બેંગલુરૂ સ્થિત એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તહેનાત એક પોલીસકર્મીએ શુક્રવારે પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયાની મૅચ દરમિયાન એક પાકિસ્તાની પ્રેક્ષકને પાકિસ્તાન ઝિંદાબાદ નાં સૂત્રો પોકારતા રોક્યા હોવાનો મામલો સામે આવ્યો છે જેના કારણે વિવાદ થયો છે.
આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
આ વીડિયોમાં એક ખાખી વર્દી પહેરેલ વ્યક્તિ લીલા રંગની જર્સી પહેરેલી એક વ્યક્તિને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાથી અટકાવતા જોવા મળે છે.
આ વીડિયોમાં પોતાને પાકિસ્તાની દર્શક ગણાવનાર વ્યક્તિ એવું કહે છે કે- "અમે પાકિસ્તાનથી આવ્યા છીએ. પાકિસ્તાન ઝિંદાબાદ નહીં બોલીએ તો શું બોલીશું. પાકિસ્તાનની ટીમ રમી રહી છે."
"હું પાકિસ્તાન ઝિંદાબાદ નહીં બોલું તો શું બોલીશ. હું એક વીડિયો બનાવું છું અને તેમાં તમે કહો કે હું આ પ્રકારે ન બોલી શકું."
વળી, પોલીસકર્મી તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારત માતા કી જય કહેવામાં કોઈ વાંધો નથી પરંતુ તમે પાકિસ્તાન ઝિંદાબાદના નારા ન લગાવી શકો. આ વીડિયોની પ્રમાણિકતાની પુષ્ટિ થઈ શકી નથી. બીબીસીએ આ મામલે બેંગલુરુ પોલીસનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમના તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
સોશિયલ મીડિયા પર વિવાદ
પાકિસ્તાન સહિત ભારતના પણ સોશિયલ મીડિયા યૂઝર્સની આ મામલે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
માન અમન સિંહ ચિન્નાએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, "આ વાત કેટલી મૂર્ખામીભરી છે. આ બધું શરમજનક સ્તરે જઈ રહ્યું છે. તમે એક પાકિસ્તાની પ્રશંસકને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા કેવી રીતે રોકી શકો?"
સિદ્ધાર્થ નામના એક સોશિયલ મીડિયા યુઝર કહે છે કે, "કલ્પના કરો કે પાકિસ્તાનના કોઈ સ્ટૅડિયમમાં કોઈ ભારતીય સમર્થકને પાકિસ્તાની પોલીસકર્મી દ્વારા આ પ્રકારે ભારત માતા કી જય કહેતા રોકવામાં આવે છે અને પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવવાની પરવાનગી આપવામાં આવે છે. શું તમને આ સ્વીકાર્ય હશે?"
આ વીડિયો શેર કરનાર મોમિન સાકિબે લખ્યું છે કે, "આ ખૂબ જ આઘાતજનક અને દુઃખદ વાત છે કે મૅચ દરમિયાન લોકોને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા રોકવામાં આવી રહ્યા છે. આ ખેલભાવનાની વિરુદ્ધનું કામ છે."
તેમણે એમ પણ લખ્યું છે કે, "આ વ્યક્તિ દરેક ભારતીય નાગરિકનું પ્રતિનિધિત્વ કરતી નથી. તેણે આમ કરવા માટે જે પણ કારણ આપ્યું હોય એ સાચું નથી. આ ગેરકાનૂની કૃત્ય છે. પોલીસકર્મીઓની તહેનાતી લોકો રમતને નચિંત થઈને માણી શકે તેના માટે હોય છે."
"ક્રિકેટ એ લોકોને જોડવાનું, સાથે લાવવાનું માધ્યમ છે. દરેક પ્રશંસકને એક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ દરમિયાન તેમની ટીમનો ઉત્સાહ વધારવાનો અધિકાર છે. આઈસીસી અને બીસીસીઆઇએ આ મામલાની તપાસ કરવી જોઈએ જેથી દરેક લોકો વર્લ્ડકપની મૅચનો આનંદ લઈ શકે અને દરેક લોકો માટે એક સુરક્ષિત વાતાવરણ સર્જી શકાય."
ભારતીય ખેલ પત્રકાર વિક્રાન્ત ગુપ્તાએ આ મુદ્દે ટ્વીટ કરતા કહ્યું છે કે દરેક વ્યક્તિને પોતાની ટીમનું સમર્થન કરવાનો અધિકાર છે.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ મામલે કર્ણાટકની સત્તાધારી કૉંગ્રેસ સરકારને ઘેરવાનો પણ પ્રયાસ કર્યો છે.
રવિ ચંદર નામના ટ્વીટર યુઝરે લખ્યું છે કે, "કૉંગ્રેસ સરકારના શાસનમાં બેંગલુરુની આ હાલત છે. આ શરમજનક બાબત છે."
તૃણમૂલ સાથે જોડાયેલા એક વ્યક્તિ ભારતેન્દુ શર્માએ લખ્યું છે કે, "આ પ્રકારની ઘટનાઓ તરત બંધ થવી જોઈએ. વર્લ્ડકપ એક બહુદેશીય ટુર્નામૅન્ટ છે જેમાં આ પ્રકારની ઘટનાઓથી દુનિયાભરમાં આપણા દેશની છબી શરમજનક રીતે ખરડાય છે. આવી ઘટનાઓથી આપણી શાન નહીં વધે. બીસીસીઆઈએ કડક પગલાં ભરીને આ પ્રકારના બકવાસને રોકવો જોઈએ."