રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 11 મે 2019 (13:19 IST)

મહેસાણાના લ્હોર ગામમાં દલિતોનો બહિષ્કાર અને સમાધાનના સરકારી દાવાની હકીકત

રોક્સી ગાગડેકર છારા
 
શુક્રવારની સાજે જ્યાં એક તરફ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ કડી તાલુકાના લ્હોર ગામમાં દલિતો અને બિનદલિતો વચ્ચેના સંઘર્ષનો સુખદ અંત આવ્યાની મીડિયામાં જાહેરાત કરી રહ્યા હતા ત્યારે આ ગામની ત્રણ દલિત યુવતીઓને ઘંટી પર ઘઉં દળી આપવાની ના પાડવામાં આવી રહી હતી. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં લ્હોર ગામના બિનદલિત સમાજના લોકોએ ગામના દલિત યુવાનના લગ્નમાં વરઘોડો કાઢવામાં આવ્યો તે ઘટનાને લઈને દલિતોનો સામાજિક બહિષ્કાર કર્યો છે.
 
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લ્હોર ગામમાં દલિત યુવાનના લગ્નમાં વરઘોડો કાઢવાની ઘટના બાદ બિનદલિતોએ દલિતોનો સામાજિક બહિષ્કાર કર્યો છે. હજી લોકસભાની ચૂંટણીના બે તબક્કા બાકી છે અને ગુજરાતમાં પાણીની અછત અખબારોના પહેલા પાને દેખાઈ રહી છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રીએ લગભગ શુક્રવારનો આખો દિવસ લ્હોર ગામમાં દલિતોને સમજાવાવમાં ફાળવ્યો હતો. તેમણે ફાળવેલો આ સમય ઘટનાની ગંભીરતા દર્શાવે છે અને તેની સીધી અસર લોકસભાની બાકી રહેલી બે તબક્કાની ચૂંટણી પર ન પડે તેનું ધ્યાન ભાજપ રાખવા માગે એમ નિષ્ણાતો માને છે.
લ્હોર ગામમાં નીતિન પટેલે સૌપ્રથમ પંચાયત ઓફિસમાં બંધબારણે દલિત, મુસ્લિમ, ઠાકોર, રબારી, બ્રાહ્મણ અને રાવળ સમાજના લોકો સાથે મિટિંગ કરી અને એ પછી તેમણે દલિત મહોલ્લાની મુલાકાત લીધી. સાંજ સુધીમાં તેમણે બેઉ પક્ષે સુખદ સમાધાન થઈ ગયાની જાહેરાત પણ કરી દીધી. જોકે, આ મુદ્દે નીતિન પટેલની આ જાહેરાત પછી, દલિતોના અધિકારો પર કાર્યરત સામાજિક કાર્યકર કૌશિક પરમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે કોઈ સમાધાન થયું નથી. "અમે પાંચ માગણીઓ સમાજના આગેવાનોની સામે મૂકી છે, જ્યાં સુધી આ માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી સમાધાન શક્ય નથી."
 
શું છે માગણીઓ?
 
કૌશિક પરમાર જણાવે છે કે આજ પછી દલિત સમાજના લોકો સાથે કોઈ પણ પ્રકારની અસ્પૃશ્યતા નહીં રાખવામાં આવે તેવી ગામના આગેવાનો લેખિત બાંયધરી આપે એવી અમારી માગણી છે. એ સાથે આગેવાનો તરફથી દલિતો પ્રત્યે બદલાની ભાવનાથી ખોટા કેસો નહીં કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હોવાની માહિતી કૌશિક પરમાર આપે છે. નીતિન પટેલની મુલાકાત બાદ વડગામના ધારસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ દલિત પરિવારની મુલાકાત લેવા આવ્યા હતા. જિજ્ઞેશ મેવાણીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોઈ સમાજને નુકસાન ન થાય એવી રીતે સરકારે સમાધાનની ફૉર્મુલા ઘડવી જોઈએ.
શું છે આ મામલો?
 
૨૪ વર્ષના મેહુલ પરમાર છેલ્લાં ત્રણ વર્ષથી અમદાવાદમાં નોકરી કરે છે. તેના લગ્નની વાત થઇ ત્યારથી જ તેમણે નક્કી કર્યુ હતું કે તે પોતાના લગ્નમાં ઘોડા પર જાન કાઢશે. જોકે, આ પહેલાં આવી વાત આ ગામમાં કોઇ દલિતે કરી ન હતી. લ્હોર ગામમાં દલિતોને ઘોડા પર બેસવાની મનાઈ છે, પરંતુ મેહુલની જીદ હતી કે જો બીજા બધા જ સમાજના લોકો ઘોડા પર બેસીને જાન કાઢી શકે તો તે કેમ નહીં. આ મામલો મીડિયા અને પોલીસ સુધી પહોંચ્યો અને ૭ મે, ૨૦૧૯ના રોજ મેહુલની જાન તો ઘોડા પર નીકળી ગઈ પરંતુ તેના બીજા જ દિવસથી ગામના તમામ દલિતોએ સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો.
 
