ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By રાજેશ પ્રિયદર્શી|
Last Modified: મંગળવાર, 9 એપ્રિલ 2019 (10:14 IST)

ભાજપનો ચૂંટણીઢંઢેરો 2019 : સૌથી મોટું વચન મોદી ખુદ છે

વર્ષ-2014માં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'થી ભાજપની મુસાફરી શરૂ થઈ, જે સફર વર્ષ-2019માં 'મોદી છે, તો શક્ય છે' સુધી પહોંચી છે. ફરી વડા પ્રધાન બનવાનો સંકલ્પ લેવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2022માં દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂર્ણ થશે, એટલે પાર્ટીએ તેના સંકલ્પપત્રમાં 75 વચન આપ્યાં છે, જેને પૂર્ણ કરવાની દિશામાં સરકાર કામ કરશે.
નેતા ચાહે ગમે તે પાર્ટીનો હોય, ચૂંટણી પૂર્વે અનેક વચનો આપે છે અને મોટાભાગનાં વચનો પૂર્ણ થતાં નથી. આ બાબતમાં ભાજપ કે કૉંગ્રેસ કોઈ અપવાદ નથી. મોદીએ કહ્યું કે આમ તો આ મૅનિફેસ્ટો 2024 માટે છે, પરંતુ "કાર્યકાળના મધ્યમાં 2022માં મૂલ્યાંકન થઈ શકશે."
 
ગત વખતે ભાજપે કેટલાં વચનો આપ્યાં, કેટલા અધૂરાં છે અને કેટલાં પૂર્ણ કર્યાં તે જાણવા માટે મોદી સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ અહીં વાંચો.
2014 અને 2019ના ચૂંટણીઢંઢેરાની સરખામણી કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે પાંચ વર્ષના ગાળામાં અનેક વખત લક્ષ્યાંક બદલવામાં આવ્યાં છે.
 
2014નો ચૂંટણીઢંઢેરો બહાર પાડતી વખતે ઉપરોક્ત વીડિયોમાં મોદીને એમ કહેતા સાંભળી શકાય છે, "આ મૅનિફેસ્ટોમાં અમે જેટલી વાતો કહી છે, તેને અમે 60 મહિનામાં પૂર્ણ કરીશું અને તેને પાર પાડવામાં કોઈ કસર નહીં છોડીએ, અમે તેને પૂર્ણપણે હાંસલ કરીશું."
2014માં વડા પ્રધાનપદના ઉમેદવાર મોદીએ સેંકડો વાયદા કર્યા હતા, જેની સરખામણીએ આ વખતે ચૂંટણીઢંઢેરો માત્ર 50 પાનાંનો છે.
કદાચ એ સમીક્ષા થવી જોઈએ કે નવું શું આવ્યું, જૂનું શું ગાયબ થયું તથા શું યથાવત્ છે. સૌથી પહેલા નજર નાખીએ ભાજપના ત્રણ શાશ્વત મુદ્દાઓ ઉપર - ભવ્ય રામમંદિરનું નિર્માણ, કાશ્મીરમાંથી 370ની નાબુદી અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો.