રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 મે 2024 (07:55 IST)

પાપુઆ ન્યૂ ગિની: ભૂસ્ખલન બાદ હજારો લોકો લાપતા હોવાની આશંકા

ભયંકર ભૂસ્ખલનની આ ઘટના બાદ પાપુઆ ન્યૂ ગિનીના નેશનલ ડિઝાસ્ટર સેન્ટરના ડાયરેક્ટરે એક પત્રમાં જણાવ્યું છે કે 2000થી વધુ લોકો આ ઘટના બાદ ફસાયા છે.
 
સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ ગઈકાલે જણાવ્યું હતું કે પાપુઆ ન્યૂ ગિનીમાં ભયંકર ભૂસ્ખલનને કારણે લગભગ 670 લોકો ફસાયા હોવાનું અનુમાન છે.
 
આ આંકડો હજુ પણ વધે તેવી આશંકા સેવાઈ રહી છે. ચોક્કસ આંકડાઓ મેળવવામાં હજુ વાર લાગી શકે છે કારણ કે કેટલીક જગ્યાએ 10 મીટર જેટલો કાટમાળ છે.
 
પાપુઆ ન્યૂ ગિનીમાં ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશનના અધ્યક્ષ સેરહાન એક્તોપ્રાકે કહ્યું કે દેશમાં દૂર આવેલા એન્ગા પ્રાંતમાં શુક્રવારે બનેલી ભૂસ્ખલનની ઘટના ઘાર્યા કરતાં વધારે ભયાનક છે.
 
એક્તોપ્રાકે જણાવ્યું કે લગભગ 150થી વધારે ઘરો ભૂસ્ખલનને કારણે દબાઈ ગયાં છે.
 
આ ઘટનામાં અસરગ્રસ્ત વિસ્તાર દક્ષિણ પશ્ચિમ મહાસાગરમાં આવેલા આઇલૅન્ડ પાપુઆ ન્યૂ ગિનીમાં ઉત્તરે ઊંચાઈ પર આવેલો એન્ગા પ્રાંત છે.
 
એક્તોપ્રાકે કહ્યું કે બચાવકર્મીઓ પર પણ હજુ જોખમ છે કારણ કે જમીન હજી પણ ખસી રહી છે.
 
તેમણે કહ્યું કે પાણી વહી રહ્યું છે અને આ કારણે બચાવકાર્યમાં સામેલ લોકો પર પણ જોખમ તોળાઈ રહ્યું છે.
 
આ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારમાં લગભગ ચાર હજાર લોકો રહે છે.
 
જોકે, બચાવકાર્યમાં મદદ કરનારી કૅર ઑસ્ટ્રેલિયાએ એજન્સીએ ચેતવણી આપી છે કે ફસાયેલા લોકોની સંખ્યાનો આંકડો વધી શકે છે. કારણ કે ઘણા લોકો પાડોશી વિસ્તારોમાં ચાલી રહેલા આદિવાસીઓ વચ્ચેના સંઘર્ષોથી બચવા માટે મોટી સંખ્યામા લોકો અહીં આવ્યા હતા.
 
આ પ્રાકૃતિક આપત્તિને કારણે લગભગ એક હજાર લોકોએ સ્થળાંતર કર્યું હતું. એક્તોપ્રાકે કહ્યું કે જે બગીચાઓમાં પાક ઉગાડવામાં આવતો હતો તે બગીચાઓ અને પાણીના પુરવઠાની વ્યવસ્થા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે.

 
આ ભૂસ્ખલન શુક્રવારે 24મે ના રોજ સ્થાનિક સમય પ્રમાણે ત્રણ વાગ્યે થયું હતું. એ સમયે મોટાભાગના લોકો તેમનાં ઘરોમાં ઊંઘી રહ્યા હતા.
 
કૅર ઑસ્ટ્રેલિયાના પ્રવક્તાએ કહ્યું, "ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોની ચોક્કસ સંખ્યા વિશે અમને ખ્યાલ નથી અને થોડા સમય સુધી તેની તપાસ કરવી મુશ્કેલ છે."
 
"જે સમયે ભૂસ્ખલન થયું તેનાથી લાગે છે કે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હજુ પણ વધી શકે છે."
 
એક્તોપ્રાકે કહ્યું કે પીડિતોને બહાર કાઢવા માટે બચાવકર્મીઓ જે પણ સંભવ છે એ બધું જ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, "લોકો કાટમાળ હઠાવવા માટે અને મૃતદેહોને બહાર કાઢવા માટે પાવડા, કોદાળી અને કૃષિ કામમાં ઉપયોગમાં લેવામાં આવતાં દરેક ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યાં છે."