રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 એપ્રિલ 2019 (15:48 IST)

નીતિન પટેલ ફક્ત મહેસાણા મોરચાના સેનાપતિ કેમ બની ગયા છે?

ગુજરાતની કઈ બેઠક ઉપર રસાકસી જોવા મળશે એની યાદી જોવામાં આવે તો મહેસાણા ટોચ પર આવે.
પાટીદાર અનામત આંદોલનનું ઍપિસેન્ટર, નારાજ નીતિન પટેલ અને ભાજપની આંતરિક જૂથબંધી સહિતનાં પરિબળો આ બેઠક પરના જંગને વધુ રસપ્રદ બનાવે છે.
પાટીદાર પરીબળને ધ્યાને લેતા ભાજપ અને કૉંગ્રેસ બંનેએ પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
2થી 282 બેઠક સુધીની ભાજપની સફરમાં મહેસાણાનું સ્થાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે.
1984માં ભાજપનો માત્ર બે બેઠક ઉપર વિજય થયો હતો, જેમાં મહેસાણાની બેઠક સમાવિષ્ટ હતી.
 
 
પટેલ વિરુદ્ધ પટેલ
ભાજપે મહેસાણાની બેઠક ઉપરથી શારદાબહેન પટેલને ટિકિટ આપી છે. તેમના પતિ અનિલભાઈ પટેલના મૃત્યુ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને તેમની સાથેની જૂની તસવીર શૅર કરી હતી.
 
અનિલભાઈ પટેલે મહેસાણા અર્બન કો-ઑપરેટિવ બૅન્ક, ગણપત યુનિવર્સિટી, ઉમિયા માતા સંસ્થાનના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
 
ભાજપની આંતરિક જૂથબંધીની વચ્ચે શારદાબહેન પટેલની ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. તેઓ પાટીદાર સમાજને લગતી અલગ-અલગ સેવાસંસ્થાઓ સાથે જોડાયેલાં છે.
ભાજપ અને કૉંગ્રેસનાં મહિલા ઉમેદવારોની યાદીમાં શારદાબહેન સૌથી વધુ મિલકત ધરાવનારાં ઉમેદવાર છે.
તેમણે રૂ. 37 કરોડ 47 લાખની સંપત્તિ જાહેર કરી છે, જ્યારે આવક રૂ. 9 લાખ 43 હજારની દર્શાવી છે.
કૉંગ્રેસે આ બેઠક ઉપરથી એ. જે. પટેલને ઉમેદવાર બનાવ્યા છે, તેઓ '84 ગામ પાટીદાર સંસ્થા'ના સ્થાપક છે, જે પાટીદાર સમાજની પ્રભાવશાળી સંસ્થા છે. આ સિવાય તેઓ સિકોતર માતા સેવા ટ્રસ્ટ અને ગુજરાત અંબુજા બૅન્ક લિમિટેડ સાથે સંકળાયેલા છે.
અભ્યાસે મિકૅનિકલ એન્જિનિયર પટેલ નિવૃત્ત સરકારી અધિકારી છે અને તેમણે અલગ-અલગ વિભાગોમાં કામ કર્યું હતું.
વરિષ્ઠ પત્રકાર કાના બાંટવા કહે છે, "નીતિન પટેલને 'વન સીટ મિશન' ઉપર લગાડવામાં આવ્યા છે. પટેલ મહેસાણાને સારી રીતે સમજે છે, એટલે તેમને આ બેઠક જીતવાનું મિશન સોંપવામાં આવ્યું છે."