રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By સચીન ગોગોઈ|
Last Modified: મંગળવાર, 4 મે 2021 (09:28 IST)

PM નરેન્દ્ર મોદીના રાજીનામાની માગ અને આટલી ટીકા પહેલી વખત થઈ રહી છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
 
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પોતાની ટીકાને કાં તો અપમાનની જેમ લેવા માટે અથવા તેનો આકરો જવાબ આપવા માટે જાણીતી છે.
 
જ્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર સામે એકદમ ઊંઘતી ઝડપાતા સરકારની આકરી ટીકા થઈ રહી છે, ત્યારે પણ ભાજપની સરકારે પહેલાં જેવું જ વલણ અપનાવ્યું છે.
 
દેશનાં અનેક શહેરોમાંથી કોવિડ-19ના દર્દીઓને પડી રહેલી હાલાકીના સમાચાર આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારના મંત્રીઓ ઓક્સિજન અથવા હૉસ્પિટલ બેડની અછત હોવાની વાતનો અસ્વીકાર કરે છે.
 
કેટલાક મંત્રીઓનો એવો પણ આરોપ છે કે ઓક્સિજન અને હૉસ્પિટલ બેડની કમીને કારણે પડી રહેલી મુશ્કેલીની વાત સોશિયલ મીડિયા પર લખીને મદદ માગતા લોકો ખોટા સમાચાર અને ડર ફેલાવવા માગે છે.
 
આરોગ્યતંત્રને ઘૂંટણીયે લાવી દેનાર આ મહામારીનો સામનો આવનારા દિવસોમાં સરકાર કઈ રીતે કરશે, એ જોવું રહ્યું.
 
કોરોનાની બીજી લહેરે ભારતમાં એક પછી એક અનેક વિક્રમો તોડી દીધા છે અને હાલાકી ભોગવી રહેલા લોકો સરકારની જવાબદારી નક્કી કરવા અને પગલાં લેવાની માગ કરી રહ્યા છે.
 
મોદી સરકાર સામે આટલો ગુસ્સો લોકોમાં છેલ્લાં સાત વર્ષમાં ક્યારેય જોવા મળ્યો નથી.
 
પ્રથમ વખત સોશિયલ મીડિયામાં મોદી પાસેથી રાજીનામું માગતા સંદેશો પોસ્ટ થઈ રહ્યા છે અને #ResignModi જેવા હૅશટૅગ ટ્રૅન્ડ થઈ રહ્યા છે.
 
2014માં જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં છે, ત્યારથી અનેક વખત અનેક મુદ્દાઓ પર સરકારને મીડિયા, નાગરિક સમાજ અને વિપક્ષ તરફથી આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે.
 
2015-16માં હિંદુત્વવાદી જૂથો દ્વારા અલ્પસંખ્યકો પર હુમલાની બાબત હોય કે 2016માં રાતોરાત જાહેરત કરાયેલી નોટબંધી, 2019માં કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 370ની નાબૂદી હોય કે 2019માં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) કે પછી ત્રણ વિવાદિત કૃષિ કાયદા, મોદી સરકારે આકરા વિરોધનો સામનો કરવો પડ્યો છે.
 
જોકે આ વખતે કોરોનાની બીજી લહેર સામે મોદી સરકારની કથિત નિષ્ફળતા અંગે લોકોનો રોષ ખૂબ વધારે છે અને આ વખતે એવું પણ કંઈક થઈ રહ્યું છે, જે આની પહેલા નહોતું જોવા મળ્યું.
 
એ છે નરેન્દ્ર મોદીના રાજીનામાની માગ.
 
સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદીના રાજીનામાની માગ કરતા હૅશટૅગ સતત ટ્રેન્ડ કરી રહ્યા છે.
 
આની પહેલાં અનેક મુદ્દાઓને લઈને વિરોધીઓએ મોદી સરકારને ઘેરી છે, પરંતુ મોદીના રાજીનામાની માગ ઊઠતી જવલ્લે જ જોવા મળી છે. ટ્વિટર પર અનેક દિવસોથી તેમના રાજીનામાની માગ કરતો ટ્વિટર ટ્રૅન્ડ છે.
 
#ResignModi, #Resign_PM_Modi, #ModiResign, #ModiMustResign, #ModiHataoDeshBachao [Remove Modi, save the country] જેવા હૅશટૅગ ટ્વિટર પર કેટલાય દિવસોથી ટ્રૅન્ડ થતા જોવા મળી રહ્યા છે.
 
ભાજપના આઈટી સેલ એટલે કે ઑનલાઇન વૉરિયર્સની સેના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર કેટલી સક્રિય છે, એ વાત પણ જાણીતી છે. આમ છતાં આ વખતે એ પણ સુસ્ત દેખાય આવે છે.
 
મુખ્યધારાના ભારતીય મીડિયામાં પણ નરેન્દ્ર માદી અને તેમની સરકારની આકરી ટીકા થઈ રહી છે
 
સોશિયલ મીડિયામાં દેખાઈ રહેલો રોષ મુખ્ય ધારાના મીડિયામાં આવતા નિષ્ણાતો અને વિપક્ષના નેતાઓનાં નિવેદનોમાં પણ દેખાઈ રહ્યો છે.
 
અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફે લખ્યું, સરળ રીતે કહી શકાય એવી સચોટ વાત એ છે: "નરેન્દ્ર મોદીએ જવાની જરૂર છે, અમિત શાહે જવાની જરૂર છે. અજય મોહન બિષ્ટ એટલે યોગી આદિત્યનાથે જવાની જરૂર છે."
 
