રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 14 મે 2020 (09:17 IST)

કોરોના વાઇરસ કદી ખતમ જ ન થાય એમ પણ બને - WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન યાને કે ડબલ્યૂએચઓએ દુનિયાને કોરોના વાઇરસ પર ચેતવણી આપતા કહ્યું છે કે, આપણી વચ્ચેથી આ કોવિડ-19 કદી ખતમ જ ન થાય એવું પણ શક્ય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કટોકટીની બાબતોના નિદેશક માઇકલ રયાને જીનિવામાં એક ઑનલાઇન પત્રકારપરિષદમાં કહ્યું કે, કોરોના આપણી વચ્ચે એક ક્ષેત્ર વિશેષનો એક અન્ય વાઇરસ બની શકે છે અને સંભવ છે કે તે કદી ખતમ ન થાય. એમણે એચઆઈવીનું ઉદાહરણ આપી કહ્યું કે એ વાઇરસ પણ કદી ખતમ ન થયો.
 
માઇકલ રયાને કહ્યું કે વૅક્સિન વગર સામાન્ય લોકો ઇમ્યુનિટીના યોગ્ય સ્તર સુધી પહોંચે એમાં વર્ષો નીકળી શકે છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ની વૅક્સિન માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. લગભગ 100 વૅક્સિન પર કામગીરી ચાલી રહી છે. જોકે, નિષ્ણાતો આશંકા વ્યક્ત કરે છે કે આની વૅક્સિન કદી તૈયાર નહીં થઈ શકે.
 
દુનિયાભરમાં અનેક દેશોએ લૉકડાઉનમાં રાહતો આપવાની શરૂઆત કરી છે. આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડહનૉમ ગિબ્રેયાસનું કહેવું છે કે, તેનાથી સંક્રમણનો ખતરો વધી શકે છે.
 
એમણે કહ્યું કે, અનેક દેશો લૉકડાઉનની સ્થિતિમાંથી નીકળવા માટે અલગ અલગ રીતો અપનાવી રહ્યા છે પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દુનિયાના તમામ દેશોને સાવધાન રહેવાની સલાહ આપે છે. દરેક દેશે સર્વોચ્ચ સ્તરે ઍલર્ટ રહેવાની જરૂર છે.
 
દુનિયાના અનેક દેશોમાં લૉકડાઉનમાં રાહતો આપવાની શરૂઆત થઈ છે અને માનવામાં આવી રહ્યું છે કે વાઇરસનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. જોકે, આ બાબતે રયાને પત્રકારપરિષદમાં કહ્યું કે, જે દેશો લૉકડાઉન હઠાવી રહ્યાં છે ત્યાં જાદુઈ વિચાર કામ કરી રહ્યો છે.
 
રયાને કહ્યું કે, જનજીવન સામાન્ય થવામાં હજી લાંબો સમય લાગશે.
 
એમણે કહ્યું કે આપણે વાસ્તવિક રીતે વિચારવું પડશે. આ જરૂરી છે. મારા મતે આ વાઇરસ ક્યાં સુધી રહેશે એ અત્યારે કોઈ કહી શકે એમ નથી, આને લઈને કોઈ વચન આપી શકાય એમ નથી અને ન તો કોઈ તારીખ નક્કી થઈ શકે એમ છે.
 
માઇકલ રયાને એમ પણ કહ્યું કે વાઇરસનો ઇલાજ શોધવો એ એક લાંબી પ્રક્રિયા છે અને શક્ય છે કે તે કદી પૂરી ન થાય.
 
રયાને કહ્યું કે વૅક્સિન તૈયાર થઈ પણ જાય તો પહેલાં દુનિયાભરમાં એનું પરીક્ષણ કરવું પડશે. કોરોના વાઇરસ પર નિયંત્રણ માટે આવનારા સમયમાં પણ ખૂબ પ્રયાસો કરવા પડશે.
 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહામારીના નિષ્ણાત મારિયા વૈન કેરખોવેનું પણ કહેવું છે કે, આ મહામારીમાંથી નીકળતા સમય લાગશે એ માઇન્ડસેટ આપણે બનાવવું પડશે.