PHOTO - તાઉ'તે અસર: 159 રસ્તા બંધ, 40 હજાર વૃક્ષો અને 16 હજારથી વધુ મકાનો અને ઝૂંપડાને નુકસાન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાઉ'તે વાવાઝોડાની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે,રાજ્ય સરકારની સતર્કતા,આગોતરા આયોજન અને લોકોના સહકારથી ગુજરાતમાં તાઉ'તે વાવાઝોડાથી મોટી જાનહાનિ ટાળી શકાઇ છે. નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વિસ્તાર સહિત રાજ્યની 1400 કોવિડ હોસ્પિટલમાંથી માત્ર 16માં વીજળી બંધ થઈ હતી જેમાંથી 12માં પુન: શરૂ કરાયો છે અને બાકી 4માં જલદી શરૂ કરાશે.
તેમણે કહ્યું હતું કે,2437 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે જેમાંથી 484થી વધુ પુરવઠો પુનઃએકવાર શરૂ કરાયો છે. આ વિસ્તારમાં અંદાજે 159 રસ્તા બંધ છે તેને ખોલવાની કામગીરી ચાલુ છે. વાવાઝોડાના કારણે અંદાજે 40,000 વૃક્ષોને નુકશાન થયું છે. 16,500 જેટલા કાચા મકાનો-ઝૂંપડાને નુકશાન થયું છે.
આ વાવાઝોડાના કારણે 35 તાલુકામાં 1 થી 3 ઇંચ જેટલો જયારે બગસરામાં 9,ગીર ગઢડા અને ઉનામાં 8,સાવરકુંડલામાં 7 અને અમરેલીમાં 5 ઇંચ વરસાદ થયો છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા જ્યાંથી વાવાઝોડું પસાર થયું છે તેવા દરિયા કિનારાના જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વાતચીત કરીને અત્યાર સુધીની વાવાઝોડાની સ્થિતિ,વરસાદ તેમજ સ્થાનિક સ્તરે નુકસાન અને કામગીરીની વિગતો મેળવી સમગ્ર પરિસ્થિતિ-જનજીવન જલદી પુનઃએકવાર રાબેતા મુજબ શરૂ તે માટે સૂચનો કર્યા હતા
મુખ્યમંત્રીએ તાઉ'તે વાવાઝોડાના વિસ્તારમાં વીજળી અને સંદેશા વ્યવહાર પુનઃ શરૂ થાય,બંધ થયેલ રસ્તા જલદી શરૂ થાય, કોઈ જગ્યાએ લોકો ફસાયા હોય તો તેનું ત્વરીત રેસ્ક્યુ કરવું,ભારે પવનથી રસ્તામાં પડી ગયેલા વૃક્ષોને દૂર કરવા સહિતની વિવિધ બચાવ કામગીરી યુદ્ધના શરૂ કરવા વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી. સર્વેની કામગીરી બાદ અસરગ્રસ્ત વિસ્તાર માટે રાહત પેકેજ-સહાય જાહેર કરવામાં આવશે.