કચ્છમાં ટિકિટવાંચ્છું ઉમેદવારોની પસંદગી ભાજપ-કૉંગ્રેસ માટે માથાના દુખાવારૂપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કચ્છમાં ભાજપ કૉંગ્રેસના ટિકિટવાંચ્છુઓની લાઈન લાગી છે. ઉમેદવારોની પસંદગી બંને પક્ષ માટે માથાના દુખાવારૂપ બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ ર૦૧૭ની ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણી ભારે રસપ્રદ બનશે. નૉટબંધી, જીએસટી જેવા મુદે ભાજપ સામે મધ્યમવર્ગીય પરિવારો અને વ્યાપારીઓની નારાજગીએ અત્યારે કૉંગ્રેસને આશા જગાવી છે. પણ, છેલ્લા રર વર્ષથી સત્તામાં રહેલ ભાજપ કેન્દ્રમાં પહોંચ્યા પછી વધુ મજબૂત બન્યું છે અને ગુજરાત, મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યોમાં પણ ભાજપે સત્તા મેળવીને કૉંગ્રેસ સામે પડકાર ઊભો કર્યો છે.
જોકે કૉંગ્રેસ માને છે કે આ વખતે સત્તા વિરોધી લહેર તેને જીત અપાવશે એટલે જ તો કચ્છની વિધાનસભાની છ બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી કૉંગ્રેસ અને ભાજપે બંને પક્ષો માટે માથાનો દુખાવો બની છે, કારણ કે જાતિવાદ સમીકરણો આ વખતે હારજીતના ફેંસલામાં અહમ ભૂમિકા ભજવશે. વિકાસની વાતો કરનાર ભાજપ હોય કે પછી ભ્રષ્ટાચાર અને જીએસટી, નૉટબંધીના મુદે ભાજપને ઘેરનાર કૉંગ્રેસ હોય બંને મુખ્ય રાજકીય પક્ષો પોતાના ઉમેદવારની પસંદગી અને હારજીતના મુદે જાતિવાદી સમીકરણોના આધારે જ રણનીતિ ઘડે છે. એટલે જ આ વખતે ઉમેદવારની પસંદગી બંને પક્ષો માટે હારજીતનો ફેંસલો ઘડવામાં અગત્યની ભૂમિકા નિભાવશે. રાજકીય રાતરેજના આ દાવપેચમાં નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી બંને પક્ષોએ ઉમેદવારોના નામ જાહેર કરવામાં ચૂપકીદી જાળવી ને પત્તા છાતી સરસ દાબી રાખ્યા છે.