સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (13:35 IST)

સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ ન હોવાથી ભાજપ હાઇકમાન્ડ ચિંતિત

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જબરજસ્ત ફટકો પડતા અને મૃતપાય થયેલી કોંગ્રેસમાં નવચેતના જાગી જાય તેવા પરિણામો આવતાં સૌ કોઇ ચોંકી ગયા છે. આવી હાલત થવા પાછળના કારણો અંગેનું પોસ્ટમોર્ટમ થઇ રહ્યું છે. જેની પાછળ સૌથી મહત્વનું પરિબળ સરકાર અને સંગઠન વચ્ચેનાં તાલમેલનો અભાવ છે. કારણ કે ટોચના નેતાઓ ૧૫૦થી વધુ બેઠકો મળશે જ એવાં ખ્વાબમાં રહ્યા. જ્યારે લોકોની વચ્ચે જઇને ગ્રાઉન્ડ લેવલનું કોઇ કામ જ થયું નહોતું. આટલું ખરાબ પરિણામ આવશે તેવી ગણતરી ભાજપને નહોતી. વાસ્તવમાં વિવિધ સમૂદાયનાં લોકોની નારાજગી, આક્રોશ અને આંદોલનને પગલે નાગરીકોનાં પ્રશ્નો, તેની સમસ્યાઓ જાણવાની તસ્દી સરકાર કે ભાજપ સંગઠને લીધી નહોતી.

આ વખતે યુવાનોની વોટબેન્કે પણ ભાજપની વિરુધ્ધમાં મતદાન કર્યું છે. જે ભાજપ માટે ખુબ જ ચિંતાજનક બાબત છે. સૂત્રો જણાવે છે કે, હાલનું સંગઠન પણ ખુબ જ નબળું છે. સરકારમાં પણ ટોચનાં ત્રણથી ચાર નેતા-મંત્રીઓને બાદ કરો તો ખુબ જ નબળી ટીમ છે. આ ચૂંટણીને પગલે હવે ભાજપ હાઇકમાન્ડ સરકાર અને સંગઠનમાં ધરખમ ફેરફારો કરવાનું મન બનાવી લીધું છે. આ ફેરફારો ક્યારે કરાશે અને કેવા પ્રકારના હશે તે જોવું પણ રસપ્રદ બનશે. જો વડાપ્રધાન મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ત્રણ મહિના સુધી જે સતત મહેનત કરી તે ન કરી હોત તો પરિણામ વધુ ખરાબ આવ્યું હોત.