ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 14 મે 2020 (13:53 IST)

ટિકીટના નામે શ્રમિકો સાથે ઠગાઈ થતા ભૂખ્યાં-તરસ્યાં વતન રવાના

ટ્રેન ટિકીટ બુકિંગના નામે કોઇ ચીટરે 800-800 રૂપિયા ખંખેરી લેતાં પંડોળ ઇન્ડસ્ટ્રીઝના 100 જેટલા શ્રમિકો કડોદરા નેશનલ હાઇવેથી વતન જવા ટ્રક મળી જશે એવી આશા માં 40 ડિગ્રી ગરમીમાં ભુખ્યા તરસ્યા ઘરેથી નિકળી પડ્યા છે.  લોકડાઉન પછી સૌથી દયનીય હાલત શહેરમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોની થઇ છે. લોકડાઉન 1 અને લોકડાઉન 2 સુધી તો સેવાભાવી સંસ્થાઓ તથા તંત્ર દ્વારા રસોડા ચલાવતાં ભોજનની વ્યવસ્થા થઇ જતી હતી. પરંતુ લોકડાઉન 3 પછી મોટાભાગના રસોડાઓ બંધ થઇ ગયા છે. જેના કારણે ભૂખમરાની સ્થિતિનો ઘણા શ્રમિકો સામનો કરી રહ્યા છે. જેથી શ્રમિકોએ હવે વતન જવાની વાટ પકડી છે. સરકારે પરપ્રાંતિયોને વતન મોકલવા સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે. પરંતુ ટ્રેન બુકિંગની વ્યવસ્થાથી અજાણ શ્રમિકોને ખંખેરી લેવા કેટલાક ચિટરો મેદાનમાં ઉતર્યા છે. પંડોળ ઇન્ડસ્ટ્રીઝના 100 જેટલા શ્રમિકોને યુ.પી ઇલાહાબાદની ટ્રેનની ટિકીટ બુક કરાવવાના નામે એક શખ્સે 800-800 રૂપિયા ખંખેરી લીધા હતા. જો કે ટિકિટ બુક કરવાના નામે આ શખ્સે રૂપિયા ગજવે ગાલી જતાં લાચાર શ્રમિકો હવે પગપાળા જ કડોદરા નેશનલ હાઇવેથી વતન જવા ટ્રક મળી જશે એવી આશામાં 40 ડિગ્રી ગરમીમાં નિકળી પડ્યા હતા.  સુરત-કડોદરા રોડ પર સારોલી પાટિયા પાસે બુધવારે બપોરે ભુખ્યાં તરસ્યાં નેશનલ હાઇવે નં 8 તરફ જઇ રહેલા સોનું નામના શ્રમિકે જણાવ્યું કે હવે અમારી પાસે પુરતા રૂપિયા પણ નથી વતન જવાના. ભુખ્યાં તરસ્યા અમે સવારથી પંડોળથી કડોદરા હાઇવે તરફ જવા નિકળ્યા છે. સુરતમાં અમને જમવાનું મળતું નથી. પગાર નથી થતોને બીજી તરફ રહેવા માટે ભાડા માંગવામાં આવે છે. આવી સ્થિતિમાં સુરતમાં હજુ વધારે દિવસ રહીશું તો ભુખમરામાં જ મરી જઇશું. વતન જઇશું તો અમને રહેવા-જમવાની તો વ્યવસ્થા થશે.