ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 5 જાન્યુઆરી 2022 (14:25 IST)

અમદાવાદની પરીણિતાને તારો ભાવ શું છે તું સમાધાન કરી લે, તારા પતિને છરી મારી હવે તારો વારો કહીને ચાર શખ્સોએ ધમકી આપી

મહિલાના પતિએ કરેલી ફરિયાદની અદાવત રાખીને હેરાનગતિ કરતા હતાં
 
અમદાવાદમાં બેફામ પણે મહિલાઓની છેડતી થઈ રહી છે. શહેરમાં પોલીસનો ડર રાખ્યા વિના બેકાબુ બનેલા અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરમાં એક મહિલાને જાહેરમાં ચાર શખ્સોએ તારો ભાવ શું છે તું સમાધાન કરી લે, તારા પતિને છરી મારી હવે તારો વારો છે એવું કહીને ધમકી આપી હતી. મહિલાએ ચારેય શખ્સો સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મહિલાના પતિ સાથે અગાઉ આ ચારેય શખ્સોએ ઝગડો કરીને છરીના ઘા માર્યા હતાં. જેની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેની અદાવત રાખીને આ શખ્સો મહિલા અને તેના પતિને હેરાન કરતાં હતાં. 
જાહેરમાં મહિલાની છેડતી કરી 
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી 24 વર્ષિય નિશા ( નામ બદલ્યું છે) પતિ સહિતના પરિવાર સાથે રહે છે. તે ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. 24 ઓક્ટોબરે નિશા પતિ સાથે તેના વિસ્તારમાં રહેતા કુણાલ પટણી, રૂચિત, નિખિલ અને રાકેશે ઝગડો કરીને છરી મારી હતી. આ ચારેય શખ્સો સામે પતિએ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ બીજી જાન્યુઆરીએ નિશા તેના પિયરમાં માતા પિતાને મળવા ગઈ હતી. ત્યારબાદ રાત્રે તે સાસરીમાં રવાના થઈ હતી. તે મેઘાણીનગરમાં પોતાની સાસરી પાસે પહોંચી ત્યારે ટોળુ એકત્ર થયેલું હતું. 
 
મહિલાને બિભત્સ ગાળો આપી
તેણે પોતાનું વ્હીકલ ત્યાં ઉભું રાખ્યું ત્યારે રાકેશ પટણીએ નિશાને જોઈને બિભત્સ ગાળો આપી હતી. નિશાએ તેને ગાળો નહીં બોલવા જણાવ્યું હતું. આ દરમિયાન કુણાલ ત્યાં આવ્યો હતો અને નિશાને કહ્યું હતું કે તારા પતિને છરી મારી હતી હવે તારો વારો છે. તારો ભાવ કેટલો છે અમારી સાથે સમાધાન કરી લે. આ સમય રૂચિત અને નિખિલ પણ ત્યાં આવ્યાં હતાં. તેમણે પણ નિશાને કહ્યું હતું કે, આયટમ તારો ભાવ બોલ તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર અમારું કશું જ બગડવાનું નથી. ચારેયના આવા બોલ સાંભળીને ગભરાઈ ગયેલી નિશા સાસરીએ પહોંચી હતી. બાદમાં ચારેય શખ્સો વિરૂદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેડતી સહિતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.