ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (12:06 IST)

બીબીસી ઈંડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડ

bbc story
2022 માટેનાં પાંચ દાવેદારોમાં વેઇટલિફટર મીરાબાઈ ચનુ, કુસ્તીબાજ સાક્ષી મલિક તથા વિનેશ ફોગાટ, બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ અને બૉક્સર નિખત ઝરીનનો સમાવેશ થાય છે.
 
એશિયા પૅરા ગેમ્સ 2018નાં ગોલ્ડ મેડલિસ્ટ પૅરાથ્લીટ એકતા ભ્યાને બીબીસી દ્વારા પૅરાથ્લીટ્સને પુરસ્કાર આપવાની સરાહના કરી. તેમના મુજબ આનાથી લોકોમાં એક મજબૂત સંદેશ પહોંચે છે કે વિકલાંગ લોકોમાં પણ ટૅલેન્ટ અને પ્રતિભા હોય છે જેની નોંધ લેવી જોઈએ અને તેની ઉજવણી પણ થવી જોઈએ.
 
એકતા ભ્યાને કહ્યું કે, "આ રીતે સન્માનિત થવાથી લોકોમાં જાગરૂકતા અને પૅરાસ્પોર્ટ્સ તરફ વધુ સમાવેશી વલણને મજબૂતી મળે છે. મને આશા છે કે આનાથી પૅરાથ્લીટ્સ માટે પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા અને તેમાં આગળ વધરાવની વધુ તકો ઊભી થશે અને વિકલાંગોને રમતગમતમાં ભાગ લેવાન માટે પ્રેરણા મળશે."
 
મુક્કાબાજ અને ઑલિમ્પિક ચંદ્રક વિજેતા વિજેન્દર સિંહે કહ્યું હતું કે, "તમે મૅરી કોમ, નિખત ઝરીન, સાક્ષી મલિકને જોઈ શકો છો. તેઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યાં છે. મને લાગે છે કે મહિલાઓ અમારા (પુરુષો) કરતાં બે ડગલાં આગળ છે."
 
પૂર્વ ક્રિકેટર અંજુમ ચોપરાએ કહ્યું કે, "છેલ્લા કેટલાંક અઠવાડિયાં મહિલા ક્રિકેટ માટે સારાં રહ્યાં. બધું જ બદલાઈ ગયું. ભવિષ્ય પર તેની શું અસર પડશે. તે આવનારા દિવસોમાં ખબર પડશે."
 
બીબીસી ન્યૂઝનાં ભારતનાં વડાં રૂપા ઝાએ આજે યોજાયેલી પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે આ પુરસ્કાર ભારતીય ખેલાડીઓના યોગદાનનું સન્માન કરે છે અને દેશમાં સ્પૉર્ટ્સ ક્ષેત્રે મહિલાઓએ મેળવેલી સિદ્ધિની ઉજવણી કરે છે.
 
લોકો 2023ની 20 ફેબ્રુઆરીની રાતના 11.30 વાગ્યા સુધી મતદાન કરી શકશે અને વિજેતાનાં નામની જાહેરાત 2023ની પાંચમી માર્ચે નવી દિલ્હીમાં યોજાનારા સમારંભમાં કરવામાં આવશે.
 
મતદાન માટેના નિયમો તથા પ્રાઇવસી નોટિસની વિગત વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
 
પરિણામની જાહેરાત બીબીસીની ભારતીય ભાષાઓની વેબસાઇટો અને બીબીસી સ્પૉર્ટ વેબસાઇટ પર પણ કરવામાં આવશે.
 
લોકોના સૌથી વધારે મત મળ્યા હશે તે મહિલા ખેલાડી બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર બનશે.
 
દાવેદારોને જાણી લો
 
 
મીરાબાઈ ચનુ - વેઇટલિફટિંગ ચૅમ્પિયન મીરાબાઈ ચનુએ 2021માં ટોક્યો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર પહેલાં ભારતીય મહિલા વેઇટલિફટર બનીને તેમનું નામ રમતજગતના ઇતિહાસમાં નોંધાવ્યું હતું. તેમણે 2022માં વર્લ્ડ વેઇટલિફટિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ અને 2022ની બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો.
 
2016માં રિયો ગેમ્સમાં વજન ઊંચકવામાં નિષ્ફળ રહ્યાં અને તેમણે આ સ્પૉર્ટને લગભગ અલવિદા કહી દીધું હતું પછી મીરાબાઈએ લાંબો પંથ કાપ્યો છે. તેમણે 2017ની વર્લ્ડ વેઇટલિફટિંગ ચૅમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ઇશાન ભારતના મણિપુર રાજ્યમાં જન્મેલાં અને ચાના સ્ટોલના માલિકનાં પુત્રી મીરાબાઈએ રમતગમત ક્ષેત્રે તેમની કારકિર્દીના આરંભે પારાવાર નાણાકીય સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ તેઓ તમામ અડચણોને પાર કરીને ઑલિમ્પિક ચૅમ્પિયન બન્યાં હતાં. મીરાબાઈ ચનુ 2021માં બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનો પુરસ્કાર જીત્યાં હતાં.
 
