શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 13 નવેમ્બર 2023 (20:57 IST)

રણતુંગાનો આરોપ, જય શાહ ચલાવી રહ્યા શ્રીલંકા ક્રિકેટ બોર્ડ - ભારતીય દખલને કારણે અમારું બોર્ડ બરબાદ થયું

શ્રીલંકન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. રણતુંગાએ કહ્યું કે જય શાહનો શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધિકારીઓ પર પ્રભાવ છે. તેમની મિલીભગતના કારણે જ શ્રીલંકન ક્રિકેટની હાલત ખરાબ છે.
 
શ્રીલંકાની ટીમ ભારતમાં ચાલી રહેલા ODI વર્લ્ડ કપમાં 9 લીગ મેચમાંથી 7 હારી ગઈ હતી અને 10 ટીમોમાં 9મા સ્થાને રહી હતી. શ્રીલંકા સેમિફાઇનલમાં પહોંચવામાં ચૂકી ગયું અને 2025માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરવામાં પણ નિષ્ફળ રહ્યું.
 
1996માં શ્રીલંકાને વર્લ્ડ કપ વિજેતા બનાવનાર કેપ્ટને કહ્યું- શ્રીલંકન ક્રિકેટ જય શાહ ચલાવે છે. જય શાહના દબાણને કારણે અમારું ક્રિકેટ બોર્ડ બરબાદ થઈ રહ્યું છે. એક ભારતીય વ્યક્તિ શ્રીલંકન ક્રિકેટને બરબાદ કરી રહ્યો છે.
 
શ્રીલંકા બોર્ડમાં ઉથલ પાથલ 
વર્લ્ડ કપમાં શ્રીલંકાના ખરાબ પ્રદર્શન બાદ રમતગમત મંત્રી રોશન રણસિંઘે 6 નવેમ્બરે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને બરતરફ કરી દીધું હતું. વચગાળાનું બોર્ડ પણ બનાવવામાં આવ્યું હતું. અર્જુન રણતુંગાને નવા વચગાળાના બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખેલ મંત્રીના આદેશ બાદ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. બોર્ડની અપીલ પર કોર્ટે દેશના ક્રિકેટ બોર્ડને બરતરફ કરવાના ખેલ મંત્રીના નિર્ણયને રદ કર્યો હતો. એટલે કે રણતુંગા વચગાળાના પ્રમુખ ન બની શક્યા.
 
ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને કર્યું સસ્પેન્ડ   
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શુક્રવારે (10 નવેમ્બર)દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. બોર્ડમાં સરકારની દખલગીરી બાદ ICCએ તેમની સદસ્યતા તાત્કાલિક અસરથી છીનવી લીધી હતી.
 
શ્રીલંકા ક્રિકેટ બોર્ડના પ્રમુખ રહી ચૂક્યા છે રણતુંગા 
અર્જુન રણતુંગા શ્રીલંકા માટે 1982 થી 2000 એટલે કે 18 વર્ષ સુધી રમ્યા હતા.   નિવૃત્તિ બાદ તેઓ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર પણ બન્યા હતા. 2008 થી 2009 સુધી તેઓ શ્રીલંકા ક્રિકેટ બોર્ડના પ્રમુખ હતા. રણતુંગા રાજકારણમાં પણ સક્રિય છે. તેમણે શ્રીલંકા સરકારમાં ચાર મંત્રાલયો પણ સંભાળ્યા છે. મંત્રી તરીકેનો તેમનો છેલ્લો કાર્યકાળ 2018-19માં હતો. તે સમયે તેઓ શ્રીલંકાના સિવિલ એવીએશન મિનિસ્ટર હતા.
 
BCCI અને SLCએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી
અત્યાર સુધી રણતુંગાના આરોપો પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. રણતુંગાએ પહેલેથી જ ઘણી વખત આરોપ લગાવ્યો છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વભરના ક્રિકેટ એસોસિએશનો પર વર્ચસ્વ જમાવવા માંગે છે.