રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By રાધવેન્દ્ર રાવ|
Last Modified: સોમવાર, 31 મે 2021 (16:17 IST)

સરકાર વિરુદ્ધ સોશ્યલ મીડિયા કંપનીઓ: શું નવા નિયમો અસહમતી અને ટીકાને દબાવી દેવાની કોશિશ છે?

ભારતમાં 25 મેના રોજ રોજ એવી અટકળો લાગવા લાગી હતી કે મધરાતથી ટ્વિટર અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પ્લૅટફોર્મ બંધ થઈ જશે.
 
આવી અટળકો પાછળ કેટલાક કારણો હતા. હકીકતમાં કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં જ સોશિયલ મીડિયા માટે નવા ધારાધોરણો જાહેર કર્યા હતા.
 
25 મેની મધરાતથી તે લાગુ પડવાના હતા. મુદત આવી ગઈ હોવા છતાં ઘણી બધી સોશિયલ મીડિયા કંપનીઓએ તે નિયમોનું પાલન શરૂ કર્યું નહોતું.
 
તેના આગલા દિવસે મંગળવારે જ મૅસેજિંગ ૅપ વૉટ્સૅૅપે દિલ્હી હાઈકોર્ટમાં સરકારના સોશિયલ મીડિયા માટેના નવા નિયમો સામે અરજી કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે નવા નિયમોનું પાલન કરવાને કારણે મૅસેજને ઍન્ક્રિપ્ટ કરવામાં આવે છે તે બંધ થઈ જશે. તેના કારણે નાગરિકોના 'ખાનગીપણાના અધિકાર'નો ભંગ થશે.
 
કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં ઇન્ફર્મેશન ટેક્નોલૉજી (ઇન્ટરમિડિયરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રુલ્સ, 2021 જાહેર કર્યા હતા.
 
તેના નિયમ 4(2) અનુસાર 50 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી સોશ્યલ મીડિયા ઇન્ટરમિડિયરી કંપનીએ કોઈ પણ મૅસેજ અથવા ચૅટ મૂળ ક્યાંથી ઉદભવ્યા તેની જાણકારી રાખવી જરૂરી છે.
 
ખાનગીપણાના અધિકારનો ભંગ?
વૉટ્સઅપના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે "મૅસેજિંગ ઍપ્સની ચૅટને 'ટ્રેસ' કરવાનું કહેવામાં આવે તે કામ વૉટ્સઍપ પર મોકલાયેલા દરેક સંદેશની ફિંગરપ્રિન્ટ રાખવા સમાન છે. તેમ કરવા જતા ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્શન છે તે તોડવું પડે. તે રીત લોકોના ખાનગીપણાના અધિકારને નબળો પાડી દેશે".
 
વૉટ્સઍપના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે "અમારી ઍપના યુઝર્સના ખાનગીપણાનો ભંગ થાય તેવી કોઈ પણ વાતનો હંમેશાં લોકો, સમાજ અને દુનિયાભરના વિશેષજ્ઞો સતત વિરોધ કરતા આવ્યા છે".
 
જોકે પ્રવક્તાએ ઉમેર્યું હતું કે તેઓ નાગરિકોની સુરક્ષા માટે જરૂરી હોય તે માટેના કોઈ પણ વ્યવહારુ ઉપાયો માટે ભારત સરકાર સાથે મળીને કામ કરશે. સત્તાવાર અદાલતી કાર્યવાહી માટે માગવામાં આવેલા જવાબો આપવાની વાતનો પણ તેમાં સમાવેશ થાય છે.
 
ગુરુવારે ટ્વીટરે માગણી કરી હતી કે નવા નિયમોનો અમલ કરવા માટે વધારે ત્રણ મહિનાનો સમય આપવામાં આવે છે.
 
ટ્વીટરના એક પ્રવક્તાએ ગુરુવારે બીબીસીને જણાવ્યું કે, "હાલમાં અમે ભારતમાં અમારા કર્મચારીઓ સાથે બનેલા બનાવો અને લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને થનારી સંભવિત હાનિ વિશે ચિંતિત છીએ."
 
અહેવાલો અનુસાર ફેસબૂકે જણાવ્યું હતું કે તેઓ આઈટી નિયમોનું પાલન કરવા માટે અને કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ઇચ્છે છે. આ માટે સરકાર સાથે વધારે સંવાદની જરૂર છે. આઈટી નિયમો અનુસાર સંચાલન ગોઠવવા માટે તથા કાર્યદક્ષતા સુધારવા માટે તેઓ કામ કરી રહ્યા છે.
 
ગૂગલ તરફથી નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું કે તેમના પ્લૅટફૉર્મ્સને વધારે સુરક્ષિત કરવા માટેની તેમની કામગીરી હજી પૂર્ણ થઈ નથી. તેઓ પોતાના વર્તમાન દૃષ્ટિકોણને વધારે સારો કરવા અને નીતિઓ તૈયાર કરવા માટે કોશિશ કરશે અને નિર્ણયો લેવાની પ્રક્રિયાને શક્ય એટલી પારદર્શી બનાવશે
 
સરકારનો સામો વાર
વૉટ્સઍપે અદાલતનો આશરો લીધો તેની સામે ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી હતી.
 
સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે ઑક્ટોબર 2018 પછી ગંભીર ગુનાઓ અથવા કોઈ પણ ઉશ્કેરણીજનક લખાણની શરૂઆત કરનારાની શોધ કરવા માટેની જરૂરિયાત સામે વૉટ્સઍપે ભારત સરકાર સામે લેખિતમાં કોઈ વિરોધ કર્યો નહોતો.
 
સરકારે જણાવ્યું કે વૉટ્સઍપે ધારાધોરણોનું પાલન કરવા માટે મુદતની માગણી કરી હતી. તે વખતે એવું નહોતું કહ્યું કે કોઈ પણ મૅસેજ ક્યાંથી શરૂ થયો તે શોધી કાઢવું શક્ય નથી.
 
સરકારે એમ પણ જણાવ્યું કે પૂરતો સમય અને તક આપ્યા છતાંય વૉટ્સઍપે અદાલતમાં જવાનો નિર્ણય કર્યો છે તે ધારાધોરણોને અસરકારક રીતે લાગુ થતા અટકાવવા માટેનો કમનસીબ પ્રયાસ છે.
 
'લોકહિતમાં નિયમ'
મૂળ સંદેશ ક્યાંથી શરૂ થયો તે જાણવાની જોગવાઈ અંગે સરકારનું કહેવું છે કે, "એ લોકહિતમાં છે કે આ પ્રકારના અપરાધ માટે પ્રેરનારી હરકતની શરૂઆત કોણે કરી તે શોધી કાઢવામાં આવે અને તેને સજા કરવામાં આવે."
 
સાથે જ એમ પણ જણાવ્યું કે એ વાતનો ઇનકાર ના થઈ શકે કે "કઈ રીતે મૉબ લિન્ચિંગ અને રમખાણો જેવા મામલામાં વારંવાર મૅસેજ ફેલાવવામાં આવે છે. આ માટેની સામગ્રી પહેલેથી જ સાર્વજનિક રીતે ઉપલબ્ધ હોય છે. એથી મૂળ એ સામગ્રી તૈયાર કરનારાની ભૂમિકા વધારે મહત્ત્વની છે. "
 
સરકારનું કહેવું છે કે એક તરફ વૉટ્સઍપ ખાનગીપણાની નીતિને અનિવાર્ય બનાવવા માગે છે અને તે રીતે પોતાના યુઝર્સની બધી જ માહિતી પોતાની મૂળ કંપની ફેસબૂક સાથે શૅર કરવા માગે છે, જેથી વેપાર અને વિજ્ઞાપનનો ઉદ્દેશ પાર પડે. બીજી બાજુ આ ધારાધોરણોને લાગુ કરવા ઇનકાર માટે બધા પ્રયત્નો કરે છે અને આનાકાની કરે છે. આ નિયમો કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે તથા ફેક ન્યૂઝને રોકવા માટે જરૂરી છે.
 
