બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2023 (15:49 IST)

ક્રુઝમાં મુંબઈથી ગોવા લઈ જવાનું કહી અમદાવાદના વેપારી સાથે ઠગાઈ, 400 લોકોના 57 લાખ પડાવ્યા

અમદાવાદમાં ઠગાઈના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. કોઈ પણ પ્રકારે વેપારી કે ધંધાદારીના રૂપિયા પડાવી તેની સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ટ્રાવેલ્સનો ધંધો કરનારા વ્યક્તિ સાથે 400 માણસોને મુંબઈથી ગોવા ક્રુઝમાં લઈ જવાનું કહી 57 લાખ રૂપિયા લઈને છેતરપીંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
 
વ્યક્તિ દીઠ 25 હજારમાં ડીલ નક્કી કરવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ખોખરામાં રહેતા ઈલોંગ નામના વ્યક્તિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, તેઓ 2021માં તેમના મિત્ર હસમુખ પટેલ સાથે ગોવા ગયા હતાં. ત્યારે તેમની મુલાકાત હસમુખ પટેલના મિત્ર જીગર પટેલ સાથે થઈ હતી. ત્યારે જીગર પેટેલે કહ્યું હતું કે, તે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે અને સુરતથી તેનું ક્રુઝ દમણ સુધી જાય છે. ઈલોંગે થોડા દિવસ બાદ જીગર પટેલને કહ્યું હતું કે, મારે 400 લોકોને ચેન્નઈથી ગોવા મોકલવાના છે તો તમારુ ક્રુઝ ચેન્નઈ ખાતે મોકલી આપશો? ત્યારે જીગર પટેલે જણાવ્યું હતું કે, હું તમારા માણસોને મુંબઈથી પ્લેન દ્વારા મુંબઈ લઈ જઈશ અને ત્યાંથી મારા ક્રુઝમાં ગોવા મોકલી આપીશ. આ પેટે એક વ્યક્તિ દીઠ 25 હજાર જેટલો ખર્ચ થશે તેવું કહેતાં જ ઈલોંગે તેની સાથે ડીલ નક્કી કરી હતી. 
 
ત્રણ શખ્સો સામે નવરંગપુરા પોલીસમાં ફરિયાદ
જીગર પટેલ તેના મિત્ર લવ શર્મા, વરુણ શર્મા તથા જતીનભાઈ નાગલાને લઈ ઈલોંગની ઓફિસે આવ્યાં હતાં. તેણે જણાવ્યું હતું કે, આ મારા પાર્ટનર છે. તેમની ઓફિસ આશ્રમ રોડ પર છે. તમારે જે માણસોને મોકલવાના છે તેના ટોકન પેટે 9 લાખ રૂપિયા આપવા પડશે. ત્યાર બાદ ઈલોંગે જીગરને પૈસા ટ્રાન્સફર કર્યાં હતાં. જીગરે ઈલોંગે કહ્યું હતું કે, તમારા માણસોને મોકલવાના હોય તો પૈસા જલ્દી ટ્રાન્સફર કરો. જેથી ઈલોંગે થોડા થોડા કરીને 57 લાખ રૂપિયા આપ્યા હતાં. ત્યાર બાદ ઈલોંગ અને તેના મિત્ર ક્રુઝ જોવા માટે ગયા તો ક્રુઝ કેન્સલ થયું હતું. ઈલોંગને આ બાબતે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોય તેવું જણાતા તેણે અમદાવાદમાં નવરંગપુરામાં પોલીસ ફરિયાદ કરી હતી.