ભાજપના વિભાજનવાદી વચનોથી દોરવાઈ ન જતા -હાર્દિક પટેલ
પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલે રવિવારના રોજ સુરેન્દ્રનગરમાં અધિકાર સંમેલન સભામાં
પાટીદારોને ભાજપના વચનો પર વિશ્વાસ ન કરવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ભાજપે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું વચન આપ્યુ હતું જે પાળવામાં નથી આવ્યું.સુરેન્દ્રનગરના ભક્તિનગર સર્કલ ખાતે લોકોને સંબોધતા હાર્દિકે કહ્યું કે, લોકો મને કહે છે કે જો હું અનામત નહીં અપાવી શકુ તો તે મને સમર્થન આપવાનું બંધ કરી દેશે. તેમની વાત સાચી છે. પરંતુ ભાજપે પણ અયોધ્યામાં રામ મંદિર બાંધવાનું વચન આપ્યુ હતુ. તેમણે રામ મંદિર બનાવ્યું? તો તમે તેમને વોટ આપવાનું બંધ કેમ નથી કરતા?
ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતાં તેણે કહ્યું કે, પાર્ટી વોટ બેન્ક ઉભી કરવા માટે લોકોમાં ભાગલા પાડે છે. હું તમને કહુ છુ કે ભાજપ આપણને અનામત નહીં આપે. ભાજપ લેઉઆ અને કડવાના નામે આપણા સમાજના ભાગલા પાડશે. આપણે 2007માં સરદાર ઉત્કર્ષ સમિતી અને 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો, પણ તેનાથી ફાયદો ભાજપને જ થયો હતો. પરિણામે આપણે આપણી રાજકીય કિંમત ગુમાવી હતી.