ICC world cup 2019 - વિશ્વકપ દરમિયાન ભારતીય ખેલાડીઓ સાથે ફક્ત આટલા દિવસ સુધી જ રહી શકશે પત્ની અને ગર્લફ્રેંડ
ઈગ્લેંડમાં વનડે વિશ્વકપનુ આયોજન 30 મે થી થઈ રહ્યુ છે અને આ માટે ટીમ ઈંડિયાના 15 સભ્યોની ટીમનુ એલાન કરી દેવામાં આવ્યુ છે. આ ટીમને લઈને અનેક પ્રકારની વાતો કરવામાં આવી રહી છે પણ આ બધા વચ્ચે બીસીસીઆઈએ વિશ્વ કપમાં ગર્લફ્રેંડ અને પત્નીઓને ત્યા લઈ જવા સંબંધી પોતાની નીતિ સ્પષ્ટ કરી દીધી છે. બોર્ડ તરફથી કહેવામાં આવ્યુ છે કે આ ટૂર્નામેંટના પ્રથમ 20 દિવસ સુધી ખેલાડીઓની પત્ની અને તેમની ગર્લફ્રેંડ તેમની સાથે નથી રહી શકતી.
ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ રૂપે કહ્યુ કે ટૂર્નામેંટના શરૂઆતના 20 દિવસ સુધી ખેલાડી પોતાના પરિવારને પોતાની સાથે નથી રાખી શકે. જો કે ત્યારબાદ એટલે કે ટૂર્નામેંટની વચ્ચે 15 દિવસ સુધી ખેલાડીઓને પોતાના પરિવાર કે ગર્લફ્રેંડ સાથે રહેવાની અનુમતિ રહેશે. ઉલ્લેખનીય છે કે ઈગ્લેંડમાં થઈ રહેલ વિશ્વકપમાં આ વખતે કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે અને આ રાઉંડ રોબિન આધાર પર રમાશે આ વખતે આ ટૂર્નામેન્ટ લગભગ દોઢ મહિના સુધી ચાલશે અને તેમા ફક્ત 15 દિવસ સુધી ખેલાડીઓને પોતાના પરિવાર સાથે રહેવાની અનુમતિ રહેશે.
ભારતીય ટીમમાં આ સમયે અડધાથી વધુ ખેલાડી પરણેલા છે અને બોર્ડના જૂના નિયમો મુજબ વિદેશી પ્રવાસ પર ખેલાડીઓનો પરિવાર તેમની સાથે સમગ્ર ટૂર્નામેન્ટ સુધી રહેતો હતો પણ આ વખતે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે ટીમ ઈંડિયા ઈગ્લેંડના પ્રવાસ પર રવાના થશે એ સમયે ખેલાડીઓનો પરિવાર તેમની સાથે નહી રહે. જો કે ટીમના કપ્તાન વિરાટે વિશ્વ કપ દરમિયાન પરિવાર સાથે રાખવાની અનુમતિ માંગી હતી પણ બોર્ડે આ ટૂર્નામેંટ માટે નિયમમાં ફેરફાર કર્યો અને ફક્ત 15 દિવસ માટે પરિવારને સાથે રાખવાની અનુમતિ આપી છે. આ ઉપરાંત બીસીસીઆઈએ એ પણ નિર્ણય લીધો છે કે ખેલાડીઓનો પરિવાર જુદી બસમાં યાત્રા કરશે.