સરકારે એવું પણ કહ્યું કે વૉટ્સઍપ એક અપવાદ ઊભો કરીને ધારાધોરણો લાગુ કરવા માટે ઇનકાર કરે છે. માટે કહે છે કે ઍન્ડ-ટૂ-ઍન્ડ એન્ક્રિપ્શન છે.
 
આઈટી મંત્રાલયના જણાવ્યા અનુસાર મૅસેજની શરૂઆત ક્યાંથી થઈ તે જાણવું જરૂરી છે. તે માટે દરેક મોટી અને મહત્ત્વની સોશિયલ મીડિયા મધ્યસ્થ કંપનીએ માહિતી આપવી જરૂરી છે, ભલે તેમની સંચાલનની પ્રક્રિયા ગમે તે પ્રકારની હોય.
 
કેન્દ્રના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે આ આખી ચર્ચા જ અસ્થાને છે કે એન્ક્રિપ્શનને ચાલુ રાખવું કે નહીં.
 
તેમના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા કંપની માટે એ શક્ય છે કે તે ટેક્નોલૉજીનો ઉપયોગ કરે અને ખાનગીપણાના અધિકારને જાળવી પણ રાખે.
 
પ્રસાદે એમ પણ જણાવ્યું કે ભારત સરકાર પોતાના નાગરિકોના ખાનગીપણાના અધિકારને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. સાથે જ જાહેર વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવી રાખવા માટે જરૂરી જાણકારી માગવી પણ અનિવાર્ય છે. આ બંને બાબતોનું પાલન થઈ શકે તે માટેનો ટેક્નિકલ માર્ગ શોધી કાઢવાની જવાબદારી વૉટ્સઍપની છે, પછી તે માટે એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે કે બીજી કોઈ પણ રીત અપનાવે.
 
નવા નિયમો શું છે?
25 ફેબ્રુઆરીએ ભારત સરકારના આઈટી મંત્રાલયે ઇન્ફર્મેશન ટેક્નોલૉજી (ઇન્ટરમિડિયરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રુલ્સ, 2021 જાહેર કર્યા હતા.
 
મંત્રાલયે જણાવ્યું હતું કે નાગરિકો અને હિત ધરાવનારા લોકો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ નિયમો તૈયાર કરાયા હતા.
 
આ નવા નિયમો અનુસાર સોશ્યલ મીડિયા સહિત બધા માધ્યમોએ યોગ્ય સાવચેતી માટેના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવું કરવામાં નહીં આવે તો તેમને કાયદા હેઠળ આપવામાં આપેલી સુરક્ષા નહીં મળે.
 
સાથે આ નિયમો હેઠળ મધ્યસ્થ કંપનીઓએ ફરિયાદોના નિવારણ માટે એક વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. યુઝર્સ અને ખાસ કરીને મહિલા ઉપયોગકર્તાઓની ઑનલાઇન સુરક્ષા અને સન્માન જાળવી રાખવા માટેની જવાબદારી લેવી જરૂરી છે.
 
આ નિયમો અનુસાર ગેરકાયદે સાહિત્ય મૂકાયું હોય તેને હઠાવવાની જવાબદારી પ્લૅટફોર્મની રહેશે. યુઝર્સને રજૂઆત કરવા માટેની તક આપવાની રહેશે અને એક સ્વૈચ્છિક યુઝર્સ સત્યાપન તંત્ર ઊભું કરવું જરૂરી ગણાશે.
 
50 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી સોશિયલ મીડિયા ઇન્ટમિડિયરીએ એક મુખ્ય નિયમપાલન અધિકારી નિમવો જરૂરી છે. ધારાધોરણો અને નિયમોનું પાલન થાય તે માટેની જવાબદારી તે અધિકારીની રહેશે.
 
આ ઉપરાંત આ કંપનીઓએ 24 કલાક દરમિયાન ગમે ત્યારે સંપર્ક કરી શકાય તે માટે એક નૉડલ અધિકારીની નિમણૂક કરવાની રહેશે, જેથી તેની સાથે કોઈ પણ કાયદાપાલન સંસ્થા સંપર્ક કરી શકે.
 
