નીતિન પટેલના ભાષણમાં ચમકેલી ખામ થિયરી શું છે?
નીતિન પટેલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓના સંબોધનમાં પાટીદારો અને કોઇપણ અનરિઝર્વ્ડ ક્લાસનો ઉલ્લેખ નથી. તેમણે સંકેત આપ્યા હતા કે કોંગ્રેસ ફરી એકવાર મતો માટે KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમીકરણ તૈયાર કરી રહ્યું છે. ખામ થિયરીની વાત કરીએ તો વર્ષ 1985માં માધવસિંહ સોલંકીએ આ થિયરી અપનાવી ગુજરાતમાં 149 બેઠકો કબજે કરી હતી. જે આજ સુધીની સૌથી હાઈએસ્ટ બેઠકો છે. કોઈ પણ પક્ષ આટલી બેઠકો કબજે નથી કરી શકયો. માધવસિંહે રાજ્યમાં મહત્વની ગણાતી 4 જાતિઓ ક્ષત્રિય, આદિવાસી, હરિજન અને મુસ્લિમને સાંકળીને ચૂંટણી જીતવાનો પ્રયોગ કર્યો હતો. જે ખુબજ સફળ રહ્યો હતો. હાલના સમયે કોંગ્રેસને આ ચાર જાતિઓ સાથે પાટીદાર મતો પણ મળી શકે છે.તેથી વિધાનસભા જીતવા માટે કોંગ્રેસ ઉત્સાહમાં છે. નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં આરોપ મૂક્યો છે કે એક સમયે KHAM થિયરીના લીધે જ ગુજરાતમાં તોફાનો થયા હતા. રાહુલનું ભાષણ સાંભળ્યા બાદ લાગે છે કે કોંગ્રેસ ફરી એકવાર એ જ માર્ગે ફરી રહી છે. તે સમાજને વહેંચીને મત મેળવવા માગે છે.