ઉ.ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજો માટે અપક્ષો મુસીબત ઉભી કરશે
રાજ્યના રાજકારણમાં મહત્વના ગણાતા ઉત્તર ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં રાજકારણ આકરા પાણીએ દેખાય છે. ઉત્તર ગુજરાતની ૨૭ બેઠકો પર છેવટે ૨૮૨ ઉમેદવાર રહેતાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજો માટે અપક્ષ ઉમેદવારો મુસીબત રૂપ સાબિત થઇ શકે એમ છે. આ સંજોગોમાં રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલ જ્યાંથી મેદાને છે એવી મહેસાણા બેઠક પર તો રાજ્યમાં સૌથી વધુ ૩૪ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે.
રાજકારણની લેબોરેટરી ગણાતા ઉત્તર ગુજરાતમાં આ વખતની ચૂંટણી વધુ રસાકસીવાળી બની છે. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર અહીં દેખાઇ રહી છે એવામાં આ ચૂંટણીમાં અપક્ષોની વધુ ઉમેદવારીએ ભાજપ કોંગ્રેસના નેતાઓની ઉંઘ ઉડાડી છે. આ સંજોગોમાં ગત ચૂંટણી પર નજર કરીએ તો વધુ અપક્ષ ઉમેદવારો ભાજપ કોંગ્રેસને સરખા ફળ્યા છે પરંતુ આ વખતની સ્થિતિ કંઇક અલગ દેખાઇ રહી છે. ગત ચૂંટણીમાં ૧૦ કરતાં વધુ ઉમેદવારવાળી ૧૦ બેઠકો પૈકી ડીસા, રાધનપુર, પાટણ, વિસનગર અને મહેસાણા બેઠક ભાજપને મળી હતી તો પાલનપુર, સિધ્ધપુર, હિંમતનગર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી. પરંતુ આ વખતની સ્થિતિ કંઇક અલગ દેખાઇ રહી છે. આ વખતે ઉત્તર ગુજરાતની ૨૭ બેઠકો પર કુલ ૨૮૨ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. જેમાં મહેસાણા જિલ્લાની ત્રણ, બનાસકાંઠાની બે, પાટણની ચાર, સાબરકાંઠાની બે મળી ૧૧ બેઠકો એવી છે કે જ્યાં ૧૦ કરતાં વધુ ઉમેદવારો છે. જેમાં મહેસાણા બેઠક પર તો રાજ્યમાં સૌથી વધુ ૩૪ ઉમેદવારો મેદાને છે. અહીં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ અને કોંગ્રેસના જીવાભાઇ પટેલ વચ્ચે જંગ છે. ત્યારે પાટીદારના ગઢમાં ચૂંટણીના કાવાદાવા કળી ન શકાય એવા બન્યા છે. અપક્ષો મોટા માથાઓ માટે મુસીબત બન્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસની છાવણીમાં અપક્ષોને પોતાની તરફેણમાં કરવાની ગતિવિધિઓ તેજ બની છે. અપક્ષ ઉમેદવારોને મનાવવા પ્રયાસ ચાલી રહ્યા છે.