ઉપરાંત એક ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવાની રહેશે, જેણે ફરિયાદ નિવારણ તંત્ર હેઠળ કામ કરવાનું રહેશે. આ હોદ્દા પર ભારતના નાગરિકો હોય તેમની નિમણૂક કરવાની રહેશે. સાથે જ ફરિયાદ મળી હોય તેની માહિતી અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહી, કઈ કઈ સામગ્રી હઠાવવામાં આવી તેની માહિતી સહિતનો એક અહેવાલ દર મહિને જાહેર કરવાનો રહેશે.
 
સરકારનું કહેવું છે કે આ નિયમો ડિજિટલ પ્લૅટફોર્મનો ઉપયોગ કરનારા લોકો તથા તેમની ફરિયાદોના નિવારણ માટે ખૂબ ઉપયોગી થાય તેવા છે. તેમના અધિકારોનો ભંગ થાય ત્યારે જવાબ માગવા માટે આનાથી ગ્રાહકોને મજબૂત આધાર મળશે.
 
સરકારે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ્સનો વિકાસ એવી રીતે થયો છે કે તે હવે માત્ર મધ્યસ્થી રહી ગયા નથી. તેઓ પોતે જ ઘણી વાર પ્રકાશક બની જાય છે.
 
સરકારનું કહેવું છે કે સોશ્યલ મીડિયાનો વ્યાપ એક તરફ નાગરિકોને સશક્ત બનાવે છે, પરંતુ બીજી બાજુ કેટલીક ગંભીર ચિંતાઓ અને પરિણામો પણ આવે છે
 
એવું પણ સ્પષ્ટ જણાવાયું છે કે આ નિયમો ઑનલાઇન અને ઑફલાઇન સામગ્રી પર અત્યારે જે કાયદા લાગુ પડે છે તેને આધારે જ છે.
 
સરકારે કહ્યું કે "સમાચાર અને સમકાલીન મુદ્દાઓ અંગે પ્રકાશકો પાસે એવી અપેક્ષા હોય છે કે તેઓ ભારતના અખબારી અને પત્રકારત્વના નિયમો અને કેબલ ટેલિવિઝન નેટવર્ક અધિનિયમની આચારસંહિતા હેઠળ કામ કરે. આ કાયદા પ્રથમથી જ પ્રિન્ટ અને ટીવી પર લાગુ છે. તેથી સમકક્ષ સ્થિતિ લાવવા માટે આ નિયમો લાવવામાં આવ્યા છે.
 
આ નિયમો જાહેર કરતી વખતે સરકારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કારણે ભારતીયોને તેમની રચનાત્મકતા દેખાડવાની, પ્રશ્નો પૂછવાની, માહિતી મેળવવાની અને સરકાર તથા અધિકારીઓની ટીકા કરવા માટેનું અને વિચારોને સ્વતંત્ર રીતે વ્યક્ત કરવાની ક્ષમતા મળી છે.
 
સાથે જ એવું કહ્યું હતું કે સરકાર લોકતંત્રમાં અનિવાર્ય ગણાય તેવી રીતે ટીકા અને અસહમતી માટેના દરેક ભારતીયના અધિકારને સ્વીકારે છે અને તેનું સન્માન કરે છે.
 
ભારત દુનિયાનો સૌથી મોટો અને મુક્ત ઇન્ટરનેટ સમાજ છે એમ જણાવીને સરકારે કહેલું કે સોશિયલ મીડિયા કંપનીઓ ભારતમાં કામકાજ કરે, વેપાર કરે અને નફો મેળવે તેનું સ્વાગત કરે છે, પરંતુ "તેમણે ભારતના બંધારણ અને કાનૂન માટે જવાબદારી દાખવવી પડશે."
 
સરકારનું કહેવું છે કે સોશિયલ મીડિયાનો વ્યાપ એક તરફ નાગરિકોને સશક્ત બનાવે છે, પરંતુ બીજી બાજુ કેટલીક ગંભીર ચિંતાઓ અને પરિણામો પણ આવે છે. હાલના વર્ષોમાં તેનું પ્રમાણ વધી ગયું છે.
 
