મોદી રીવરફ્ન્ટ પરથી સી પ્લેનની સવારી કરી ધરોઈ ડેમ અને સીધા અંબાજી પહોંચ્યા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં મંદિર તરફનો ઝુકાવ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ રિવરફ્રન્ટથી ‘સી પ્લેન’માં બેસીને ધરોઇ ડેમ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ જમીન માર્ગે અંબાજી પહોંચ્યા, જ્યાં તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું. બાદમાં તેઓ અંબાજી મંદિરે પહોંચ્યા અને મા અંબાના દર્શન અને પૂજા અર્ચના કરી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અંબાજી આવ્યા છે. આ પહેલાં તેઓ 13 ફેબ્રુઆરી 2014ના રોજ 51 શક્તિપીઠના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અંબાજી આવ્યા હતા અને ત્યારબાદ તેઓ વડાપ્રધાન બન્યા બાદ અનેકવાર ગુજરાત આવ્યા હતા, પરંતુ અંબાજી માતાના દર્શનાર્થે આવી શક્યા નહોતા, ત્યારે હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને તેઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સભાઓ સંબોધી રહ્યાં છે, તેવામાં તેઓ ત્રણ વર્ષ બાદ અંબાજી માતાના શરણે આવ્યા છે.