યુવાનોને બેરોજગારી ભથ્થુ અને સ્માર્ટફોન આપવાની કોંગ્રેસની જાહેરાત
ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, જો પક્ષ સત્તા પર આવશે તો રાજ્યના 30 લાખ જેટલા બેરોજગારોને કોંગ્રેસ દ્વારા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તા પર આવશે તો બેરોજગાર યુવાનોને તેની શૈક્ષણિક લાયકાત અનુસાર 3000 રુપિયાથી લઈ 4000 રુપિયા સુધીનું માસિક બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
12 ધોરણ સુધી ભણેલા બેરોજગારને રુ. 3000, ગ્રેજ્યુએટને રુ. 3500 અને પોસ્ટ ગ્રેજ્યુએટને 4000 રુપિયાનું મહિને ભથ્થું અપાશે. આ ઉપરાંત, દરેક યુવાનને સ્માર્ટફોન આપવાની જાહેરાત પણ આજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ શાસિત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતને નોલેજ હબ, મેન્યુફેક્ચરિંગ હબ, આઈટી હબ બનશે તેવા દાવા ભાજપ કરી રહ્યો છે, પરંતુ યુવાનો બેરોજગાર છે. ગુજરાતને 24 કલાક વીજળી મળે છે તેવા અમિત શાહના દાવાને પડકારતા સોલંકીએ જણાવ્યું હતું કે, યુપીએ સરકારના સમયમાં થયેલા પ્રયાસોને કારણે ગુજરાતમાં વીજળીનું ઉત્પાદન વધ્યું છે. ગુજરાત સરકારે પોતાના રોકાણથી એક પણ મેગાવોટ વીજળીનું ઉત્પાદન નથી કર્યું. અમિત શાહ દ્વારા તાજેરતમાં યોજાયેલી ટાઉનહોલ મિટિંગમાં પૂછાયેલા સવાલોની સંખ્યાનો હવાલો આપતા સોલંકીએ કહ્યું હતું કે, અમિત શાહના કાર્યક્રમમાં ત્રણ લાખ સવાલ પૂછાયા તે જ બતાવે છે કે, આખા દેશમાં સૌથી તકલીફવાળું રાજ્ય પ્રજાને ગુજરાત જ લાગ્યું. માટે જ, ગુજરાતના યુવાનોએ આટલી મોટી સંખ્યામાં સવાલ પૂછ્યા. ભાજપના શાસનમાં રાજ્યમાં માત્ર શિક્ષણનું ખાનગીકરણ થયું હોવાનો અને યુવાનો બેરોજગાર ફરતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, રાજ્યમાં ચૂંટણી આવી રહી છે એટલે પીએમ મોદી બુલેટ ટ્રેનનું ખાતમૂર્હુત કરાવી રહ્યા છે. ગોહિલે કહ્યું હતું કે, જ્યારે સરકાર ખુદ કહે છે કે, બુલેટ ટ્રેન 2023 પહેલા દોડાવવી શક્ય જ નથી ત્યારે છેક 2023માં દોડનારી ટ્રેનનું અત્યારથી કેમ ખાતમૂર્હુત કરાવાઈ રહ્યું છે? શક્તિસિંહે જણાવ્યું હતું કે, જયપુરને અમદાવાદ પછી મેટ્રો ટ્રેનની મંજૂરી મળી હતી, છતાંય ત્યાં આજે મેટ્રો દોડતી થઈ ગઈ છે, જ્યારે અમદાવાદમાં મેટ્રોના ક્યાંય દર્શન નથી થતાં. શક્તિસિંહે દાવો કર્યો હતો કે, મેટ્રો ટ્રેન પછી બુલેટ ટ્રેન ગુજરાતીઓને અપાયેલી બીજી લોલીપોપ છે.