સરકારે કહ્યું હતું કે "આ ચિંતાઓ સમયાનુસર સંસદ અને તેની સમિતિઓમાં, અદાલતી આદેશોમાં અને દેશમાં વિભિન્ન નાગરિક સમાજના તથા ચર્ચા વિચારણાના મંચ પર વ્યક્ત થતી રહી છે." આવી ચિંતાઓ દુનિયાભરમાં ઉઠાવવામાં આવી રહી છે અને આ એક આંતરરાષ્ટ્રીય મુદ્દો બની રહ્યો છે."
 
આ નિયમો બનાવવાના આશય વિશે વાત કરતાં સરકારે કહ્યું હતું કે "હાલમાં જ સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ પર કેટલોક બહુ ચિંતાજનક ઘટનાક્રમ જોવા મળ્યો છે" અને "ખોટા સમાચારો સતત વહેતા રહ્યા છે તેના કારણે ઘણા મીડિયા પ્લૅટફોર્મે તથ્ય અને તપાસ માટે વ્યવસ્થા કરવાની ફરજ પડી છે."
 
સરકારે કહ્યું હતું કે, "સોશિયલ મીડિયા પર મહિલાઓના મૉર્ફ કરેલી તસવીરો અને રિવેન્જ પોર્ન માટેની સામગ્રી મૂકાઈ તેના કારણે મોટા પાયે તેનો દુરુયપોગ થયો હતો. તેના કારણે સ્ત્રીઓના સન્માનની બાબત પર જોખમ ઊભું થયું હતું."
 
"કૉર્પોરેટ સ્પર્ધાને ખુલ્લી રીતે લડવા માટે અને હરીફને પાડી દેવા માટે સોશિયલ મીડિયાનો દુરુપયોગ બિઝનેસ માટે એક મુખ્ય ચિંતાનો વિષય બની ગયો છે."
 
આ ઉપરાંત જણાવ્યું હતું કે "અપમાનજનક ભાષાનો ઉપયોગ, અપમાનજનક અને અશ્લીલ સામગ્રી અને ધાર્મિક લાગણીઓ માટે અપમાનના ઉદાહરણો આ પ્લૅટફોર્મ્સ પર વધી રહ્યા છે."
 
નવા નિયમોની જરૂરિયાત જણાવતા સરકારે કહ્યું કે "છેલ્લા કેટલાક વર્ષોમાં ગુનેગારો, રાષ્ટ્રવિરોધ તત્ત્વો સોશિયલ મીડિયાનો દુરુપયોગ વધારે કરી રહ્યા છે અને તેના કારણે કાયદાપાલનની સંસ્થાઓ સામે નવા પડકારો ઊભા થયા છે. તેમાં આતંકવાદીઓની ભરતી માટે લાલચ, અશ્લીલ સામગ્રીનો ફેલાવો, વેરભાવનાનો પ્રચાર, નાણાંકીય છેતરપિંડી, હિંસાને ઉત્તેજન વગેરેનો સમાવેશ થાય છે".
 
સરકાર અનુસાર એવું જોવા મળ્યું છે કે હાલમાં કોઈ મજબૂત ફરિયાદ તંત્ર નથી કે જ્યાં સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લૅટફોર્મના સામાન્ય યુઝર્સ પોતાની ફરિયાદ નોંધાવી શકે. તથા નિશ્ચિત સમયમાં પોતાની ફરિયાદનું નિરાકરણ લાવી શકે.
 
સરકારનું કહેવું હતું કે પારદર્શિતા ઓછી છે અને મજબૂત ફરિયાદ નિવારણ તંત્રની ગેરહાજરી છે, તેના કારણે યુઝર્સે સોશિયલ મીડિયાના સંચાલકોની મરજી અને કલ્પના પર જ નિર્ભર રહેવું પડે છે.
 
