રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 એપ્રિલ 2023 (12:20 IST)

રાજકોટમાં મોબાઈલની દુકાનમાં આગનો મામલો, મહિલાએ પાર્સલની આડમાં બોમ્બ મૂક્યો હતો

fire in shop
રાજકોટમાં આવેલી મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ગત 7 એપ્રિલને ગુરુવારે એક ભેદી ઘટના બની હતી, જેમાં એક અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રિના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી.

આગમાં મોબાઇલની એસેસરીઝ સળગીને ખાખ થઇ ગઇ હતી, પાર્સલમાં એવું તે શું હતું કે જેમાથી આગ ભભૂકી?, પાર્સલ મૂકી જનારી મહિલા કોણ? અને તેનો ઇરાદો શો હતો? એ મુદ્દે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી, જેમાં આજે મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, યુ ટયૂબના માધ્યમથી ટાયમર બોમ્બ બનાવી દુકાનમાં બ્લાસ્ટ કરાયો હતો. ધંધાકીય હરીફાઇમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરાયો હતો.

મહિલા પાર્સલ લઈને આવી તેમાં રમકડાની કાર હતી અને તેમાં ટાઇમર બોમ્બ ફીટ કર્યો હતો. મહિલા સાંજે પાર્સલ દુકાનના ટેબલ પર મૂકી ગઈ હતી. બાદમાં આ પાર્સલ પાછી લેવા ન આવતા તે દુકાનમાં જ પડ્યું રહ્યું હતું. જો કે, મોડી રાત્રે 2.48 વાગ્યે આ પાર્સલમાં રહેલો ટાઇમર બોમ્બ બાસ્ટ થયો હતો અને દુકાનમાં આગ લાગી હતી. ગુજરાત મોબાઇલના સંચાલક ભવારામ ચૌધરીએ ગત 7 તારીખને શુક્રવારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે ગુરુવારે મધરાતે તેની દુકાનમાં લાગેલી આગ એ અકસ્માત નહીં, પરંતુ ષડ્યંત્ર હતું. ગુરુવારે સાંજે એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને પોતાની સાથે લાવેલા પાર્સલ ભૂલી ગયાનું નાટક કર્યું હતું. રાત્રે દુકાન બંધ કરતી વખતે ભવારામે એ પાર્સલ દુકાનની અંદર રાખી દીધું હતું અને મધરાતે એ પાર્સલમાંથી ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી.

પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં પાર્સલ મૂકી જનારી મહિલા કેમેરામાં દેખાઇ હતી. તેણે મોઢે દુપટ્ટો વીંટ્યો હોવાથી તેની ઓળખ પોલીસ માટે પડકારરૂપ બની હતી.આ દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી. ગોહિલને મહત્ત્વની હકીકત મળી હતી અને એસટી બસપોર્ટ નજીક મોબાઇલ એસેસરીની દુકાન ચલાવતા કાલરામ ઉર્ફે કલ્પેશ ચૌધરી અને તેના સાળાને ઉઠાવી લીધા હતા.