૮ મેની સવારથી જ દલિતોને કોઇ દુકાનેથી રાશન, દૂધ કે કોઈ પણ વસ્તુ પૈસા આપતા પણ મળી ન હતી. ઘંટી પર તેમને ઘઉં દળી આપવાની ના પાડવામાં આવી અને કોઈ પણ બિનદલિત તેમની સાથે વાત પણ કરતા નહોતા. આ સામાજિક બહિષ્કાર પછી, મનુભાઈ પરમારે બાવલુ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ સરપંચ, ઉપસરપંચ સહીત ગામના પાંચ લોકોની ધરપકડ થઈ હતી. ગામના સરપંચ વીજુ ઠાકોર, ઉપસરપંચ બલદેવ ઠાકોર, ભોપા ઠાકોર, ગાબાજી ઠાકોર અને મનુભાઈ બારોટની ધરપકડ થઈ હતી.
તમામને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલી દેવાયા હતા. તેમની સામે પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી ઍક્ટની કલમ 3(1), 3(2)5A તેમજ IPC ની કલમ 143, 504 અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. માત્ર ૨૫૦૦ની વસતી ધરાવતા આ ગામમાં મુખ્યત્વે ઠાકોર, મુસલમાન, રબારી, બ્રાહ્મણ અને દલિત સમાજના લોકો રહે છે. દલિતોના બહિષ્કાર પછી આ ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો હતો.
 
અવાજ કેમ ઊઠી રહ્યો છે?
દલિત કર્મશીલ માર્ટિન મૅકવાને કહ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકરના સૂત્ર પ્રમાણે દલિતો હવે મોટા પ્રમાણમાં ભણી રહ્યા છે, તેમની રહેણી-કરણી સૂધરી રહી છે, તેઓ હવે સમજતા અને કાયદાનો યોગ્ય ઉપયોગ કરતા થયા છે. આને કારણે જે બીજા સમાજો છે તેઓ તેમની આ કેળવણી અને સમજથી હેરત પામે છે. ઘણા મોટા પ્રમાણમાં દેશભરમાં દલિતો હવે કોઇ પણ અન્યાયની સામે અવાજ ઉઠાવતા થયા છે.
લ્હોર ગામ કે પોલીસ છાવણી?
 
ગામમાં પ્રવેશતાની સાથે જ ખ્યાલ આવી જાય કે અહીં કંઈ બરાબર નથી. પ્રવેશ પાસે જ એક મોટું મંદિર છે જેમાં દર્શનાર્થીઓની જગ્યા SRP એ લઈ લીધી છે. ગામના લગભગ દરેક રસ્તા પર હથિયારધારી પોલીસ અને તેમની ગાડીઓ જોવા મળે છે. પંચાચતની ઑફિસની બહાર લાઇનમાં હથિયારધારી પોલીસ ખડકી દેવામાં આવી છે.
આ ગામડામાં ટ્રેક્ટર કરતાં વધારે પોલીસની ગાડીઓ દેખાઈ રહી છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા, મહેસાણાનાં ડૅપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ મંજિતા વણઝારાએ કહ્યું કે SRPની એક ટુકડી (આશરે ૯૦ પોલીસ જવાનો), તેમજ સ્થાનિક પોલીસને ગામમાં બંદોબસ્તમાં લગાવવામાં આવી છે.
 
તેઓ કહે છે કે, "ગામમાં પરિસ્થિતિ અંકુશમાં છે અને જ્યાં સુધી સંપૂર્ણ શાંતિ સ્થાપિત ન થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત ખસેડવામાં નહીં આવે."
 
જો કે બીબીસીએ જ્યારે અહીં લોકોથી વાત કરી તો સ્થિતિ જરાક અલગ લાગી. એક તરફ દલિતોનો આક્રોશ હતો જે ખૂલીને બહાર આવ્યો હતો અને તેઓ તેમની સાથે થતા ભેદભાવની વાતો દરેક મીડિયાકર્મીને કહી રહ્યા હતા. તો બીજી તરફ બિનદલિતો હતા જેઓ માને છે કે દલિતોએ આ ફરિયાદ કરીને ગામનું નામ ખરાબ કર્યું છે.
બીબીસીએ જ્યારે બિનદલિત લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે વાત કરવાની તો ના પાડી દીધી. એ સાથે જ એમણે એવું પણ કહ્યું કે જે દલિતોએ બોલાવ્યા છે તેમની સાથે જ તમે વાત કરો. અમે તો તમારી સાથે વાત નહીં કરીએ.આ સ્થિતિ કેટલો સમય રહેશે તે હાલ કહી શકાય એમ નથી.
 નાયબ મુખ્ય મંત્રીએ દલિત મહોલ્લાની મુલાકાત કેમ લીધી? 
 
