બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 7 જૂન 2022 (09:51 IST)

અમદાવાદમાં દુકાનદાર મહિલાઓને બિભત્સ ઈશારા કરી છેડતી કરતો, મહિલાએ ઠપકો આપતાં ઝગડો કર્યો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક દુકાનદાર તેના વિસ્તારમાં અવરજવર કરતી મહિલાઓને બિભત્સ ઈશારા કરી છેડતી કરીને ત્રાસ આપતો હતો. આ દરમિયાન એક મહિલાએ દુકાનદારથી છુટકારો મેળવવા અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે દુકાનદારનું કાઉન્સેલિંગ કરી પોતાની ભૂલ સ્વીકારાવી હતી.

બીજી બાજુ મહિલાઓને કાયદાકીય માહિતી આપતાં તેઓ કાનૂની કાર્યવાહી કરવી હોવાથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવી હતી.અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક મહિલાએ અભયમની ટીમને કોલ કરીને જણાવ્યું હતું કે, એક યુવક અવારનવાર તેમની છેડતી કરે છે. કોલ મળતાંની સાથે જ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે કોલ કરનાર મહિલાની પુછપરછ કરી હતી. આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે, તેમના ઘરની સામે દુકાન ધરાવનાર યુવક વારંવાર બિભત્સ ઈશારો તથા શરીરના અલગ અલગ અંગો બતાવે છે. એક વખત એક મહિલાએ આ દુકાનદારને છેડતી નહીં કરવા ઠપકો આપ્યો હતો. ત્યારે દુકાનદારે ઝગડો કરી મહિલાને બિભત્સ શબ્દો બોલી અપમાનિત કરી હતી. જેના પગલે વિસ્તારની તમામ મહિલાઓ આ દુકાનદારથી કંટાળી ગઈ હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને અભયમની ટીમે દુકાનદારને બોલાવ્યો હતો. તેની પુછપરછ કરતાં તેણે તમામ મહિલાઓ તેની પર ખોટો આરોપ લગાવી રહી હોવાનું તેણે જણાવ્યું હતું. જો કે એક મહિલાએ દુકાનદારના બિભત્સ ઈશારાનો ઉતારેલો વીડિયો અભયમની ટીમને આપતાં દુકાનદારની પોલ ખુલી ગઈ હતી. અભયમની ટીમે દુકાનદારનું કાઉન્સેલિંગ કર્યું હતું અને કાયદાકિય માહિતી આપી હતી. જેથી દુકાનદારને પોતાની ભુલ સમજાતાં તમામ મહિલાઓની માફી માંગી હતી. બીજી તરફ મહિલાઓને લઈ અભયમની ટીમ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. બાદમાં મહિલાઓએ દુકાનદાર વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરી વર્ષોથી હેરાન કરી રહેલા દુકાનદારની ચૂંગાલમાંથી છુટકારો અપાવવા અભયમની ટીમનો આભાર માન્યો હતો.