તમામ 21 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈ જતા પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ બન્યું કોરોનામુક્ત
આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના સામે જંગ લડી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ગઠામણ ગામે અનોખો દાખલો બેસાડ્યો છે. ગામના તમામ 21 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થઈ જતાં સમગ્ર ગામ કોરોનામુક્ત બન્યું છે. તમામ દર્દીઓને પાલનપુર ખાતેની કોવિડ હોસ્પિટલમાંથી તબક્કાવાર રજા અપાઈ હતી. આ સમાચારથી સમગ્ર જિલ્લામાં રાહતની સાથે આનંદની લાગણી પ્રસરી છે. દર્દીઓ હસ્પિટલમાંથી વિદાય થઈ રહ્યા હતા, ત્યારે સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું હતું. આનાથી વિસ્તારના લોકોનો કોરોના પ્રત્યેનો ભય પણ ઓછો થયો છે.
કોરોના વાયરસની મહામારીએ સમગ્ર દેશ-દુનિયામાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા તથા જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તેવા દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ્સ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દિવસ-રાતના આવા અણથક પ્રયાસો થકી અનેક સ્થળોએ ખૂબ સારાં પરિણામ આવી રહ્યાં છે. જેમાં પાલનપુર નજીકના ગઠામણ ગામનો પણ સમાવેશ થાય છે.
ગામના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અથવા તો નાના-મોટા રોજગાર દ્વારા આર્થિક ઉપાર્જન કરે છે. ગત તા.13/4/2020ના રોજ ગામમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયા પછીથી દિન-પ્રતિદિન પોઝિટિવ કેસની સંખ્યા વધતાં કુલ સંખ્યા 21 થઈ હતી.
આ તમામ દર્દીઓને પાલનપુર ખાતેની બનાસ મેડિકલ કૉલેજ સંચાલિત ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડૉકટરો સહિત સમગ્ર ટીમ દ્વારા દર્દીઓની કાળજીપૂર્વક સારવાર કરવામાં આવી હતી. ડૉક્ટરોએ દર્દીઓને સારવારની સાથે હૂંફવાળું વાતાવરણ સર્જાતા દર્દીઓમાં આત્મવિશ્વાસનો સંચાર થયો હતો અને તેના સારાં પરિણામ મળ્યા હતા. જેના લીધે આરોગ્યની ટીમનો ઉત્સાહ પણ બેવડાયો હતો.
પ્રથમ 7મા દિવસે અને પછી 13મા દિવસે એમ બંને ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવતાં એક પછી એક દર્દીઓને તબક્કાવાર રજા આપવામાં આવી હતી. વિદાય લેતા પ્રત્યેક દર્દીને હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાળીઓના ગડગડાટ અને શુભેચ્છાઓ સાથે રજા આપવામાં આવી હતી. જેના કારણે બાકીના દર્દીઓનો આત્મવિશ્વાસ બળવતર બન્યો હતો.
છેલ્લા ચાર દર્દીને ગત તા.10/5/2020ના રોજ રજા અપાતા સમગ્ર ગઠામણ ગામ કોરોના મુક્ત બન્યું છે. સ્વસ્થ થઈને પરત આવનારા તમામ દર્દીઓએ રાજ્ય સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલમાં કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને આરોગ્ય ટીમના અભિગમની ભારોભાર પ્રશંસા કરી, એ તમામનો આભાર માન્યો હતો.