સાક્ષી મલિક - 2016ની રિયો ઑલિમ્પિક્સમાં ચંદ્રક જીતનાર સૌપ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બનીને ઇતિહાસ સર્જ્યો હતો. તેમણે 58 કિલોગ્રામ કૅટગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેઓ ઑલિમ્પિક મેડલ વિજેતા બનેલાં ચોથાં ભારતીય મહિલા હતાં. સાક્ષીને રમતગમતમાં હંમેશાં રસ પડ્યો છે અને તેમના દાદા પણ કુસ્તીબાજ હતા એ જાણ્યા પછી સાક્ષીને વધુ પ્રેરણા મળી હતી. રિયો ઑલિમ્પિક્સમાં ચંદ્રક વિજેતા બન્યા પછી સાક્ષીની કારકિર્દી હાલકડોલક થઈ ગઈ હતી, પરંતુ 2022માં બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતીને તેમણે શાનદાર વાપસી કરી હતી. સાક્ષીએ કૉમનવેલ્થ ગેમ્સમાં અગાઉ એક સિલ્વર તથા એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
 
 
વિનેશ ફોગાટ - વિનેશ ફોગાટ કુસ્તીમાં બે વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ જીતેલાં સૌપ્રથમ ભારતીય મહિલા છે. તેઓ કૉમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ બન્નેમાં સુવર્ણચંદ્રક જીતેલાં સૌપ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ પણ છે. વિનેશે કૉમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રણ વખત સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા છે. અલબત્ત, તેમને એ મેડલો અલગ-અલગ વેઇટ કૅટગરીમાં મળ્યાં છે. તેમણે ઑગસ્ટ 2022માં કૉમનવેલ્થ ગેમ્સમાં 53 કિલો વેઇટ કૅટગરીમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.
 
વિનેશ મહિલા કુસ્તીબાજોના પરિવારમાંથી આવે છે. તેમનાં પિતરાઈ બહેનો ગીતા તથા બબીતા ફોગાટે પણ અનેક આંતરરાષ્ટ્રીય મેડલો જીત્યા છે.
 
પી. વી. સિંધુ - બેડમિન્ટન ખેલાડી પુર્સાલા વેંકટ સિંધુ ઑલિમ્પિક્સમાં બે વ્યક્તિગત મેડલ જીતનારાં સૌપ્રથમ ભારતીય મહિલા છે. ટોક્યો ગેમ્સમાં મળેલો બ્રોન્ઝ મેડલ તેમનો બીજો ઑલિમ્પિક્સ મેડલ હતો. તેમણે 2016માં રિયો ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2022ની કૉમનવેલ્થ ગેમ્સમાં સિંધુએ સુવર્ણચંદ્રક જીત્યો હતો. એ અગાઉ 2021માં બૅડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (બીડબલ્યુએફ) વર્લ્ડ ટૂર ફાઈનલમાં તેમને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો. 2019માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક જીતીને તેઓ આ સિદ્ધિ મેળવનારાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યાં હતાં.
 
સપ્ટેમ્બર 2012માં 17 વર્ષની વયે તેમણે બીડબલ્યુએફનાં ટૉપ 20 વર્લ્ડ રૅન્કિંગમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
તેઓ 2019માં જાહેર મતદાનમાં સૌથી વધુ મત મેળવીને પ્રારંભિક બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ જીત્યા હતા.
 
નિખત ઝરીન - 2011માં જુનિયર વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં વિજેતા બન્યા બાદ નિખત ઝરીન 2022માં વીમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયન બન્યાં હતાં. નિખતે 2022માં બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં ફ્લાયવેઇટ કૅટગરીમાં ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો. ભારતીય નેશનલ બૉક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવીને તેમણે 2022નો અંત આણ્યો હતો. ઝરીનના પિતા ઇચ્છતા હતા કે તેમનાં ઊર્જાવાન દીકરીની શક્તિને યોગ્ય માર્ગે વાળવી જોઈએ. તેથી તેમણે ઝરીનને બૉક્સિંગમાં રસ લેતાં કર્યાં હતાં.
 
12 વર્ષની વયે એક મુકાબલા દરમિયાન ઝરીનની આંખ પર ઈજા થઈ ત્યારે તેમનાં માતાની ચિંતા તથા લગ્નની સંભાવના વિશેની સગાંસંબંધીની તીક્ષ્ણ ટીકાઓને બાજુ પર મૂકીને નિખતના પિતાએ દીકરીને તેમનાં સપનાં સાકાર કરવા માટે પ્રોત્સાહિત કર્યાં ત્યારથી નિખતે પાછું વાળીને જોયું નથી