ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી હારની બીકે ચૂંટણી નહીં લડે એવી ચર્ચાઓ
આગામી ડિસેમ્બરમાં માસમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અનેક વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપી નાખવાનું છે અને અનેક વર્તમાન ધારાસભ્ય અને મંત્રીઓ ખુદ સામે ચાલી ચૂંટણી લડવા માગતા નથી ત્યારે ફરીવાર એક નવી ચર્ચા પ્રકાશમાં આવી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ ખુદ જીતુ વાઘાણીએ ચૂંટણી નહીં લડવી અને તેને બદલે સંગઠનનું કામ કરવા માટેની તૈયારી બતાવી છે .
કારડીયા રાજપુતોના આંદોલનને ભાજપ અને જીતુ વાઘાણીએ અહંમનો મુદ્દો બનાવી દીધો અને આ આંદોલનને પહેલા ભાજપ અને વાઘાણીએ નજર અંદાજ કર્યુ . ગત રવિવારે બાવળાના ભાયલા ખાતે દોઢ લાખ રાજપુતોએ ભેગા થઈ શક્તિ પ્રદર્શન કર્યુ ત્યારે ભાજપને ગંભીરતા સમજાઈ. આખરે આ સ્થિતિમાં જીતુ વાઘાણીને પોતાની હાર નિશ્ચિત દેખાતા તેમણે વચલા રસ્તા તરીકે પોતે ચૂંટણી લડવા માગતા નથી તેવુ પક્ષને જણાવી દીધુ છે. એવું ખુદ ભાજપના સુત્રો જણાવી રહ્યાં છે. ગુજરાતમાં હાલમાં ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી બચાવ મુદ્રામાં છે. કોઈપણ રાજકીય પક્ષના સંગઠનના મોભી એટલે કે તે પક્ષના અધ્યક્ષ હોય છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના હાલના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એક યુવા અને સંગઠનલક્ષી વ્યક્તિત્વ તરીકે ખૂબ ટૂંકા ગાળામાં ઓળખ પામ્યા. હાલમાં જ તેમના માટે કારડિયા રાજપૂત સમાજ દ્વારા ગૌચરની જમીન સંદર્ભ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા છે. સામી ચૂંટણીએ શાસકપક્ષના અધ્યક્ષ માટે ઉભા થયેલા પ્રશ્નોનું ખંડન અધ્યક્ષ દ્વારા તથા પાર્ટી પ્રવક્તાઓ દ્વારા વિવિધ માધ્યમોથી કરવામાં આવ્યું છે. છતા જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી પોતાના ગુજરાત માળખાના શીર્ષસ્થ નેતૃત્વને હેમખેમ સર્વસ્વીકૃત ચહેરા તરીકે બચાવ કરી શકશે કે પીછેહઠ કરી તેઓને આવનારી વિધાનસભાની ચૂંટણીથી દૂર રાખશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જીતુ વાઘાણી ક્યાંક-ક્યાંક પાર્ટીના જ પીઢ નેતાઓની ઈર્ષાનો ભોગ બની રહ્યાં હોય તેવી સ્થિતિ પણ ધ્યાનમાં આવે છે. ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સમયથી યુવા નેતૃત્વને વેતરી નાખવાની માનસિકતાની ચર્ચાઓનું પ્રમાણ વધ્યું છે. યુવા કાર્યકર્તાઓ દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે આયાતી અને વિરોધી જૂથના લોકોને પાર્ટીમાં આવકારવાથી આ પ્રકારના ખેંચતાણના સમીકરણોનું પ્રમાણ વધ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પોતાના પક્ષમાં યુવા નેતૃત્વને મહત્ત્વ આપવાની વાત કરતા હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત યુનિટ પોતાના સંગઠનમાં રહેલા પ્રત્યેક યુવા નેતૃત્વને રક્ષાકવચ રૂપે કાળજી લેવાની જગ્યાએ હોદ્દાઓ અને ચૂંટણીમાંથી બાકાત કરવાની માનસિકતા જો સ્વીકારશે તો તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભારતીય જનતા પાર્ટીની ભૂંડી નિરાશાજનક સ્થિતિ પૂરવાર થશે.