રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (11:50 IST)

અમદાવાદમાં ડૉક્ટર પત્નીને પતિએ કહ્યું, મારા ઘરમાંથી બહાર નીકળી જા, નહીં નીકળે તો જાનથી મારી નાંખીશ

પત્નીએ સાસરિયાઓ અને પતિ વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સાસરિયાઓના કારણે મહિલાએ નોકરી છોડી અને બાદમાં ક્લિનિક પણ બંધ કરી  
 
અમદાવાદમાં મહિલાઓ વિરૂદ્ધ પારિવારિક ઝગડાઓ વધી રહ્યાં છે. દહેજ અને કરિયાવર સહિત પતિના આડા સંબંધોને કારણે મહિલાઓની પોલીસ સ્ટેશનમાં ફરિયાદો પણ વધવા  માંડી છે. શહેરમાં ડોક્ટર મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો પતિ તેને ઘરમાંથી બહાર નીકળી જવાનું કહે છે અને નહીં નીકળે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યો છે. તેના સાસરિયાઓ પણ તેને પસંદ કરતાં નથી અને વાંરવાર મહેણાં ટોણાં માર્યા કરે છે. મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી 
છે. 
 
સાસુ અને સસરા નાની નાની બાબતોમાં ઝગડો કરતાં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ડોક્ટરનો વ્યવસાય કરતી મહિલાના 2019માં સામાજિક રીતરિવાજ પ્રમાણે લગ્ન થયાં હતાં. લગ્ન બાદ ચાંદખેડા  વિસ્તારમાં તેના સાસરિયાઓ સાથે રહેતી હતી. શરૂઆતમાં તેને સારી રીતે રાખવામાં આવતી હતી. પરંતુ લગ્નના થોડા સમય બાદ સાસુ અને સસરાએ તેની સાથે નાની નાની બાબતોમાં ઝગડા કરવાનું શરૂ કર્યું હતું. તેની સાસુની ચઢામણીમાં આવીને તેનો પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો. 
 
પતિ તેની પત્નીને વારંવાર મારઝૂડ કરતો ઘરમાં કામકાજને લઈને સાસુ અવારનવાર અપશબ્દો બોલતાં અને તેમની ફરિયાદ સસરાને કરતાં તેઓ પણ મહિલા સાથે ઝગડો કરતાં હતાં. આ બાબતે સસરાના મોટાભાઈને 
મહિલાએ વાત કરતાં તેઓ પણ મહેણાં ટોણાં મારીને મહિલા સાથે વારંવાર ઝગડો કરતાં હતાં. સસરાના મોટાભાઈ મહિલાને વારંવાર એવું કહેતા હતાં કે તારા પપ્પા અમારે ત્યાં લગ્નની પહેલા ના પાડી હતી પરંતુ તારે છેવટે અમારા ઘરમાંજ આવવું પડ્યું. આ બાબતે મહિલાના સાસુ અને સસરા પણ પતિને લગ્ન સંબંધ તોડી નાંખવા માટે ચઢામણી કરતાં અને પતિ તેમની વાતોમાં આવીને મહિલાને માર મારતો હતો. 
 
મહિલાએ સાસરિયાઓના કહેવાથી ક્લીનિક બંધ કર્યું સાસુ સસરાની ચઢામણીમાં આવીને પતિ તેની પત્નીને વારંવાર કહેતો કે તુ મારા ઘરમાંથી નીકળી જા નહીં નીકળે તો તને જાનથી મારી નાંખીશ. આટલેથી નહીં અટકતાં સાસુ અને સસરા સહિત નણંદ પણ વારંવાર મહિલાને ગંદી ગાળો બોલીને માર મારતાં હતાં. આ બાબતે મહિલાએ તેના પિતાને જણાવી હતી. પરંતુ પિતાએ સંસાર ટકાવી રાખવા માટે સમાધાનનું વલણ અપનાવ્યું હતું. જેથી મહિલા મુંગા મોઢે બધું જ સહન કરતી હતી. મહિલાએ સાસરી પક્ષના કહેવાથી નોકરી અને ક્લીનિક પણ બંધ કરી દીધું હતું. 
 
પતિએ છુટા છેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી એક વર્ષ પહેલાં સસરા અને તેમના મોટા ભાઈ મહિલાને તેના પિયરમાં મુકી ગયાં હતાં. તે સમયે તેમણે એવું કહ્યું હતું કે તેના પતિનો ગુસ્સો શાંત થશે પછી લઈ જઈશું. પરંતુ આજદિન સુધી તેઓ મહિલાને તેડવા માટે આવ્યા નથી. મહિલાના પતિએ છુટા છેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજી પણ કરી છે. આ અંગે સાસરીમાં પુછપરછ માટે મહિલા અને  તેના પરિવારજનો ગયાં હતાં પરંતુ ત્યાં સાસરિયાઓએ ફરીવાર ગંદી ગાળો બોલીને ઝગડો કર્યો હતો. આ અંગે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરૂદ્ધ શારિરીક  અને માનસિક ત્રાસ આપવા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.