રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 8 નવેમ્બર 2019 (10:35 IST)

વિજય રૂપાણીએ કહ્યું, '191 કરોડનું વિમાન મારા માટે નથી લીધું, સરકારનું છે'

ગુજરાત સરકારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને વીવીઆઈપીઓને લાવવા-લઈ જવા માટે 191 કરોડ રૂપિયાનું નવું વિમાન ખરીદ્યાના સમાચારને પગલે ઊઠેલી ચર્ચા વિશે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે.
અત્રે નોંધવું રહ્યું કે આ નવા વિમાનની ખરીદીને પગલે લોકોમાં ચર્ચા ઊઠી છે કે પ્રજાના પૈસે નેતાઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
જે મામલે રાજ્યના મુખ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે જે વિમાન વાપરવામાં આવી રહ્યું હતું તે સુરક્ષાના કારણોસર જોખમી હતું.
તેમણે કહ્યું, "નાગરિક ઉડ્ડયને આ અંગેનો અહેવાલ પણ સોંપ્યો હતો. આથી 20 વર્ષ જૂના વિમાનની સુરક્ષામાં કમી જણાતા નવું વિમાન ખરીદવામાં આવ્યું છે."
તેમણે મીડિયાને સંબોધતા કહ્યું, "આ વિમાન મારા પોતાના માટે નહીં પણ રાજ્ય સરકાર માટે ખરીદવામાં આવ્યું છે. બધી રાજ્ય સરકાર આવી રીતે ખરીદી કરતી હોય છે."
"રાજ્ય સરકારે 20 વર્ષ બાદ ઍરક્રાફ્ટની ખરીદી કરી છે. મીડિયામાં ભૂતકાળમાં અનેક વખત લેખો લખાયા છે કે સીએમ કૉફિન પર સવારી કરી રહ્યા છે."
"દરેક રાજ્ય સરકારનાં પોતાનાં ઍરક્રાફ્ટ છે, આ કોઈ રૂપાણીનું પોતાનું ઍરક્રાફ્ટ નથી. આ રાજ્ય સરકારનું ઍરક્રાફ્ટ છે."