સુરતમાં મનમોહનનો વેપારીઓ સાથે સંવાદ, GSTથી ટેક્સ ટેરરિઝમ જોવા મળ્યું
આજે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સુરતના ઉદ્યોગપતિઓ, આગેવાનો સાથે સંવાદ યોજાયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જીએસટીથી ટેક્સ ટેરરિઝમ આવ્યું છે. તમારા ઉભા કરેલા પ્રશ્નો નહોતા. છતાં તમે સહન કર્યું. નોટબંધી અને જીએસટીના સમયમાં કોંગ્રેસ પાર્ટી તમારી સાથે રહી.તમે વડાપ્રધાન પર વિશ્વાસ મુક્યો એ આશા પર કે દેશને ફાયદો થશે. હું તમારા કમિટમેન્ટને સલામી આપું છું. પણ અફસોસ એવું ના થયું. વડાપ્રધાને દાવો કર્યો કે. તે ગુજરાતને અને ગરીબોને સમજે છે. પણ તેમના નિર્ણયોથી થયેલી હેરાનગતિને તેઓ કેમ સમજી ના શક્યા?
જીએસટી સારો વિચાર હતો. પણ બીજેપી સરકારની દિશાહીનતા અને ખરાબ અમલવારીને કારણે આ હાલ થયા છે. સુરતનો બિઝનેસ વિશ્વાસ અને સંબંધ પર ચાલે છે. વિશ્વાસ વગર સુરત ભાંગી પડે. પણ તમે પીએમ પર અચ્છે દિન માટે વધારે પડતો જ વિશ્વાસ મુક્યો. ફક્ત સુરતમાં 89,000 લુમ્સ ભંગારમાં ગયા અને 31 હજાર કારીગરો બેરોજગાર થયા. આવી બીજી ઘણી ઇન્ડસ્ટ્રી છે. નોટબંધી જાહેર થઈ ત્યારે હું આશ્ચર્યમાં હતો કે, પીએમને આવી સલાહ કોણે આપી? કાળું નાણું અને કરચોરી પર રોક લગાવવી જરૂરી હતું. પણ નોટબંધી તેનો ઉપાય નહોતો. અમને પણ તેની સલાહ આપવામાં આવી હતી. પણ અમે જવાબદાર સરકાર તરીકે તેને લાગું ન કર્યો.