એમાં લખ્યું છે કે આ દેશમાં આપણને બચાવવા જેટલા મોટાપાયે બચાવ કામગીરી કરવાની જરૂર છે, એના માટે સત્તાના આ પદો પરથી આ લોકોએ તાત્કાલિક હઠી જવાની જરૂર છે."
 
કૉંગ્રેસ અને તૃણમૂલ કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ પણ સોશિયલ મીડિયામાં નરેન્દ્ર મોદીના રાજીનામાની માગ ઉચ્ચારી હતી.
 
દેશના મુખ્ય અખબારોમાં પ્રકાશિત લેખો અને સંપાદકીય લેખોમાં મોદી અને તેમની સરકારને દેશમાં પડી ભાંગેલા આરોગ્યતંત્ર માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
 
ઇન્ડિયન એક્સપ્રેસના એક લેખમાં લખાયું હતું કે મહામારી દ્વારા થયેલા આ વિનાશ પાછળ ગવર્નન્સની મહાનિષ્ફળતા છે. કોરોનાની બીજી લહેરથી ઉજાગર થયેલી સરકારની નિષ્ફળતા સામે સરકારની ટીકાને દબાવવાના પ્રયત્નો વિશે પણ આ લેખમાં ચર્ચા કરવામાં આવી હતી.
 
આ લેખમાં ઉત્તર પ્રદેશ સરકારની એ ચેતવણીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો જેમાં કોરોનાની બીજી લહેર વિશે કથિત નકારાત્મક વાતો ફેલાવતા લોકોની સંપત્તિ જપ્ત કરવાની જાહેરાત કરાઈ હતી.
 
લાખો વાંચકો ધરાવતા પ્રખ્યાત હિંદી અખબારોમાં પણ મોદી સરકારની આકરી ટીકા કરવામાં આવી છે.
 
દૈનિક ભાસ્કરના સંપાદકીય લેખની વાત કરીએ તો તેમાં કહેવામાં આવ્યું કે "સરકારમાં દૂરદર્શિતાની કમીને કારણે દેશમાં દવાઓ, બેડ્સ અને રસીની અછત ઊભી થઈ છે."
 
ત્યારે વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાએ લખ્યું કે જ્યારે દેશ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે સરકાર લાપતા છે.
 
તેમણે ટ્વીટ કર્યું, "ક્યારેય ભારતમાં સરકારને આ રીતે પોતાની ફરજમાંથી ચૂકી જતા નથી જોઈ. ફોન કરવા માટે કોઈ કંટ્રોલરૂમ નથી, કોઈ જવાબદાર વ્યક્તિ નથી, જેનો સંપર્ક કરી શકાય. આ ગવર્નન્સની હાર છે."
 
સરકારની તરફેણમાં કોણ?
 
ટ્વિટર પર કેટલાક લોકો કહી રહ્યા છે કે રાષ્ટ્રીય સ્તરની હિંદી અને અંગ્રેજી ટીવી ચેનલો 'સિસ્ટમ' પર આરોપ મૂકી રહી છે, પણ એ લોકો એ નથી કહી રહ્યા કે 'સિસ્ટમ'ની સંચારદોરી કોના હાથમાં છે.
 
કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ ટ્વિટર પર દાવો કર્યો કે ટીવી ન્યૂઝ ચેનલોને નિર્દેશ અપાયા છે કે તેઓ 'સિસ્ટમ'ને જવાબદાર ઠેરવે, 'મોદી' અને તેમની 'સરકાર'ને નહીં.
 
અંગ્રેજી ટીવી ચેનલ રિપબ્લિક ટીવી (જેની પર ભાજપતરફી હોવાનો આરોપ લગાવાય છે), તેણે સરકારની કામગીરીની ટીકાને 'નિરાશાવાદી સર્કિટ' ગણાવી. ચેનલ મુજબ, 'જ્યારે આ લડતમાં દેશ એક છે, ત્યારે કેટલાક ટીકાકારોના જૂથને ભારતના પ્રયત્નોને નીચે ખેંચવાની મંજૂરી મળવી જોઈએ?'
 
કોરોનાની કરુણ કહાણી : જે દિવસે લગ્ન હતાં એ જ રાત્રે મહેસાણાના યુવકે જીવ ગુમાવ્યો
'મારી નજર સામે મારી માએ દમ તોડ્યો', ગુજરાતનું એ ગામ જ્યાં શેરીએ શેરીએ કોરોનાથી થયાં મરણ
 
કેટલીક ટીવી ચેનલો રાજ્ય સરકારોને દોષી ઠેરવી રહી છે. ચેનલોનું કહેવું છે કે રાજ્ય સરકારો પરિસ્થિતિને સાચવવા અને કેન્દ્ર સરકારની યોજનાને લાગુ કરવામાં નિષ્ફળ રહી છે.
 
એક મોટા હિંદી અખબાર 'દૈનિક જાગરણ'ના સંપાદકીય લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે રસીકરણ કાર્યક્રમને તારીખ એક મેથી 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકો માટે ખોલવાની જાહેરાત કરી છે, પરંતુ કેટલાંક રાજ્યો 'સંકીર્ણ રાજકારણ' ને કારણે આના માટે તૈયાર નથી.
 
કેટલાંક રાજ્યોમાં રસીના ડોઝની કમી છે, એટલે પહેલી મેથી 18 વર્ષથી 44 વર્ષના લોકોને રસી અપાઈ શકે તેમ નથી, તેમ છતાં દૈનિક જાગરણે રાજ્ય સરકારો પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.