સરકારના જણાવ્યા અનુસાર ઘણી વાર એવું જોવા મળ્યું છે કે યુઝર્સે સોશિયલ મીડિયામાં પ્રોફાઇલ વિકસાવવા માટે જ સમય, શક્તિ અને નાણાંનો ખર્ચ કર્યો હોય, તેની સામે તેનું સાંભળવા માટે કોઈ તક આપવામાં આવતી નથી. તેમને સાંભળ્યા વિના જ તેમના પ્રોફાઇલને પ્લૅટફોર્મ પર પ્રતિબંધિત કરી દેવાય છે કે હઠાવી દેવામાં આવે છે.
 
સરકારના ઇરાદા
આ સમગ્ર મામલા વિશે સાઇબર કાનૂનના વિશેષજ્ઞ પવન દુગ્ગલ કહે છે કે "સરકાર હવે ભીંસમાં લાવવાનું શરૂ કરી દેશે".
 
તેઓ કહે છે કે આ નિયમોને કારણે કંપનીઓના માથા પર તલવાર લટકતી રહેશે. આ લટકતી તલવારનો કંપનીઓ સામે કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
 
તેમના જણાવ્યા પ્રમાણે આ નિયમો દ્વારા સરકાર ઇન્ટરમિડિયરી અને સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરી શકે છે. તેમને કેટલીક એવી બાબતો માટે ફરજ પાડી શકાય છે, જે પાળવામાં ના આવે ત્યારે તેમને જેલમાં મોકલી શકાય.
 
તેમના જણાવ્યા અનુસાર આનું કારણ એ છે કે જે નિયમો આવ્યા છે તેને કારણે સમગ્ર લીગલ ફ્રેમવર્ક બદલાઈ જાય છે.
 
તેઓ કહે છે, "પહેલાં એવું થતું હતું કે સર્વિસ પ્રોવાઇડર પાસે માહિતી માગવામાં આવતી હતી અને માહિતી ના મળે તો કશું થઈ શકતું નહોતું. નવા નિયમો અનુસાર સર્વિસ પ્રોવાઇડર જાણકારી ના આપે તો તેની સામે ક્રિમિનલ કાર્યવાહી થઈ શકે છે. તેમને આઈટી અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા અનુસાર સજા કરી શકાય છે. 25 ફેબ્રુઆરીથી કાનૂની જવાબદારી લાગુ પડી ગઈ છે. ફરિયાદ અધિકારીની નિમણૂક માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ નિયમો 50 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતા સોશિયલ મીડિયા ઇન્ટરમિડિયરી પર લાગુ પડશે." 
 
દુગ્ગલનું કહેવું છે કે કેટલીક કંપનીઓએ આવા અધિકારીઓની નિમણૂક કરી દીધી છે, કેટલીકે નથી કરી. જેમણે અધિકારી નથી મૂક્યા તેમની સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. "ક્રિમિનલ કાર્યવાહીની જોગવાઈ છે, પણ તેને લાગુ કરવામાં આવે છે કે નહીં અને રાજકીય ઇચ્છાશક્તિ છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે."
 
2009માં સ્થપાયેલી એનજીઓ એક્સેસ નાઉ દુનિયાભરમાં ડિજિટલ નાગરિક અધિકારોના બચાવ માટે કામ કરે છે. તેના સિનિયર આંતરરાષ્ટ્રીય સલાહકાર અને એશિયા પ્રશાંત નીતિના ડિરેક્ટર રમન ચીમા સાથે પણ બીબીસીએ આ મુદ્દે વાતચીત કરી હતી.
 
ચીમાના જણાવ્યા અનુસાર સરકારે જાહેર કરેલા નિયમો અભૂતપૂર્વ અને વ્યાપક છે. તેઓ કહે છે કે સરકારે માત્ર ટેલિકોમ કંપનીઓ, નેટવર્ક કંપનીઓ, સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ, સર્ચ એન્જિન કે સમાચાર વૅબસાઇટ માટે ડ્યૂ ડિલિજન્સની જરૂરિયાત કરવાની જરૂર હતી. તેની યોગ્ય વ્યાખ્યા કરવાની જરૂર હતી. "તેના બદલે આ સંકુલ વિષયની યોગ્ય વ્યાખ્યા કરવાના બદલે, સંસદમાં કાયદો લાવવાને બદલે નિયમો બનાવી દીધા, જેનો ઇરાદો ટેક્નિકલ પ્લેટફોર્મ વિરોધ ના કરે તેવો છે. તેઓ સરકારના અથવા રાજકીય આદેશો પાળવા માટે મજબૂર બની જાય તેવો છે."
 
