અમદાવાદની મહિલાને ત્રણ દીકરાના બાપ સાથે પ્રેમ થયો, પ્રેમી બ્લેકમેલ કરીને સેક્સ માટે દબાણ કરતો
અમદાવાદમાં સરકારી નોકરી કરતી પરિણિત યુવતીને ત્રણ દીકરાના બાપ સાથે આંખો મળી ગઈ હતી. બંને વચ્ચે વાતચીતના દાયરામાં જ પ્રેમ થઈ ગયો હતો. બીજી તરફ યુવતીના લગ્ન થયા હોવાથી પતિ અને સાસરિયાઓની જાણ બહાર યુવતી તેના પ્રેમીને મળતી હતી. પરંતુ બે વર્ષ પછી યુવતીએ લગ્ન જીવનમાં આગળ વધવાનો વિચાર કરીને પ્રેમી સાથેના આડા સંબંધ તોડવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીના ફોટા તેના પતિને મોકલીને આડા સંબંધોની જાણ કરવાની ઘમકી આપી શારિરીક સુખની માંગણી કરી હતી. જેથી યુવતીએ અભયમની ટીમ પાસે મદદની માંગ કરી હતી. અભયમની ટીમે યુવતી તથા તેના પ્રેમીનું કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના એક વિસ્તારમાં એક યુવતીએ અભયમની ટીમને કોલ કરીને જણાવ્યું હતું કે, તેનો પ્રેમી ગેસ્ટ હાઉસમાં જબરદસ્તીથી શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો છે. કોલ મળતાંની સાથે જ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે યુવતીની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, આજથી પાંચ વર્ષ પહેલાં યુવતી સુરતમાં એક પ્રાઈવેટ નોકરી કરતી હતી. ત્યારે એક યુવક સાથે તેનો સંપર્ક થયો હતો. પ્રેમી યુવક ત્રણ બાળકોનો પિતા હતો તેમ છતાં યુવતી તેને અવારનવાર મળતી હતી.બીજી તરફ યુવતીને સરકારી નોકરી મળી ગઈ હોવાથી તે અમદાવાદમાં રહેવા આવી હતી. બાદમાં તેના પરિવારજનોએ તેના લગ્ન કરાવી દીધાં હતાં. તેમ છતાં યુવતી તેના પ્રેમીને મળતી હતી. સાસરિયાઓ લગ્નના બે વર્ષ બાદ યુવતીને બાળક માટે દબાણ કરવા લાગ્યા હતાં. જેથી યુવતીએ તેના પ્રેમીને ભુલી પોતાના લગ્નજીવનમાં આગળ વધવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ પ્રેમી યુવતીના પતિને તેમની પ્રેમ કરાની જણાવવાની ધમકી આપતો હતો અને બ્લેકમેલ કરી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જેથી યુવતીએ અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી. અભયમની ટીમે યુવતીને કાયદાકીય માહિતી આપી પ્રેમીને મળવા બોલાવ્યો હતો. બાદમાં આ પ્રકારના સંબંધથી બંને પરિવારનું લગ્નજીવન બગડી રહ્યું છે તેવી માહિતી આપતાં પ્રેમીને પોતાની ભૂલ સમજાઈ હતી. બાદમાં યુવતી અને તેના પ્રેમીએ ફરી વખત એકબીજાને નહીં મળવા અને પ્રેમ સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું હતું. આ રીતે અભયમની ટીમે બે પરિવારજનોનું લગ્નજીવન બરબાદ થતાં બચાવીને મામલો થાળે પાડ્યો હતો.