ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: ગુરુવાર, 28 એપ્રિલ 2022 (11:33 IST)

બાજીરાવ અમર રહે

બાજીરાવ પહેલો (જ. 18 ઑગસ્ટ 1700; અ. 28 એપ્રિલ 1740, વારખેડી, મહારાષ્ટ્ર) : મરાઠા સંઘનો સર્જક, સફળ સેનાપતિ અને મુત્સદ્દી પેશ્વા. વિદ્યાર્થીકાળ દરમિયાન તેણે ઘોડેસવારી, તલવારબાજી, શિકાર વગેરે શૌર્યભરી રમતોમાં નિપુણતા મેળવી હતી. સાતારામાં તેને રાજકારણ અને વહીવટનો પણ અનુભવ મળ્યો હતો. 1720ના એપ્રિલમાં પ્રથમ પેશ્વા બાલાજી વિશ્વનાથનું અવસાન થતાં એની સેવાની કદર કરી છત્રપતિ શાહૂએ એના 20 વર્ષના યુવાન પુત્ર બાજીરાવની પેશ્વા તરીકે નિમણૂક કરી. બાજીરાવે પોતાની શૂરવીરતા, સાહસ અને દીર્ઘષ્ટિથી એ નિમણૂકને યોગ્ય ઠેરવી.
 
એણે ‘ઉત્તર તરફ આગળ ધસો’ની નીતિ અપનાવી. એણે શાહૂને જણાવ્યું હતું કે ‘આપણે વૃક્ષના મૂળ પર ઘા કરવાની નીતિ અપનાવવી જોઈએ. જો એમાં સફળ થઈશું તો ડાળીઓ આપોઆપ ખરી પડશે’. આ નીતિનો અર્થ એવો હતો કે જો મુઘલ સમ્રાટ પર આક્રમણ કરી એને આપણે હરાવીશું  તો બીજા રાજાઓ આપોઆપ શરણે આવશે. આ નીતિ પ્રમાણે એણે લશ્કર સાથે 1724માં નર્મદા નદી પાર કરી અને માળવા પર અંકુશ જમાવ્યો. ત્યાં મહેસૂલ ઉઘરાવવા માટે પોતાના પ્રતિનિધિઓ તરીકે મલ્હારરાવ હોલકર, રાણોજી સિંધિયા અને ઉદાજી પવારની નિમણૂક કરી, જેમણે પાછળથી ઇંદોર, ગ્વાલિયર અને ધારનાં રાજ્યોની સ્થાપના કરી. એવી જ રીતે ગુજરાત જીતી લઈને ત્યાં ખંડેરાવ દાભાડે અને દામાજી ગાયકવાડને પોતાના પ્રતિનિધિઓ તરીકે નીમ્યા, જેમાંના ગાયકવાડે પછીથી વડોદરા રાજ્યની સ્થાપના કરી. 1728માં એણે પોતાના નાના ભાઈ ચિમનાજી અપ્પાને માળવા મોકલ્યો, જેણે માળવાના મુસ્લિમ ગવર્નરને હાંકી કાઢી ત્યાં મરાઠાઓની સત્તા સ્થાપી. 1728માં બુંદલેખંડ પર વિજય મેળવી ત્યાં વહીવટકર્તા તરીકે ગોવિંદ બલ્લાલ ખેરને મૂક્યો, જેણે ઝાંસીના રાજ્યની સ્થાપના કરી અને ગોવિંદ પંત બુંદેલા તરીકે પ્રસિદ્ધિ પામ્યો.
 
બાજીરાવ પહેલો
 
એ પછી બાજીરાવે નિઝામને હરાવી એણે પચાવી પાડેલો મરાઠાઓનો પ્રદેશ પાછો મેળવ્યો તથા 6 સૂબાઓમાંથી ચોથ ઉઘરાવવાનો અધિકાર મેળવ્યો. 1737માં જમના નદી પાર કરી બાજીરાવ દિલ્હી નજીક પહોંચી ગયો. મુઘલ બાદશાહે ગભરાઈને નિઝામને પોતાની મદદે બોલાવ્યો. પરંતુ બાજીરાવે નિઝામના લશ્કરને ભોપાલ પાસે હરાવ્યું અને 1738ના જાન્યુઆરીમાં સંધિ કરવા ફરજ પાડી. આ સંધિથી નિઝામે સમગ્ર માળવા ઉપર મરાઠાઓની સત્તાનો સ્વીકાર કર્યો અને યુદ્ધદંડ તરીકે રૂપિયા 50 લાખ ચૂકવ્યા. એ પછી બાજીરાવ દિલ્હી તરફ જવાને બદલે દક્ષિણમાં જ રહ્યો. તેના આ વિજયો ઉપરાંત તેના ભાઈ ચિમનાજી અપ્પાએ 1737માં સાલસેટ અને 1739માં વસઈ પૉર્ટુગીઝો પાસેથી જીતી લીધાં. બાજીરાવ લાંબું જીવ્યો હોત તો એ મરાઠી સત્તાનો વધુ વિસ્તાર કરી શક્યો હોત.
 
બાજીરાવ પહેલો કુશળ સેનાપતિ અને મહાન મુત્સદ્દી હતો. એ ઘણો રૂપાળો હતો. પરંતુ એનામાં આકર્ષક રીતભાતનો અભાવ હતો. મસ્તાની નામની નર્તકી સાથેનો એનો પ્રણયકિસ્સો પ્રસિદ્ધ છે. એણે ઘણા લશ્કરી વિજયો મેળવ્યા. માળવા, ગુજરાત અને બુંદેલખંડ ઉપર એણે મરાઠી સત્તા સ્થાપી. પરંતુ વહીવટી અને નાણાકીય બાબતો તરફ તે બેદરકાર રહ્યો. માળવાનાં રજપૂત રાજ્યોના મુસ્લિમો સાથે હિંદુઓને પણ લૂંટવાની નીતિ તેણે અપનાવી તેથી તે રજપૂત રાજાઓનો સાથ મેળવી શક્યો નહિ.