શુક્રવારે સવારે મીડિયાકર્મીઓના મોબાઇલ પર મૅસેજ આવ્યો હતો કે જિજ્ઞેશ મેવાણી સાંજે લ્હોર ગામના દલિતો સમાજના લોકોની મુલાકાત લેશે. જો કે, જિજ્ઞેશ મેવાણી પહોંચે તે અગાઉ જ નીતિન પટેલ આ પરિવાર સાથે ચર્ચા કરવા માટે પહોંચી ગયા હતા. એ ઉપરાંત કૉંગ્રેસ નેતા નૌશાદ સોલંકી પણ ગામમાં પહોચ્યા હતા. વહેલી સવારે અમે જ્યારે ગ્રામ પંચાયતની ઑફિસમાં પહોંચ્યા તો સરકારી કર્મચારીઓ ઑફિસની ચકાસણી કરી રહ્યા હતા.
 
ખુરશીઓની સફાઈ કરાવવામાં આવી રહી હતી અને વહેલી સવારથી જ નીતિનભાઇની મિટિંગની તૈયારીઓ ચાલી રહી હતી. લગભગ ૧૧.૩૦ વાગે ગામમાં પહોંચી આશરે ૪૫ થી ૫૦ મિનિટ સુધી નીતિન પટેલે ગામનાં લોકો સાથે મુલાકાત કરી અને ત્યારબાદ બહાર નીકળીને પોતાના સ્ટાફને કહ્યું, "ચાલો હવે હરિજનવાસ જઈએ."
 
વરઘોડાને કારણે થયેલા સામાજિક બહિષ્કાર સિવાયની લોકોની એક પણ ફરિયાદ એમણે ધ્યાન ન આપ્યું. ઘણા લોકોએ મહોલ્લા સુધી આવવા માટેના રસ્તાની અને પીવાના સ્વચ્છ પાણીની ફરિયાદો કરી પરંતુ આવી તમામ વાતો પર નીતિન પટેલે ધ્યાન આપ્યું નહીં અને કહ્યું હતું કે આ સામાજિક બહિષ્કારને લીધે આરોપીઓ સામે પગલાં લઈ તેમને જેલ ભેગા કરી દીધા છે. નીતિન પટેલે દાવો કર્યો કે ગુજરાતમાં દલિતોની પરિસ્થિતિ અન્ય રાજ્યો કરતાં સારી છે અને આવી ઘટનાઓ ખૂબ ઓછી બને છે પરંતુ તેને મોટું સ્વરુપ આપી દેવામાં આવે છે.
 
જો કે, દલિત કર્મશીલ માર્ટિન મૅકવાન કહે છે કે દેશભરમાં દલિતો પર અત્યાચાર વધતા હોય તેવાં મુખ્ય પાંચ રાજ્યોમાં ગુજરાત એક છે.
 
તેઓ કહે છે, "સરકારી આંકડા પ્રમાણે 2013 થી 2017ના ગાળામાં રાજ્યમાં દલિતો પરના અત્યાચારોમાં ૩૨ ટકા જેટલો વધારો થયો છે, માટે ગુજરાતમાં દલિતો પરના અત્યાચારો વધ્યા છે."
 
કર્મશીલ કાંતિલાલ પરમારે ગુજરાત પોલીસ પાસેથી એકત્ર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 2011થી જુલાઈ 2016 સુધીમાં દલિતો પર અત્યાચારના 6 હજારથી વધુ કેસો થયા છે. જેમાં 131 લોકોનાં ખૂન થયાં છે જ્યારે ૩૪૬ બળાત્કારની ફરિયાદો છે. 
 
લ્હોરના દલિતો વિશે અમે શું જાણ્યું?
 
આ ગામમાં રહેતા આશરે 200 દલિત લોકો લગભગ દરરોજ અસ્પૃશ્યતાનો શિકાર બને છે. અમે જ્યારે અહીંની મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે તેના વિશે ખૂલીને વાત કરી. સીમા પરમાર નામની એક છોકરીએ કહ્યું કે નવરાત્રિમાં તેમને ગરબા ગાવા તો ઠીક પણ ગરબા જોવાની પણ પરવાનગી નથી. ખેતમજૂરીએ જતી મહિલાઓ પાણી પીવા માટેનો ગ્લાસ ઘરેથી જવાનો હોય છે.
 
આ વિશે વીણાબહેન પરમાર કહે છે, "જો ગ્લાસ ન લઈ ગયા હોઈએ, તો અમારે હાથેથી પાણી પીવું પડે. તેઓ ઉપરથી અમારા હાથ પર પાણી નાંખે અને એ રીતે અમારે પાણી પીવાનું હોય છે."
 
ભરત પરમાર નામના એક દલિત છે અને તેઓ રિક્ષા ચલાવે છે. તેમણે કહ્યું કે ગામમાં કોઈ વાળંદ તેમના વાળ કાપતા નથી. વાળ કપાવવા માટે એમણે કડી શહેરમાં જવું પડે છે. 
 
તેઓ કહે છે કે "વાળ કપાવવાના રૂપિયા કરતાં ભાડાનો ખર્ચ વધારે થાય છે."
 
માર્ટિન મેકવાન કહે છે કે "2010માં કરવામાં આવેલા અમારા સંશોધન મુજબ ગુજરાતનાં ગામડાંઓમાં 98 પ્રકારની અલગઅલગ અસ્પૃશ્યતા પ્રવર્તે છે."
 
ઉલ્લેખનીય છે કે આ અહેવાલ ગુજરાત સરકારે નકારી કાઢ્યો હતો.