મતદાન પહેલાં વડાપ્રધાન મોદી ગુજરાતમાં 30થી વધુ જાહેરસભા કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે ભાજપે હવે પોતાના સ્ટાર કેમ્પેઇનરોને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ પૂરજોશમાં શરૃ કરી દીધી છે. ભાજપનાં મુખ્ય સ્ટાર પ્રચારકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ રહેશે. તેઓ આગામી દિવસોમાં ગુજરાતનાં વિવિધ શહેરો- ગામોમાં જાહેર સભાઓ યોજશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ૮ થી ૧૦ વખત ગુજરાતમાં આવશે. સરેરાશ રોજની તેઓ ૨ થી ૩ જાહેર સભાઓ કરશે. આમ મોદી પોતે એકલા જ ૩૦થી વધુ જાહેર સભાઓ યોજીને ગુજરાતનાં ખૂણે ખૂણે ફરી વળશે. તેઓ પ્રચારના 'વિકાસ'ને જ ફોકસમાં રાખશે. ગુજરાતમાંથી ગયેલા કેન્દ્રિય મંત્રીઓ પુરૃષોત્તમ રૃપાલા અને મનસુખ માંડવીયા તેમજ પૂનમ માડમ જેવા કેટલાય સંસદસભ્યોને પ્રચારકાર્યમાં ઉતારાશે. નાની જાહેર સભાઓમાં તેમને હાજર રખાશે. અત્યારે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો તેમજ સ્ટાર પ્રચારકોની આખરી યાદી તૈયાર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સ્ટાર પ્રચારકો ક્યારે અને ક્યાં જાહેરસભા સંબોધશે તેનું સમયપત્રક પણ બનાવાઇ રહ્યું છે. હાલમાં છેલ્લાં બે વર્ષમાં ગુજરાતનાં મતદારોમાં ભાજપ સરકાર માટે આક્રોશ ઉભો થયો છે. વડાપ્રધાન મોદી અને યોગી આદિત્યનાથ દ્વારા આગ ઝરતા ભાષણો કરીને તેમને શાંત્વના અપાશે.