ભારતની અધ્યક્ષતામાં દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ થનારા જી-20 શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના રાષ્ટ્રપતિ ઋષિ સુનક, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સહિત દુનિયાના નેતાઓ સામેલ થઈ રહ્યા છે.
પરંતુ આ સમયે વિશ્વની રાજનીતિના કેન્દ્રમાં રહેલા અને દુનિયાના સૌથી વિવાદિત નેતાઓ પૈકીના એક વ્લાદિમીર પુતિન દિલ્હી નથી આવે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મામલે ફોન પર વાતચીત કરી હતી. પુતિને કહ્યું કે તેમની જગ્યાએ વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ બેઠકમાં ભાગ લેશે.
આ મામલે ભારતે જારી નિવેદનમાં કહ્યું કે બંને નેતાઓએ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વાતચીત કરી જે બંને દેશો માટે ચિંતાનો વિષય છે.
અગાઉ પુતિનના પ્રેસ સચિવ દિમિત્રી પૅસ્કૉફે રશિયાના મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે વ્યસ્ત કાર્યક્રમોને કારણે પુતિન દિલ્હી નથી જઈ રહ્યા.
પૅસ્કૉફે કહ્યું, “પુતિન દિલ્હીમાં થનારા જી-20 સંમેલનમાં ભાગ લે તેવી કોઈ યોજના નથી. હાલ યુક્રેનમાં ચાલી રહેલા વિશેષ સૈન્ય અભિયાન સૌથી મહત્ત્વનું છે.”
મનાય છે કે જી-20 સંમેલનમાં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલો હુમલો ચર્ચાનું કેન્દ્ર બની શકે છે.
ગત સપ્તાહે પુતિને બ્રિક્સ સંમેલનમાં પણ વીડિયો લિંક મારફતે ભાગ લીધો હતો.
ગત વર્ષે પણ બાલીમાં યોજાયેલા જી-20 સંમેલનમાં પુતિન હાજર રહ્યા નહોતા. 2014માં ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બનમાં યોજાયેલા જી-20 સંમેલનમાં પણ તેઓ હાજર રહ્યા નહોતા.
યુક્રેન યુદ્ધ દરમિયાન પુતિને તેમના પ્રવાસો નિયંત્રિત કર્યા છે. જોકે જૂન 2022માં તેમણે તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.
પુતિનને સતાવી રહ્યો છે ધરપકડનો ભય?
મનાય છે કે તેમને ભય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ એટલે કે આઈસીસી તેમની ધરપકડ કરી લેશે. આઈસીસીએ પુતિન સામે ધરપકડનું વૉરંટ ઇશ્યુ કર્યું છે. તેમના પર યુક્રેનમાં યુદ્ધ અપરાધ આચર્યો હોવાનો આરોપ છે.
આ વર્ષે 17મી માર્ચે આઈસીસીએ પુતિન સામે ધરપકડનું વૉરંટ જાહેર કર્યું હતું. જોકે હાલ યુક્રેન અને રશિયા એમ બંને દેશો આઈસીસીનો ભાગ નથી. પરંતુ 2015માં યુક્રેને પોતાની ભૂમિ પર થતા અપરાધો માટે આઈસીસીનું અધિકાર ક્ષેત્ર સ્વીકાર કરી લીધું હતું.
123 દેશો આઈસીસીના સભ્યો છે, જેઓ આઈસીસી દ્વારા જારી ધરપકડના વૉરંટને લાગુ કરવા માટે મદદ માટે બાધ્ય છે.
રાષ્ટ્રપતિ પુતિન દક્ષિણ આફ્રિકા ખાતે યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં નહોતા ગયા. કારણકે દક્ષિણ આફ્રિકા આઈસીસીનું સભ્ય છે અને તે પુતિનની ધરપકડ કરવા માટે સહયોગ કરે તે માટે બાધ્ય છે.
જોકે, ભારત એ આઈસીસીનું સભ્ય નથી, તેથી તે આઈસીસીના વૉરંટને અમલી બનાવવા સહયોગ કરવા માટે બાધ્ય નથી. છતાં, પુતિન ભારતમાં યોજાઈ રહેલા જી-20 સંમેલનમાં હાજર નથી રહેવાના.
યુક્રેન પર થઈ શકે છે ચર્ચા
ભારતે યુક્રેનને આ સંમેલનમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું નથી.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે તેઓ જી-20 સંમેલનમાં યુક્રેનને ન બોલાવાને કારણે નાખુશ છે.
ભારતમાં યોજાનારા જી-20 સંમેલનમાં ટ્રૂડો સુનિશ્ચિત કરશે કે સંમેલનમાં યુક્રેનના અવાજને સાંભળવામાં આવે.
યુક્રેન જી-20નો સભ્ય દેશ નથી, એટલું જ નહીં ભારતે જે નવ ઑબ્ઝર્વર દેશોને આમંત્રણ આપ્યું છે તેમાં પણ યુક્રેન નથી.
ભારતે આ મામલે સ્પષ્ટીકરણ આપતા કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણા પ્રસંગોમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળી ચૂક્યા છે. હાલમાં જાપાનમાં યોજાયેલા જી-7 સંમેલનમાં પણ તેઓ મળ્યા હતા.
વિદેશ મંત્રી જયશંકરે પણ કહ્યું હતું કે જી-20 સંમેલન આર્થિક મંચ છે તે સંઘર્ષ માટેના સમાધાન માટેનું નથી.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે જી-20 સંમેલનમાં યુક્રેન યુદ્ધનું સમાધાન નહીં પરંતુ આર્થિક અને વિકાસના મુદ્દાની ચર્ચા થશે.
છતાં રશિયાને આશંકા છે કે આ સંમેલનમાં યુક્રેન મામલે ચર્ચા થઈ શકે છે.
હાલમાં જ જી-20 સાથે જોડાયેલી એક બેઠકમાં રાષ્ટ્રપતિ પુતિન પર એક ટિપ્પણી કરવામાં આવતા રશિયાના પ્રતિનિધિ બેઠક છોડીને જતા રહ્યા હતા.
ભારતની અધ્યક્ષતામાં જી-20ની અત્યારસુધીની જે પણ બેઠકો થઈ છે તેમાં કોઈ સહમતિથી પ્રસ્તાવ પસાર થયો હોય તેવું નથી બન્યું. ભારત માટે આ સૌથી મોટો પડકાર છે કે જી-20 દેશોમાં સહમતિ કેવી રીતે બને. રશિયા અને ચીન ભારતની સહમતિની તમામ કોશિશો પર ભારે પડે છે.