સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2017 (12:25 IST)

સુરતના વરાછામાં ભાજપના ઉમેદવારની જંગી રેલી, હજારો પાટીદારો જોડાયા

પાટીદારોનો ગઢ કહેવાતા સુરતના વરાછા વિસ્તારમાં ભાજપના ઉમેદવારે ઉમેદવારી પત્રક ભરવા માટે જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું.આ રેલીમાં કોઈ ગડબડ ન થાય તે માટે આ રેલીમાં પોલીસ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.વરાછા એ જ વિસ્તાર છે, જ્યાં ભાજપ સામે પાટીદારોમાં જોરદાર રોષ પ્રવર્તી રહ્યો છે. અનેક સોસાયટીઓમાં ભાજપના નેતાઓને પોલીસને સાથે રાખી પ્રચાર કરવા જવું પડે છે.વરાછા અને આસપાસના વિસ્તારોમાં અત્યાર સુધી અનેક વાર પાસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થઈ ચૂક્યું છે. ઘણા કિસ્સામાં પોલીસને પણ વચ્ચે પડવું પડ્યું છે.પાસના કાર્યકર્તાઓએ વરાછાના ઉમેદવાર કુમાર કાનાણીના ચૂંટણી કાર્યાલય પર પણ તોડફોડ કરી હતી.

કુમાર કાનાણીએ ફોર્મ ભરવા જતી વખતે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાનાણીએ જણાવ્યું હતું કે, જીત તો પાક્કી જ છે, બસ જંગી લીડથી પ્રતિસ્પર્ધીને હરાવવો જ મારું લક્ષ્ય છે.કુમાર કાનાણીના નામે જાણીતા કિશોર શિવાભાઈ કાનાણી 2012ની ચૂંટણીમાં 20,359 વોટથી જીત્યા હતા.કાનાણીનો દાવો છે કે જે પણ લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે તે પાટીદારો નહીં, પણ કોંગ્રેસના એજન્ટ છે. પાટીદાર આંદોલનની આ ચૂંટણી પર અને તેમને મળનારા મત પર કશીય અસર થવાની નથી.