સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Modified: મંગળવાર, 13 જૂન 2023 (19:00 IST)

Biparjoy Cycloneને લઈ મુખ્યમંત્રીની લોકોને અપીલ, સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરો, સૂચનાઓનું પાલન કરો

cm bhupendra patel
cm bhupendra patel
વાવાઝોડાના ખતરા સામે રાજ્ય સરકારે આગોતરા, બચાવ, રાહત અને પુનઃવ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કર્યા છે
 
પવન ફૂંકાય ત્યારે ઘરમાંથી બહાર નીકળશો નહીં, વરસાદમાં વૃક્ષ નીચે, વીજળીના થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળો
 
ગાંધીનગરઃ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ પર Biparjoy Cycloneનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રીએ આજે વીડિયોના માધ્યમથી રાજ્યની જનતાને વાવાઝોડા સામે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પુરતી સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ કરી લીધી છે. ઝીરો કેઝ્યુઅલીટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા, બચાવ, રાહત અને પુનઃવ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે. 

 
નિર્દેશિકાનું લોકોએ પાલન કરવું જોઈએ
તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ અને નિર્દેશિકાનું લોકોએ પાલન કરવું જોઈએ. ખાસ કરીને ભારે વરસાદ અને તિવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં સલામત રહીએ અને બહાર નિકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, વીજળીના થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહીં અને વીજ થાંભલાથી દૂર રહીએ. જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરો. જરૂરી સૂચનાઓનું પાલન કરો. 
 
રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી
રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ મોરબી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ, કલેક્ટર તેમજ વહીવટ તંત્ર સાથે વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં કચ્છ ખાતેથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, મોરબી ખાતેથી મંત્રી કનુભાઈ દેસાઈ, રાજકોટ ખાતેથી મંત્રી રાઘવજી પટેલ તેમજ પોરબંદર ખાતેથી મંત્રી કુંવરજી બાવળીયાએ ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
 
અત્યાર સુધીમાં 20588 લોકોનું સ્થળાંતર કરાયું
અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500, પોરબંદરમાં 543, દ્વારકામાં 4820, ગીર સોમનાથમાં 408, મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 મળી કુલ 20588 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 17 અને SDRFની 12 ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં 4, દેવભૂમિ દ્વારકામાં 3, રાજકોટમાં 3, જામનગરમાં 2 અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત વડોદરા ખાતે 3 અને ગાંધીનગર ખાતે 1 ટીમ રિઝર્વ રખાઈ છે. SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે.