ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (15:31 IST)

રવાન્ડા નરસંહાર : 'મારા પર સોથી વધુ પુરુષોએ બળાત્કાર કર્યો હતો, મારા પુત્રના પિતાના વિશે મને ખબર નથી'

ફ્લોરા ડ્રૂરી
બીબીસી ન્યૂઝ
 
ચેતવણી: આ લેખમાં આગળ થયેલું વર્ણન કેટલાક માટે વિચલિત કરનારું હોઈ શકે છે.
"પ્રાથમિક શાળાનું ભણતર પૂરું થયું તે પછી મારાં માતાપિતાનું નામ એક ફૉર્મમાં લખવાનું હતું.
ત્યારે મને પ્રથમ વખત સવાલ થયેલો કે મારા પિતા કોણ હતા. હું તેમને જાણતો નહોતો - હું તેમનું નામ પણ જાણતો નહોતો."
આ ઉપરોક્ત શબ્દો છે રવાન્ડાના 24 વર્ષના એક યુવાન જીન પિયરેના. જેમના માતા પર નરસંહાર વખતે બળાત્કાર થયો હતો.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં તેમના જીવનની પીડાની વાત જણાવી હતી.
ઘરમાં પિતાની હાજરી ના હોય તે બાબત બહુ અસાધારણ નહોતી. ઘણાં બધાં બાળકોના પિતા નહોતા.
રવાન્ડામાં 1994માં નરસંહાર થયો ત્યારે 8,00,000થી વધુ લોકોની હત્યા થઈ હતી.
Hand of Carine (not her real name) in RwandaBBC
મારો દીકરો મને પૂછતો રહેતો કે તેના પિતા કોણ છે. પરંતુ 100 કરતાં વધારે પુરુષોએ મારા પર બળાત્કાર ગુજાર્યો, એટલે હું કહી ન શકી કે તેના પિતા કોણ છે."
કેરિન
રવાન્ડા નરસંહારનાં પીડિતા
આ બાળકોએ ગામમાં થતી ગુસપુસ સાંભળી હતી અને તેમના વિશે શું કહેવાતું હતું તે પણ કાને પડ્યું હતું.
જોકે, વર્ષો બાદ જ ગુસપુસ પાછળની હકીકતોની જાણ તેમને થઈ હતી.
તેમનાં માતા કેરીને મક્કમતા સાથે કહ્યું હતું કે આ કથા એક સમયે જ બેસીને સાંભળી શકાય તેમ નથી.
કેરીન જણાવે છે, "તેને જુદીજુદી માહિતી મળી હતી. તેણે ગુસપુસ સાંભળી હતી. મારા સમાજમાં બધા લોકોને ખબર હતી કે મારા પર બળાત્કાર થયો હતો. હું તે બાબતમાં કશું કરી શકું તેમ નહોતી."
"મારો પુત્ર મને પૂછ્યા કરતો હતો કે તેના પિતા કોણ છે. 100 કે તેનાથી વધુ પુરુષોએ મારા પર બળાત્કાર કર્યો, તેમાંથી તેના પિતા કોણ હશે તે હું પણ કહી શકું એમ નથી."
 
'હું નાસી શકું તેમ નહોતી'
કેરીનની કથા સાંભળીએ ત્યારે ખ્યાલ આવે છે કે શા માટે સત્ય જણાવવા માટે તેમણે પોતાનો પુત્ર મોટો થઈ જાય ત્યાં સુધી રાહ જોવી પડી હતી.
કેરીન પર પહેલી વાર બળાત્કાર થયો ત્યારે તેઓ પણ યુવાન હતાં. તે વખતે હજારો સ્ત્રીઓ, વિશેષ કરીને ટુટ્સી સ્ત્રીઓ અને યુવતીઓ પર તેમના પડોશી હુટુ લોકોએ, મિલિશિયા (લોકોની સૈનિકો જેવી ટોળી) અને સૈનિકોએ બળાત્કાર કર્યો હતો.
તે વખતે નરસંહારની શરૂઆત જ થઈ હતી અને તેમના ચહેરા પર કુહાડીથી હુમલો થયો હતો તેનો ઘા પણ હજી તાજો હતો. આજે પણ તે ઘાને કારણે કેરીન સરખી રીતે જમી કે બોલી શકતાં નથી.
એક જમાનામાં એક સમુદાયમાં સાથે રહેનારા જ કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. તેમને ઢસડીને એક ખાડા પાસે લઈ ગયા હતા.
આ હુમલાખોરોએ એક શાળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને એકઠાં કરીને પદ્ધતિસર તેમની હત્યા કરી દીધી હતી અને તેની લાશોને ખાડામાં ખડકી રહ્યા હતા.
 
'મને વારંવાર મરી જવાનું મન થવા લાગ્યું'
તેમને ઊંડા ઘા પડ્યા હતા અને ભારે પીડા થઈ રહી હતી, પણ કેરીન હજીય જીવવા માગતાં હતાં.
તેના થોડા કલાક પછી સૈનિકોએ પણ તેમના પર હુમલો કર્યો હતો અને તેમના ગુપ્તાંગમાં વૃક્ષનાં ડાળખાં અને લાકડીઓ નાખીને તેમના પર અનહદ અત્યાચાર કર્યો હતો. તો પણ તેઓ જીવી જવા માગતાં હતાં.
તેના પછી બીજા એક જૂથે તેમના પર હુમલો કર્યો અને તેમના આખા શરીર પર બચકાં ભરી લીધાં હતાં. તે પછી કેરીનને લાગ્યું હતું કે હવે પોતે મરી જાય તો સારું.
"હવે મને થયું કે જલદી મરી જાઉં તો સારું. મને વારંવાર મરી જવાનું મન થવા લાગ્યું હતું."
જોકે, તેમની યાતનાની હજી શરૂઆત જ થઈ હતી. તેમને હૉસ્પિટલ લઈ જવાયાં હતાં અને સારવાર ચાલી રહી હતી.
જોકે, તે હૉસ્પિટલ પર પણ હુટુ મિલિશિયા (લોકોની સૈનિકો જેવી ટોળી)એ કબજો કરી લીધો.
તેઓ કહે છે, "હું ત્યાંથી ભાગી શકી નહીં. બધું પડી ભાગ્યું હતું એટલે હું નાસી શકી નહીં."
"જેને સેક્સની ઇચ્છા થાય તે મારી સાથે આવીને કરી શકતા હતા. કોઈને પેશાબ કરવાનું મન થાય તો મારા પર આવીને કરતા હતા."
આખરે બળવાખોર રવાન્ડન પેટ્રિયોટિક ફ્રન્ટે હૉસ્પિટલને હુટુના કબજામાંથી મુક્ત કરાવી.
તે પછી કેરીનને યોગ્ય સારવાર મળી શકી હતી. બાદમાં તેમને પોતાના ગામે પાછા જવાની રજા આપવામાં આવી હતી.
તેઓ માનસિક રીતે પડી ભાંગ્યાં હતાં અને અશક્ત થઈ ગયાં હતાં, હજીય ઘા રુઝાયા નહોતા પણ બચી ગયાં હતાં.
તપાસ થઈ ત્યારે ખબર પડી કે તે સગર્ભા છે ત્યારે ડૉક્ટરો પણ ચોંકી ગયા હતા.
 
'ત્યજી દેવાયેલાં બાળકો'
"મારું શરીર સાવ નબળું પડી ગયું હતું એટલે હું પૂછવા લાગી હતી કે હવે મારે શું કરવું. હવે શું થશે તેની કશી કલ્પના પણ કરી શકું તેમ નહોતી.
"બાળક જન્મ્યું ત્યારે મને ના સમજાયું કે આમ કેમ થયું. હું માની જ ના શકી કે આ મારું સંતાન છે."
"શું બન્યું હતું તેના વિશે હું સતત વિચાર્યા કરતી હતી. જન્મ પછી મેં શિશુને મારી પાસે જ રાખ્યું - જોકે મને તેના માટે માતૃત્વભાવ જાગતો નહોતો."
છેલ્લાં 25 વર્ષમાં લગભગ આવી જ કથાઓ રવાન્ડાનાં અનેક બાળકોને સંભાળવામાં આવી છે.
કથાની વિગતોમાં થોડો ફેરફાર હોઈ શકે, પણ આવી જ યાતનાની તે કથાઓ હતી અને ભાગ્યે જ જાહેરમાં આ વિશે ક્યારેય વાત થતી હતી.
સેમ મુન્ડેરેરે કહે છે, "બળાત્કાર ટેબૂ (શાપિત કે કલંકિત સમાન) ગણવામાં આવે છે. મોટા ભાગના કેસમાં પુરુષોના બદલે, સ્ત્રીઓ માટે જ શરમજનક ગણાય છે."
 
રવાન્ડામાં નરસંહાર
6 એપ્રિલ 1994રાષ્ટ્રપતિ હાબયારિમાનાનું એક વિમાન અકસ્માત દરમિયાન મૃત્યુ
100 દિવસમાં હુતુ ઉગ્રવાદીઓએ 8 લાખ તુત્સી- ઉદારવાદી હુતુને મારી નાખ્યા
4 જૂલાઈ 1994લડાકુઓએ રાજધાની કિગાલી પર કબજો મેળવ્યો.
20 લાખહુતુ ડરના કારણે ઝૈર જતા રહ્યા જે હવે DR કૉંગો તરીકે ઓળખાય છે
93લોકોને યૂએનએ દોષિત ગણાવ્યા
12,000કોર્ટમાં 12 લાખ કેસ
 
તેમના જણાવ્યા અનુસાર બળાત્કાર સાથે જોડાયેલા કલંકના કારણે ઘણી વાર સંબંધીઓ માતાઓને બાળકોને ત્યજી દેવા માટે કહેતા હોય છે. ઘણા બધા કિસ્સામાં લગ્નો પડી ભાંગ્યાં હતાં.
તેઓ કહે છે, "શક્ય હોય ત્યાં સુધી ભોગ બનેલી સ્ત્રીઓ વાતને ખાનગી રાખતી હતી. તેના કારણે જ્યાં-પિયરેના કિસ્સામાં બન્યું હતું તેમ ફૉર્મ ભરવાની વાત આવે ત્યારે જ તેમને ખ્યાલ આવે કે કેવા સંજોગોમાં તેમનો જન્મ થયો હતો."
"હવે સમસ્યા એ છે કે માતા સંતાનોને કેવી રીતે કહે કે નરસંહાર બાદ તમારો જન્મ થયો હતો. 'સામૂહિક હત્યાકાંડમાં તારા પિતા માર્યા ગયા હતા,' તેવું કહી દેવું વધારે સરળ પડતું હતું.
"જોકે, સંતાનો મોટાં થવાં લાગે એટલે વધુ સવાલો પૂછવા લાગે. તેના કારણે આખરે માતાએ મજબૂર થઈને તથ્ય જણાવવું પડતું હોય છે."
છેલ્લાં ઘણાં વર્ષોથી માતાઓ પોતાની વાત સંતાનો સમક્ષ કઈ રીતે તબક્કા વાર મૂકે તે માટે ફાઉન્ડેશન રવાન્ડા મદદ કરતું આવ્યું છે.
જોકે, મુન્ડેરેરે સ્વીકારે છે તે રીતે તથ્યકથનને કારણે માનસિક યાતના ઊભી થઈ શકે છે.
તેઓ કહે છે, "આની અસર વર્ષો સુધી રહી શકે છે. પેઢી દર પેઢી સુધી તેની અસર રહી શકે છે."
પોતાના પિતા વિશેની વાત પતિથી છૂપાવી રહેલી એક યુવતીની કથની યાદ કરીને તેઓ આવું જણાવી રહ્યા છે.
તે યુવતીનું કહેવું હતું કે આ વાતની જાણ પતિને થશે તો તેમનું લગ્નજીવન પડી ભાંગશે.
એક માતાનો કિસ્સો એવો હતો કે તે પોતાની દીકરી સાથે દુર્વ્યવહાર કરતી હતી. તેમને લાગતું હતું કે તેની દીકરી 'આવી રીતે જન્મી હતી' એટલે જ બહુ તોફાની થઈ છે.
આ ઉપરાંત કેરીન જેવી પણ ઘણી બધી માતાઓ હોય છે, જેઓ પોતાનાં સંતાનો માટે લાગણી અનુભવી શકતા નહોતાં. આ સ્થિતિને કારણે લાંબા ગાળે શું થશે તે હજી સુધી સમજી શકાયું નથી.
મુન્ડેરેરે કહે છે, "એવાં પરિણામો પણ આવી શકે છે, જેનો આપણે હજી વિચાર કર્યો નથી."
"યુવાન પેઢી સામે પણ પોતાના પડકારો છે. અમે શક્ય એટલા પ્રયાસો કરી રહ્યા છીએ કે સમાજમાં તેઓ ગોઠવાઈ શકે. તેઓ રવાન્ડાના બીજા યુવાનો જેવા જ છે એવી લાગણી તેમનામાં જગાડવા કોશિશ કરી રહ્યા છીએ."