નર્મદા યાત્રાથી ચૂંટણીની શરૂઆત પણ અહીં રોજ કેનાલો તૂટે છે - રાહુલ ગાંધી થરાદમાં
બનાસકાંઠાના થરાદમાં રાહુલ ગાંધીએ આજે જનસભા સંબોધી હતી. જેમાં પહેલા પાઘડી પહેરાવીને રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાઁધીએ આ સભામાં પણ નર્મદાના નામે ચૂંટણી લડવાનો અને ઉદ્યોગપતિઓને કરાતી મદદનો આરોપ લગાવ્યો હતો. આ રેલીમાં કોંગ્રેસ અને પાકિસ્તાન કનેક્શન પર મોદી તરફ ઉઠાવવામાં આવેલા સવાલો પર પલટવાર કરતા રાહુલે કહ્યું કે, ઈલેક્શન થઈ રહ્યુ છે અને મોદીજીના ભાષણમાં ચીન, જાપાન, અફઘાનિસ્તાન તો ક્યારેક પાકિસ્તાનનો ઉલ્લેખ આવે છે, પણ મોદીજી ક્યારેક ગુજરાતના ભવિષ્ય પર પણ વાત કરી લો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપે નર્મદાના નામે ચૂંટણી લડવાની વાત કરી હતી. પરંતુ થરાદમાં તો દરરોજ કેનાલો તૂટે છે. સરકારે નર્મદાનું પાણી ઉદ્યોગપતિઓને આપ્યું છે. ત્યારે હવે નર્મદા મુદ્દો ન ચાલ્યો એટલે ભાજપે ઓબીસી કાર્ડ ખેલ્યું છે અને હવે ઓબીસી પણ ન ચાલ્યુ એટલે વિકાસ યાત્રા લાવ્યાં. વિકાસ યાત્રા પણ મોકૂફ થઈ એટલે મુદ્દો ભટક્યા. પણ ચૂંટણીમાં ગુજરાતનાં ભવિષ્યની વાત કરો. કોંગ્રેસ મુક્તની વાતો કરનારા કોંગ્રેસ વિશે જ ભાષણ કરે છે. રેલીમાં રાહુલે બીજેપી સરકાર ખાસ કરીને પીએમ મોદી વિરુદ્ઘ બહુ જ આક્રમક વલણ રાખીને કહ્યું કે, મોદીજી પોતાના ભાષણમાં માત્ર બે જ વાતો કરે છે. 50 ટકા કોંગ્રેસ પર વાત કરે છે અને 50 ટકા પોતાની વાત કરે છે.
રાહુલે પૂછ્યું કે, શું મોદી કહે છે કે, તેમણે દેશમાંથી કોંગ્રેસને ખત્મ કરી દીધું છે, તો ગુજરાત ઈલેક્શનમાં અડધો સમય તે કોંગ્રેસને કેમ આપે છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષએ કહ્યું કે, મોદીજી, ઈલેક્શન ગુજરાતમાં છે. હું તમને અપીલ કરું છું કે જો થઈ શકે તો બે મિનીટ પોતાના ભાષણમાં ગુજરાતના ભવિષ્ય પર બોલો. રાહુલ સભામાં નેનો મુદ્દે ફરી વાત કરીને લખ્યું કે, 35 હજાર કરોડ ટાટા નેનો કંપનીને ફાળવવામાં આવ્યા. જેના માટે ખેડૂતો પાસેથી રોજગારના નામે જમીન છીનવી લેવાઈ. પણ શું તમને રોડ પર ટાટા નેનો કાર દેખાય છે. આવનાર સમયમાં ટાટા કંપની નેનોનું પ્રોડક્શન બંધ કરનાર છે. ભાજપ સરકારે ઉદ્યોગપતિઓને 45 હજાર હેક્ટર જમીન એક રૂપિયાનાં ભાવે આપી. ઉદ્યોગપતિઓએ જ જમીન સરકારી કંપનીઓને 3 હજારમાં વેચી. ભાજપ સરકારે ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા, પણ ખેડૂતોનાં ન કર્યા. ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવાનો જુઠ્ઠો વાયદો કર્યો. પણ શું વડાપ્રધાન પૂરમાં વળતર વિશે કાંઈ બોલ્યા. જો અમારી સરકાર બનશે તો કોંગ્રેસ સરકાર 10 દિવસમાં ખેડૂતો માટે પોલિસી જાહેર કરશે. રાહુલે કહ્યું કે, ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય માટે લોકોને લાખો રૂપિયા ખર્ચવા પડે છે. પણ શું નોટબંધી વખતે સૂટબૂટવાળા કોઈ લાઈનમાં દેખાયા. ગબ્બરસિંહ ટેક્સ લાગુ કરવાથી બેરોજગારી વધી. ભ્રષ્ટાચાર શબ્દ ભાજપના ભાષણમાંથી ગાયબ થઈ ગયો.