અલ્પેશ ઠાકોરે વિરમગામથી ચૂંટણી લડવા કોંગ્રેસની ટિકીટ માંગી
ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાસેથી ટિકિટ માગી છે. પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, જો અલ્પેશને આ બેઠક પરથી ટિકિટ મળશે તો તેનું મૂળ ગામ હોવાથી અને ઠાકોરોના મત તો મળશે જ પરંતુ સાથોસાથ પાટીદારોના પણ મત મળશે. કેમ કે, વિરમગામ પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલનું પણ ગામ હોવાથી અને તેણે ભાજપ સામે ખુલીને વિરોધ શરુ કર્યો હોવાથી અલ્પેશને મદદરુપ બનશે. 2012માં આ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર તેજશ્રીબેન પટેલ જીત્યા હતા જોકે તેમણે હાલ થોડા સમય પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
તેમની ટિકિટ ફાળવીને ભાજપ કોંગ્રેસને આ બેઠક પર ખરાખરીનો જંગ આપી શકે છે. અલ્પેશની માગણીઓ અંગે જણાવતા વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘અલ્પેશે પોતાના અન્ય 15 ફોલોઅર્સ માટે પણ ટિકિટ માગી છે. જેમાં વિરમગામ ઉપરાંત કાંકરેજ, ડિસા, રાધનપુર જેવી બેઠકો છે જ્યાં જનસંખ્યાની દ્રષ્ટીએ મત ટકાવારીમાં OBC અને ઠાકોરોનું પ્રભુત્વ છે.’ અલ્પેશ ઠાકોર સીધો જ રાહુલ ગાંધી સાથે સંવાદ કરતો હોઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કેટલાય વરિષ્ઠ નેતાઓમાં અસંતોષની લાગણી છે. સૂત્રો મુજબ તાજેતરમાં અલ્પેશ દ્વારા પ્રદેશ કોંગ્રેસની લીડરશીપ સાથે ચર્ચા કર્યા વગર જ પોતાના મહત્વના સાથીદાર ગેમીબેન ઠાકોર વાવથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દેવામાં આવતા કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, બળદેવજી ઠાકોર સહિતના અન્ય દિગ્ગજ OBC નેતાઓ નારાજ છે. એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, ‘અલ્પેશ પ્રદેશ નેતાગીરીને બાયપાસ કરીને સીધા જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સુધી પહોંચી જાય છે જો આ રીતે કરશે તો રાજ્યમાં પાર્ટીની ચૂંટણી યોજનાઓ પર ખરાબ અસર પડશે.’