સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By

ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ

હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં શકિત ઉપાસના માટે શરદઋતુ તથા વસંતઋતુના અનુક્રમે આસો અને ચૈત્રની નવરાત્રિને વધારે ફળદાયી માનવામાં આવે છે.
 
ભાગવત સ્કંધ પુરાણમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે બ્રહ્માજીનો દિવસ અને રાત છ છ મહિનાનો હોય છે. આસો મહિનાની નવરાત્રિ દરમિયાન બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે અને ચૈત્ર મહિનાની નવરાત્રિ દરમિયાન તેમની રાત્રિ શરૂ થાય છે. 
 
ચૈત્રની નવરાત્રિ અને આસોની નવરાત્રિ વચ્ચે આમ તો કાંઈ વધારે તફાવત નથી. તફાવત માત્ર ગરબાનો જ છે. આસોની નવરાત્રિનું ગુજરાતમાં ખાસ મહત્વ છે. કેમ કે આસો માસની નવરાત્રિ શરૂ થાય તેના થોડાક દિવસો અગાઉથી જ આખુ ગુજરાત નવરાત્રિના રંગમાં રંગાઈ જાય છે. યુવાનોને તો આ નવરાત્રિ માટે આખા વર્ષ દરમિયાન રાહ જોવી પડે છે. આસો મહિનાની નવરાત્રિને આખા ગુજરાતના લોકો ગરબે ઘુમીને ખુબ જ ધામધુમથી ઉજવે છે. માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં પણ આની ઉજવણી થાય છે. 
 
પરંતુ એક બાજુ વાત કરીએ ચૈત્ર મહિનાની નવરાત્રિની તો ઘણાં લોકોને તો આ નવરાત્રિ વિશે ખબર જ નથી. ખાસ કરીને શહેરી વર્ગ અને ભણેલો ગણેલો વર્ગ તો કદાચ આ નવરાત્રિથી અજાણ જ છે. તેમને મન તો નવરાત્રિ એટલે ગરબે રમવાનું, તૈયાર થવાનું અને ખાવા પીવાનું પર્વ છે. પરંતુ ચૈત્ર મહિનાની નવરાત્રિનું પણ એટલુ જ મહત્વ છે જેટલું આસો મહિનાની નવરાત્રિનું છે. આસો મહિનામાં માતાની આરાધના જે રીતે કરવામાં આવે છે તે જ રીતે ચૈત્ર મહિનામાં પણ કરવામાં આવે છે. 
 
આસો મહિનાની નવરાત્રિમાં લોકો ખાઈ-પી ને ગરબે રમે છે અને ઘણાં લોકો તો રાત રાત ભરના ઉજાગરા અને નવ દિવસના ઉપવાસને લીધે પોતાનું સ્વાસ્થ્ય પણ બગાડી લે છે. જ્યારે ચૈત્ર મહિનાની નવરાત્રિ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે કેમકે આ નવરાત્રિ દરમિયાન શક્તિની આરાધનાની સાથે સાથે વર્ષભરનું સ્વાસ્થ્ય પણ પ્રદાન થાય છે. આ નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી લીમડાના કોમળ પાનને વાટીને તેમાં મીઠુ અને કાળા મરી નાંખીને તેને ગળી લો અને રોજ સવારે ખાલી પેટ પીવાથી આખા વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી.