ પોસ્ટર પર કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને બીસીસીઆઈ આ રીત રાજકીય પાર્ટીનો પ્રચાર કરવાની છૂટ આપે છે… તેવા પણ સવાલો કર્યા હતા. તો કેટલાક લોકોએ તેને ટીમમાંથી પણ બહાર કરવાની માગ કરી હતી.