કબજીયાત, મેદસ્વિતા, આધુનિકજીવનશૈલી જેવા કેન્સર થવા માટેનાં નવા કારણો ઉમેરાયા
આધુનિકીકરણ, જીવનશૈલી, પ્રદૂષણના વધી રહેલા પ્રમાણ જેવા વિવિધ પરિબળોને કારણે રાજ્યમાં દર વર્ષે કેન્સરના ૪૦ હજાર નવા દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. આજે 'વર્લ્ડ કેન્સર ડે' છે ત્યારે આ આંકડો ચિંતાજનકની સાથે જ ચેતાવણીના એલાર્મ સમાન છે. દેશભરમાંથી દર વર્ષે કેન્સરના સરેરાશ ૯ લાખ ૮૦ હજાર નવા રેસ નોંધાય છે. આ પૈકી અંદાજે ચાર લાખ દર્દીઓ કેન્સર સામેના આ જંગમાં પોતાનું જીવન હારી જાય છે.
થોડા સમય અગાઉ હાથ ધરાયેલા એક સર્વેક્ષણ અનુસાર ૨૦૧૬ સુધીમાં દેશમાં કેન્સના નવા દર્દીઓનો આંક વધીને ૧૨ લાખે પહોંચી શકે છે. આ પૈકી ૬,૩૧,૮૯૯ મહિલા અને ૫,૮૭,૭૫૦ પુરુષ વિવિધ પ્રકારના કેન્સરના ભરડામાં સપડાઇ શકે છે. આ સર્વેક્ષણમાં એવું તારણ પણ સામે આવ્યું છે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને પુરુષોમાં ઓરલ કેન્સરનું નિદાન થઇ રહ્યું હોવાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. ૨૦૦૧ સુધીમાં દેશભરમાં બ્રેસ્ટ કેન્સરના ૮૯૯૧૪ કેસ હતા જે ૨૦૧૬ના અંત સુધીમાં વધીને ૧ લાખ ૪૦ હજારે પહોંચી શકે છે. આવી જ રીતે ૨૦૦૧માં ૪૨૭૨૫ પુરુષોને ઓરલ કેન્સર હતું જે ૨૦૧૬માં વધીને ૬૫ હજારે પહોંચે તેવો અંદાજ છે. તબીબોનું માનવું છે કે સિગરેટ, તમાકુનું વ્યસન પણ ઓરલ કેન્સરના રોગમાં વધારો કરવામાં મહત્વનું પરિબળ છે. દેશમાં જે કેન્સરના કેસ નોંધાય છે તેમાંથી ૪૦ ટકામાં તમાકુ મુખ્ય જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ડબલ્યુએચઓ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ અનુસાર અમદાવાદમાં વર્ષ ૧૯૮૫માં ૭૦-૭૪ની વયજૂથમાં, વર્ષ ૨૦૧૦માં ૫૫-૫૯ની વયજૂથમાં, વર્ષ ૨૦૧૪ના અંત સુધી ૪૦થી ઓછાના વયજૂથમાં ઓરલ કેન્સરના વધુ નવા કેસ જોવા મળ્યા છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયુટ દ્વારા જારી કરેલા અહેવાલ અનુસાર અમાદાવાદમાં ઓરલ કેન્સરથી પીડાતા હોય તેવા દર્દીઓમાં ૨૦-૩૫ની વયજૂથનું પ્રમાણ વધારે છે. અમદાવાદની એક કેન્સર હોસ્પિટલના મતે તેમને ત્યાં છેલ્લા પાંચ વર્ષમાં કેન્સરના દર્દીઓમાં ૫૩ ટકાનો વધારો નોંધાયો છે. ધુમ્રપાન અંગે જાગૃતિ વધી હોવાથી ફેફસાના કેન્સરના દર્દીઓમાં તબક્કાવાર ઘટાડો નોંધાઇ રહ્યો છે. નિષ્ણાતોને મતે ગૂટખાના વિકલ્પ ઉપલબ્ધ હોવાથી તેના ઉપરનો પ્રતિબંધ નિરર્થક પુરવાર થઇ રહ્યો છે.માવા-મસાલાના વ્યસનને કારણે ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓમાં પણ ઓરલ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. અન્ય એક હોસ્પિટલના મતે તેમને ત્યાં જે કેન્સરના દર્દીની સારવાર ચાલી રહી છે તે પૈકી દર ચોથો દર્દી ૪૦થી ઓછી ઉંમર ધરાવે છે.
થોડા સમય અગાઉ વિદેશની એક અગ્રણી તબીબી સંસ્થા દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ અનુસાર મેદસ્વિતાને કારણે પણ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. વિશ્વભરમાં સરેરાશ પાંચ લાખ લોકો વધુ બીએમઆઇને કારણે કેન્સરનો શિકાર બન્યા છે. ભારતમાં વર્ષ ૨૦૧૨ના અંતે ૧.૬ ટકા મહિલાઓ અને ૧ ટકા પુરુષો વધારે બીએમઆઇને કારણે કેન્સરનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં મેદસ્વિતાને કારણે કેન્સરના દર્દીઓનું પ્રમાણ વધે તેવી પૂરી સંભાવના આ સર્વેક્ષણમાં વ્યક્ત કરાઇ છે.