ચીમા કહે છે કે આ સેક્ટરને ડરાવવા અને ધમકાવવાની કોશિશ છે. જે સમયે આ નિયમો લાવવામાં આવ્યા છે તે શંકાસ્પદ છે.
 
તેઓ કહે છે, "ટ્વીટર સાથે સરકારને વિવાદ થયો તેના ત્રણ જ અઠવાડિયામ બાદ આ કરવામાં આવ્યું છે. ટ્વીટરે કહ્યું છે કે તેની પાસે જ્યારે પણ માહિતી માગવામાં આવતી હતી, ત્યારે તે સરકારના કાયદા અનુસાર નહોતી."
 
 
બીજા દેશોમાં શું સ્થિતિ છે?
શું આવા નિયમો બીજા દેશોમાં છે ખરા? દુગ્ગલ કહે છે કે ભારતમાં તૈયાર કરવામાં આવેલા નિયમો જેવા નિયમો હાલમાં તો દુનિયામાં લગભગ ક્યાંય નથી.
 
તેઓ કહે છે, "અમેરિકાના મૉડલ અનુસાર સર્વિસ પ્રોવાઇડરને એક પાઇપ પ્રોવાઇડર માનવામાં આવે છે. તે પાઇપમાં શું વહી રહ્યું છે તેના માટે પ્રોવાઇડરને જવાબદાર જવાબદાર ગણી શકાય નહીં. તે રીતે અમેરિકામાં તેને કાયદેસરની જવાબદારીમાંથી મુક્તિ મળેલી છે."
 
ભારતે કહ્યું છે કે તમે કેટલીક મુખ્ય શરતો માની લેશો તો અમે તમને કાનૂની સુરક્ષા આપીશું. આ શરતો આ નિયમોમાં આવી ગઈ છે. તેનો અર્થ એ થયો કે તમે આમાંથી એક પણ નિયમનું પાલન નહીં કરો તો બે પ્રકારના પરિણામો આવી શકે છે. એક તો એ કે આઈટી ઍક્ટ હેઠળ કંપનીઓને કાનૂની જવાબદારીમાંથી મુક્તિ મળેલી છે તે જતી રહેશે અને બીજું કંપનીઓ પર ફોજદારી ગુના દાખલ થશે."
 
દુગ્ગલ માને છે કે ચેક એન્ડ બેલેન્સ વિના આ નિયમોનો દુરુપયોગ થવાની શક્યતા છે. આગામી દિવસોમાં કંપનીઓ માટે મુશ્કેલીઓ આવી શકે છે.
 
તેઓ કહે છે, "ઇકો સિસ્ટમને સુરક્ષિત, મજબૂત અને સ્થિર કરવા માટે એ જરૂરી છે કે આ નિયમો પર કેટલાક અંકુશો આવે. આ અંકુશો સરકાર પોતે લગાવે અથવા અદાલતે તે લાગુ પાડવા પડશે."
 
રમન ચીમાના જણાવ્યા અનુસાર સરકાર એ બાબતે બહુ ચિંતા છે કે ટેક્નિકલ પ્લેટફોર્મ પર અભદ્ર ભાષા અને કેટલીક સામગ્રીને પ્રતિબંધિત કરવા માટેનું દબાણ છે. આ દબાણના કારણે કેટલાક રાજકીય નેતાઓ પર પણ પ્રતિબંધ લાગી શકે છે.
 
તેઓ કહે છે, "ટૅક પ્લૅટફોર્મે ડોનાલ્ડ ટ્રમ્પને હઠાવી દીધા અને અભદ્ર ભાષાને પ્રોત્સાહન આપનારા કેટલાક રાજકીય નેતાઓ પર પણ પ્રતિબંધો મૂક્યા તેના કારણે ભારતમાં હલચલ મચી ગઈ છે."