રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By રેહાન ફઝલ|
Last Modified: બુધવાર, 24 એપ્રિલ 2019 (09:51 IST)

પ્રથમ ગુજરાતી વડા પ્રધાન જેમના પર પાકિસ્તાનને પ્રેમ હતો

બીબીસી સંવાદદાતા
 
જવાહરલાલ નહેરુના મંત્રી એમ.ઓ. મથાઈ એક મિત્ર સાથે કુતુબમિનાર ફરવા ગયા હતા.
મોરારજી દેસાઈ કેવા પ્રકારના માણસ છે એવો સવાલ તેમણે મથાઈને પૂછ્યો હતો.
મથાઈનો જવાબ હતો, "પેલો લોખંડનો થાંભલો જુઓ છો? તમે બસ એને ગાંધી ટોપી પહેરાવી દો એટલે તમારી સામે મોરારજી દેસાઈ હાજર... શરીર અને મગજ... બંને રીતે એકદમ સીધાસટ અને કડક."
નહેરુએ પણ મથાઈને કહ્યું હતું કે ભારતીય રાજકારણમાં સૌથી કડક બે લોકો સાથે તેમને પનારો પડેલો. એક હતા પુરુષોત્તમદાસ ટંડન અને બીજા મોરારજી દેસાઈ.
1977થી 1979 સુધી ભારતના વડા પ્રધાન રહેલા મોરારજી દેસાઈ માટે કહેવાતું કે તેઓ અત્યંત કડક સ્વભાવના ગાંધીવાદી અને બહુ જ પ્રામાણિક હતા.
તેમના પર જમણેરી હોવાનો આક્ષેપ લાગેલો ત્યારે હસતાં હસતાં કહેલું, "હા, હું રાઇટિસ્ટ છું, કેમ કે આઈ બિલીવ ઇન ડુઇંગ થિંગ્સ રાઇટ."
 
ભારતના રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા રાખવી યોગ્ય માનવામાં આવતી નથી. જાહેરમાં પોતાની મહત્ત્વાકાંક્ષા વ્યક્ત કરાય જ નહીં.
જોકે, મોરારજીભાઈ ક્યારેય વડા પ્રધાન બનવાની પોતાની ઇચ્છાને છુપાવીને નહોતા રાખતા.
નહેરુના નિધન પછી જાણીતા પત્રકાર કુલદીપ નૈયર મોરારજી દેસાઈને મળ્યા હતા અને તેમને લાલબહાદુર શાસ્ત્રીનો સંદેશો આપ્યો હતો કે 'જો તમે જયપ્રકાશ નારાયણ કે ઇંદિરા ગાંધીમાંથી કોઈ એકના નામ પર સહમત થઈ જાવ તો હું વડા પ્રધાન માટેની ચૂંટણી નહીં લડું.'
નૈયરે શાસ્ત્રીનો સંદેશો મોરારજીભાઈને સંભળાવ્યો તો તેમણે તરત જ કહી દીધું કે, "જયપ્રકાશ નારાયણ? તેઓ ભ્રમિત માણસ છે... અને ઇન્દિરા ગાંધી? ધેટ ચીટ ઑફ અ ગર્લ."
મોરારજીભાઈના પુત્ર કાન્તિ દેસાઈએ પણ નાયરને કહ્યું, "તમારા શાસ્ત્રીજીને કહેજો કે બેસી જાય. મોરારજી દેસાઈને તેઓ હરાવી નહીં શકે."
 
કુલદીપ નૈયરે ઑફિસે આવીને યુએનઆઈ માટે પોતાનો અહેવાલ તૈયાર કરી નાખ્યો, જેનું શીર્ષક હતું- "સ્પર્ધામાં સૌ પહેલાં ઊતર્યા છે મોરારજી દેસાઈ."
આ અહેવાલની અસર એવી થયેલી કે બીજા દિવસે સંસદભવનમાં કામરાજે કુલદીપ નૈયરના કાનમાં કહેલું, "થેન્ક યૂ."
શાસ્ત્રીએ પણ નૈયરને બોલાવીને કહ્યું કે, "હવે બીજા અહેવાલો આપવાની જરૂર નથી. મુકાબલો પૂરો થઈ ગયો છે."
આવો અહેવાલ આપવા બદલ મોરારજી દેસાઈએ કુલદીપ નૈયરને ક્યારેય માફ કર્યા નહોતા.
જોકે, નૈયરે મોરારજીભાઈને સમજાવવા કોશિશ કરેલી. આ સ્થિતિ માટે તેમણે તેમના સમર્થકોને દોષ આપવો જોઈએ.
નહેરુની અંત્યેષ્ટિના દિવસથી જ સમર્થકો એવું કહેવા લાગ્યા હતા કે વડા પ્રધાનપદ હવે તે લોકોના ખિસ્સામાં છે.
મોરારજી દેસાઈએ જાહેરમાં વડા પ્રધાન બનવાની ઇચ્છા વ્યક્ત કરતાં માહોલ તેમની વિરુદ્ધ થઈ ગયો અને લાલબહાદુર શાસ્ત્રીને ભારતના નવા વડા પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા.
 
વડા પ્રધાન બનાવવામાં જયપ્રકાશ નારાયણની ભૂમિકા
1977માં ઇંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં અને જનતા પક્ષ સત્તામાં આવ્યો ત્યારે આખરે મોરારજી દેસાઈ ભારતના ચોથા વડા પ્રધાન બની શક્યા.
આચાર્ય કૃપલાણી અને જયપ્રકાશ નારાયણે તેમને વડા પ્રધાન બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
કુલદીપ નૈયર કહે છે કે, "જનતા પાર્ટીમાં જગજીવન રામ માટે સૌથી વધારે સમર્થન હતું, પરંતુ જેપીએ પોતે મને જણાવેલું કે જગજીવન રામે સંસદમાં કટોકટી માટેનો ઠરાવ મૂક્યો હતો. તેથી તેમને વડા પ્રધાન બનાવવાનો સવાલ જ ઊભો થતો નહોતો."