ખરા ટાઈમે ખેલ ઉંઘો પડતાં મોદી અને શાહ અકળાયા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયે જ ભાજપે પાટીદાર અનામત આંદોલનકારીઓને સાથે લેવાનો ખેલ પાડ્યો હતો. પરંતુ આ ખેલ પાટીદાર નેતા નરેન્દ્ર પટેલ અને નિખિલ સવાણીએ ઊંધો પાડી દેતાં ભાજપ બેકફૂટ પર આવી ગયું છે.ભાજપમાં ઉમેદવાર પસંદગીની ચાલી રહેલી પ્રક્રિયા પણ હાલ પૂરતી ઠપ થઇ ગઇ છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાત ભાજપના નેતાઓનો આ બાબતે ઉધડો લીધો હતો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાજપની ગંભીર સ્થિતિ અંગેનો સંપૂર્ણ અહેવાલ ખાનગી અને પક્ષના માધ્યમથી મંગાવ્યો છે. મહેસાણાના પાસના કન્વીનર નરેન્દ્ર પટેલે ભાજપમાં જોડાવવાનું નાટક કરીને ભાજપે પોતાને ખરીદ્યા હોવાનો પર્દાફાશ કરતાં ભાજપના નેતાઓ ચિંતીત બની ગયા હતા. નરેન્દ્ર પટેલે પાસના નેતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેની સામે ભાજપના કોઇ નેતાઓ જવાબ આપવા માટે તૈયાર થયા ન હતાં.