અમદાવાદના વૃદ્ધને સેક્સની જાળમાં ફસાવી 2.69 કરોડ રૂપિયા પડવનાર ગેંગના સાગરીતો ઝડપાયા
સાયબર ક્રાઈમે પાંચ આરોપીઓને રાજસ્થાન અને હરિયાણાના વિસ્તારોમાં ઓપરેશન ચલાવી ઝડપી પાડ્યા
ગત જાન્યુઆરીમાં અમદાવાદના વૃદ્ધને વીડિયો કોલ કરીને વર્ચ્યુઅલ સેક્સની જાળમાં ફસાવી 2.69 કરોડ પડાવ્યા હતાં
અમદાવાદઃ અમદાવાદમાં હાલમાં વીડિયો કોલ કરીને વર્ચ્યૂઅલ સેક્સની જાળમાં ફસાવીને લોકોને બદનામ કરવાની ધમકીઓ આપી તેમની પાસેથી પૈસા પડાવવાનું તેમજ પાર્ટ ટાઈમ જોબના નામે પૈસા ભરાવીન છેતરપિંડી આચરતાં મેવાતી ગેંગના સભ્યોની રાજસ્થાન અને હરિયાણાના વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરીને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચ આરોપીઓમાંથી બે આરોપીઓ એવા છે જેમણે અમદાવાદના વૃદ્ધ વેપારીને વર્ચ્યુઅલ સેક્સની જાળમાં ફસાવીને 2.69 કરોડ પડાવી લીધા હતાં.
વર્ચ્યુઅલ સેક્સના નામે 2.69 પડાવનાર આરોપી ઝડપાયો
સાઈબર ક્રાઈમની ટીમે આ પ્રકારના ગુનાઓની માહિતી મળતાં રાજસ્થાનના ભરતપુર તથા હરિયાણાના મેવાત વિસ્તારમાં ખાસ પ્રકારનું ઓપરેશન હાથ ધર્યું હતું. આ ટીમ એક અઠવાડિયા સુધી જુદા જુદા વેશમાં ફરતી હતી અને આરોપીઓને પકડવા માટે પ્રયાસો કરતી હતી. આખરે આ ટીમે અમદાવાદમાં બનેલા ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓેને ઝડપી પાડ્યા હતાં. જેમાં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એર કોમ્પ્રેસર ખરીદવાના બહાને 6 લાખ પડાવવાનો ગુનો, નિકોલમાં વર્કફ્રોમ હોમના નામે 9 હજાર પડાવી લેવાનો ગુનો અને વૃદ્ધ વેપારી પાસેથી વર્ચ્યુઅલ સેક્સના નામે 2.69 પડાવનાર આરોપીઓ સામેલ હતાં.
રાજસ્થાન અને હરિયાણાથી પાંચ આરોપીઓ ઝડપ્યા
ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ રાજસ્થાનના તાહિર ખાન તથા એક કિશોર, હરિયાણામાંથી ઈરશાદખાન, રાજસ્થાનમાંથી ભવરિયા ઉર્ફે સાદિલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આ લોકોને પકડતાં પહેલાં ક્રાઈમ બ્રાંચે જરૂરી કેસની ટેકનિકલ ડિટેલ મંગાવીને તેની તપાસ હાથ ધરી હતી અને આ આરોપીઓ રાજસ્થાન અને હરિયાણાના હોવાનું સામે આવ્યું હતું. જેમને પકડવા માટે ક્રાઈમ બ્રાંચ અને એસઓજીના પોલીસ કર્મીઓ રાજસ્થાન અને હરિયાણા ગયાં હતાં.