અમદાવાદમાં પ્રેમી યુવકના લગ્ન કરવાનો ઇન્કાર કરતાં મામા મામીને પાડોશમાં રહેતા ચાર શખ્સોએ ફટકાર્યા, મકાન પર પથ્થરમારો કર્યો
અમદાવાદમાં પ્રેમી યુવકના લગ્ન કરવાનો ઇન્કાર કરતાં મામા મામીને પાડોશમાં રહેતા ચાર શખ્સોએ ફટકાર્યા, મકાન પર પથ્થરમારો કર્યો
બંને પરિવારો વચ્ચે લગ્ન કરાવવાને લઈ વિચારણા ચાલુ હતી
અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ પ્રકરણ મામલે મારા મારી થઇ હતી જેમાં પ્રેમી યુવકના મામાએ લગ્ન કરવાનો ઇન્કાર કરતાં પડોશી ચાર શખ્સોએ યુવકના મામા મામીને માર માર્યા હતો અને મકાન ઉપર પથ્થરમારો કરીને મકાનમાં તોડફોડ કરી હતી. શહેરમાં મેઘાણીનગરમાં ચમનપુરામાં ગાંડાલાલ વિઠ્ઠલદાસ ભોજકની ચાલીમાં રહેતા વ્યક્તિએ પડોશમાં રહેતા ચાર શખ્સો સામે ફરિયાદ નોધાવી છે.
ભાણીયાને પાડોશમાં રહેતી છોકરી સાથે પ્રેમ સંબંધ હતો
ફરિયાદીના ભાણીયાને પાડોશમાં રહેતી છોકરી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં બંને જણાના પરિવારોએ લગ્ન કરવાની વિચારણા હાથ ધરી હતી. પરંતુ ફરિયાદીએ કોઈ કારણ સર લગ્ન બાબતે ઈનકાર કર્યો હોવાથી સામા પક્ષના લોકો ઉશ્કેરાઈને ફરિયાદીના ઘરે પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે ફરિયાદીને કહ્યું હતું કે, કેમ તું લગ્ન કરાવવાની ના પાડે છે. ત્યારે ફરિયાદીએ કહ્યું હતું કે, તેમના ભાઈ જૂનાગઢ પરિક્રમામાં ગયા હોવાથી તે આવે પછી સમાજમાં બેસીને વાતચીત કરીશું. બસ આટલું સાંભળતાં જ પાડોશમાં રહેતા ચાર શખ્સો ઉશ્કેરાઈ ગયા હતાં.
પ્રેમી યુવકના મામા મામીને ચાર શખ્સોએ ફટકાર્યા
મંગળવારે બપોરે ફરિયાદી પરિવાર સાથે ઘરે હાજર હતા. આ સમયે આરોપીઓએ આવીને ફરિયાદીને કહ્યું હતું કે તુ કેમ લગ્ન કરાવવાની ના પાડે છે, તેમ કહેતા ફરિયાદી સમાજમાં બેસીને વાત કરીશુ તેમ કેહતાં જ આરોપીઓએ ઉશ્કેરાઇ ગયાં હતાં. આરોપીઓએ મકાન પર પથ્થરમારો કરતાં ફરિયાદીના બરડામાં અને સાથળના ભાગે ઈજા પહોંચી હતી. એટલું જ નહીં ફરિયાદીના પત્નીના કપાળે પણ એક પથ્થર વાગતાં લોહી નીકળવા માંડ્યું હતું. બીજી તરફ મકાન પર પથ્થરો ફેંકતા બાથરૂમનો દરવાજો તૂટી ગયો હતો. તેમજ મકાનના છતના પતરાંને પણ આરોપીઓએ પથ્થરો મારીને તોડી નાંખીને 10 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું.
ઈજાગ્રસ્ત મામા મામીએ પોલીસમાં ફરિયાદ કરી
આ ઘટના દરમિયાન ચાલીમાં રહેતા લોકો ભેગા થઈ ગયાં હતાં. ભારે હલ્લાબોલ વચ્ચે જોરજોરથી ગંદી ગાળો બોલીને ફરિયાદીના ઘર પર પત્થરમારો કરનાર શખ્સો ત્યાંથી ભાગી ગયા હતાં. ઈજાગ્રસ્ત ફરિયાદી અને તેમની પત્નીએ પોલીસને ફોન કર્યો હતો. બાદમાં તેમણે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જઈને પાડોશમાં રહેતા ચારેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.