શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 22 ઑક્ટોબર 2024 (14:43 IST)

Diwali History - જાણો કેવી રીતે શરૂ થઈ ભાઈદૂજ ઉજવણીની શરૂઆત, જાણો ભાઈબીજનુ મહત્વ અને પૌરાણિક કથા

History of Bhai beej celebration

હિન્દુઓનો મુખ્ય તહેવારમાં ભાઈબીજનુ પણ ખૂબ મહત્વ છે. ભાઈબીજનો તહેવાર દિવાળીના 2 દિવસ પછી આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને તિલક કરી તેની લાંબી વય માટે હાથ જોડીને યમરાજને પ્રાર્થના પણ કરે છે. સ્કંદપુરાણમાં લખ્યુ છે કે આ દિવસે યમરાજને પ્રસન્ન કરવાથી પૂજન કરનારાઓને મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે.  આ વર્ષે આ તહેવાર 29 ઓક્ટોબરના રોજ ઉજવાય રહ્યો છે. જેને ઉજવવા પાછળનુ કારણ એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે. 
 
યમ-યમુનાની સ્ટોરી 
શાસ્ત્રો મુજબ ભગવાન સૂર્ય નારાયણ અને સંજ્ઞાના બે સંતાન - એક પુત્ર યમરાજ અને બીજી પુત્રી યમુના હતી. પણ એક સમય એવો આવ્યો જ્યાર સંજ્ઞા સૂર્યનુ તેજ સહન ન કરી શકવાને કારણે ઉત્તરી ધ્રુવમાં છાયા બનીને રહેવા લાગી. જેને કારણે તાપ્તી નદી અને શનિદેવનો જન્મ થયો. ઉત્તરી ધ્રુવમાં રહેવા ગયા પછી સંજ્ઞા (છાયા)નો યમ અને યમુના સાથેના વ્યવ્હારમાં અંતર આવી ગયુ. તેનાથી વ્યથિત થઈને યમે પોતાની નગરી યમપુરી વસાવી. બીજી બાજુ યમુના પોતાના ભાઈ યમને યમપુરીમા પાપીઓને દંડ આપતા જોઈને દુખી થતી તેથી તે ગોલોકમાં વાસ કરવા લાગી.  પરંતુ યમ અને યમુના બંને ભાઈ-બહેનો વચ્ચે ખૂબ સ્નેહ હતો. 
 
આ જ રીતે સમય વ્યતીત થતો રહ્યો પછી અચાનક એક દિવસ યમને પોતાની બહેન યમુનાની યાદ આવી. યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતો હતો. પણ કામની વ્યસ્તતાને કારણે પોતાની બહેનને મળવા જઈ શકતો નહોતો.  પછી કારતક શુક્લ પક્ષ દ્વિતીયાના દિવસે યમુનાએ ભાઈ યમરાજને ભોજન માટે આમંત્રણ આપીને તેમેને પોતાના ઘરે આવવા માટે વચન લઈ લીધુ.  આવી સ્થિતિમાં યમરાજે વિચાર્યું કે હું તો પ્રાણોને હરનારો છું. કોઈ મને પોતાના ઘરે બોલાવવા માંગતું નથી. મારી બહેન જે સદભાવનાથી મને બોલાવે છે તેનું પાલન કરવું એ મારી ફરજ છે. બહેનના ઘરે આવીને યમરાજે નરકમાં રહેતા જીવોને મુક્ત કર્યા. યમરાજને પોતાના ઘરે આવેલા જોઈને યમુનાની ખુશીનો પાર ન રહ્યો.  
 
યમુનાએ માંગ્યુ હતુ વરદાન 
 
યમુનાએ સ્નાન કર્યા પછી,  પૂજા કર્યા પછી અને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસીને યમરાજને ભોજન અર્પણ કર્યું. યમરાજ યમુના દ્વારા કરવામાં આવેલ આતિથ્યથી પ્રસન્ન થયા અને તેમની બહેનને વર માંગવા આદેશ આપ્યો. ત્યારે યમુનાએ કહ્યું, હે ભદ્ર તમે દર વર્ષે આ દિવસે મારા ઘરે આવો અને મારી જેમ, જે બહેન આ દિવસે પોતાના ભાઈનો આદર સત્કાર કરીને ટીકો કરે તેને તમારો ભય ન રહે.  યમરાજે તથાસ્તુ કહીને યમુનનએ અમૂલ્ય વસ્ત્રાભૂષણ આપીને યમલોકની તરફ પ્રસ્થાન કર્યુ.  ત્યારથી આ દિવસે એ તહેવાર ઉજવવાની પરંપરા ચાલી આવી રહી છે. આ જ કારણે એવી માન્યતા છે કે ભાઈબીજના દિવસે યમરાજ અને યમુનાનુ પૂજન પણ જરૂર કરવુ જોઈએ.  
 
ભાઈબીજનુ ધાર્મિક મહત્વ 
ધાર્મિક ગ્રંથો અનુસાર, કાર્તિક શુક્લ દ્વિતિયાના દિવસે, યમુનાને તેના ભાઈ યમ તરફથી આદરના સંકેત તરીકે વરદાન મળ્યું હતું, જેના કારણે ભાઈ દૂજને યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.  ઉલ્લેખનીય છે કે  યમરાજની ઈચ્છા અનુસાર જે વ્યક્તિ આ દિવસે યમુનામાં સ્નાન કરીને યમની પૂજા કરે છે તેને મૃત્યુ પછી યમલોકમાં જવું પડતું નથી. બીજી બાજુ સૂર્યની પુત્રી યમુનાને દેવી સ્વરૂપા માનવામાં આવે છે જે તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. આ કારણથી યમુના નદીમાં સ્નાન કરવાનું અને યમ દ્વિતિયાના દિવસે યમુના અને યમરાજની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે બહેન પોતાના ભાઈને તિલક કરે છે અને હાથ જોડીને યમરાજને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. પુરાણો અનુસાર આ દિવસે કરવામાં આવતી પૂજાથી યમરાજ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ આપે છે.