શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ગયા અઠવાડિયે ઈસ્ટર રવિવારે અલગ-અલગ ચર્ચ અને હોટલોમાં થયેલા વિસ્ફોટોમાં લગભગ 250 લોકોનાં મૃત્યુ થયાં છે. અત્યાર સુધીની તપાસના આધારે તમામ હુમલાખોર મુસ્લિમ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ નેગોમ્બોના સૅન્ટ સેબેસ્ટિયન ચર્ચ પાસે રહેતા સેંકડો પાકિસ્તાની અહેમદિયા મુસલમાનો મસ્જિદોમાં શરણ લઈ રહ્યા છે.
નેગોમ્બોના સૅન્ટ સેબેસ્ટિયન ચર્ચમાં થયેલા બૉમ્બ ધડાકામાં ઘણા લોકો માર્યા ગયા હતા. હવે આ અહેમદિયા મુસલમાનોને ડર લાગી રહ્યો છે કે સ્થાનિક લોકો ધર્મના કારણે તેમના પર હુમલો કરી શકે છે. અત્યાર સુધી 200થી વધુ અહેમદિયા મુસ્લિમોએ ફૈજુલ મસ્જિદમાં આશરો લીધો છે. આ મસ્જિદ શ્રીલંકામાં મોજૂદ પાંચ અહેમદિયા મસ્જિદોમાંની એક છે. અન્ય ચાર કોલંબો, પેસાલાઈ, પુથલમ અને પોલાનારુવામાં આવેલી છે.
મસ્જિદમાં શરણ
મોટા ભાગના લોકોએ જે ઘર ભાડે રાખેલાં હતાં તે કૅથલિક ખ્રિસ્તીઓનાં હતાં, પરંતુ હવે નિશાન બનાવવામાં આવશે એવા ડરથી આ લોકો મસ્જિદમાં આશરો લઈ રહ્યા છે.
21 તારીખે થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ 24 એપ્રિલથી જ આ વિસ્તારમાં તણાવનો માહોલ થવાનો શરૂ થઈ ગયો હતો. આ વિસ્તારમાં રહેતા યુવાન હબિસ રબ્બા શોએબ કહે છે, "જ્યારથી બૉમ્બ ધડાકા થયા ત્યારથી સ્થાનિક લોકો અમને વધુ નફરત કરવા લાગ્યા છે."
"મારું ઘર ચર્ચથી થોડું જ દૂર છે. આ વિસ્ફોટો બાદ મારા મકાનમાલિક બહુ ડરેલા હતા. તેમણે મને ઘર ખાલી કરવા કહ્યું. હું 13 હજાર રૂપિયા ભાડું આપતો હતો."
"અમારામાંથી ઘણા લોકોએ છ મહિનાથી લઈને એક વર્ષનું ઍડ્વાન્સ ભાડું આપી દીધું હતું. આ સ્થિતિમાં અમને ઘર ખાલી કરવાનું કહે તો અમે શું કરીએ."
સંયુક્ત રાષ્ટ્રની મદદથી આ વિસ્તારમાં 800થી વધુ અહેમદિયા મુસ્લિમો રહે છે. નેગોમ્બોના આ વિસ્તારને અહેમદિયા મુસ્લિમોના યુરોપ અને અમેરિકા જવાના રસ્તા તરીકે જોવામાં આવે છે. પાકિસ્તાનથી આવ્યા પછી અહીંથી જ તેઓ યુરોપીયન દેશો અને અમેરિકામાં શરણની માગ કરે છે. આ વિસ્તારમાં અમુક વર્ષ વિતાવ્યાં પછી તેઓ યુરોપીયન દેશોમાં શરણાર્થી તરીકે જતા રહે છે.
પાકિસ્તાનમાં પણ અહેમદિયા મુસ્લિમાનોને ભેદભાવનો સામનો કરવો પડે છે, તેમને મુસ્લિમ માનવામાં આવતા નથી. નેગોમ્બોમાં રહેતા લાહોરના આમિર પરેશાન છે. આમિરે કહ્યું, "રાત્રે શ્રીલંકાના લોકોએ અમને ડરાવ્યા-ધમકાવ્યા. અમને કહ્યું કે તમે પાકિસ્તાની છો, અહીંથી ચાલ્યા જાઓ. ત્યારે અમે બહુ પરેશાન થઈ ગયા હતા."
આમિર નેગોમ્બો વિસ્તારમાં 2015થી રહે છે. તેમના મકાન માલિક ખ્રિસ્તી છે અને તેમને ડર હતો કે લોકો આમિર અને તેમના પરિવાર પર હુમલો કરી શકે છે. તેથી આમિરે પોતાનાં પત્ની અને બાળકો સાથે તેમનું ઘર છોડીને મસ્જિદમાં જવાનો નિર્ણય કર્યો.
તેઓ કહે છે, "આજે મેં અમેરિકન દૂતાવાસમાં ઇન્ટરવ્યૂ આપ્યો છે, પરંતુ બૉમ્બ ધડાકાના કારણે તે સ્વીકારાયો નહીં. મને ખબર નથી હવે પછી ક્યારે ઇન્ટરવ્યૂ થશે."
શું આ વિસ્તારમાં રહેતાં અન્ય મુસલમાનોને પણ અહેમદિયા મુસલમાનો જેવો ડર છે?
ફૈજુલ મસ્જિદના ઇબ્રાહિમ રહમતુલ્લા કહે છે, "અમે ઘણાં વર્ષોથી અહીં રહીએ છીએ એટલે અમને લોકો ઓળખે છે. આ લોકો વિદેશથી આવ્યા છે એટલે તેમના માટે એ ડરનું કારણ છે."
ફૈજુલ મસ્જિદ નાની છે તેથી કર્મચારીઓ તેમને પેસોલે મસ્જિદ મોકલી રહ્યા છે, જે વધુ સુરક્ષિત જગ્યા છે. હવે તેની સુરક્ષા સેના અને પોલીસ કરી રહી છે.
અમુક વખત તો એક સાથે 60થી વધુ લોકો બસમાં બેસીને શરણ લેવા અહીં પહોંચી રહ્યા છે. હાલની સ્થિતિ એવી છે કે અહેમદિયા મુસલમાનો ઘરવખરી પડતી મૂકીને અનિશ્ચિત ભવિષ્યની યાત્રા પર નીકળી ચૂક્યા છે.