બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 27 મે 2020 (17:03 IST)

ગુજરાતમાં કુલ 4.65 લાખ લોકો જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 1.46 લાખ લોકો ક્વોરન્ટીન

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગની વેબસાઈટ ઉપર નજર કરતા તા. 25 મેના સાંજના આંકડાઓ મુજબ રાજ્યમાં કુલ 4,65,312 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી માત્ર અમરેલી જિલ્લામાં 1,46,764 લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. આમ રાજ્યમાં કુલ ક્વોરન્ટીન કરેલા વ્યક્તિઓ પૈકી 31% લોકો તો માત્ર અમરેલી જિલ્લામાં જ છે. બહારથી આવેલા લોકો પર નજર રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કમિટી પણ બનાવવામાં આવી છે. આ કમિટીમાં સરપંચ, આંગણવાડી વર્કરો, આશાવર્કરો, નગરપાલિકાના સદસ્યો વગેરેની ટીમ બનાવવામાં આવી છે.  ક્વોરન્ટીન લોકોની સમયાંતરે આરોગ્ય તપાસ થાય, તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેમજ તેઓ ક્વોરન્ટીનના નિયમોનું ઉલ્લંઘન ન કરે તે બાબતની તકેદારી આ કમિટીના સદસ્યોએ રાખવાની છે.  જિલ્લા બહારથી આવેલાં લોકો જો કોરોનાગ્રસ્ત હશે અને બહાર નીકળશે તો કોરોનાનાં સંક્રમણનું જોખમ વધશે. આ જ કારણોસર વહીવટીતંત્ર દ્વારા લોકોને ક્વોરન્ટીન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અન્ય જિલ્લામાંથી આવેલા લોકો 14 દિવસ પોતાના ઘરમાં જ રહેશે. તો ગ્રીનઝોન અમરેલીમાં કોરોનાનો ભય ઓછો રહેશે. અને જો કોરોના વોરિયર કમિટી દ્વારા ક્વોરન્ટીન લોકો નિયમોના ભંગ કરતા પકડાશે તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.