શિશિર સિન્હા
'પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા.'
આર્થિક સર્વેક્ષણ 2018-19નો મૂળ સંદેશ બજેટનું પણ મુખ્ય વાક્ય બની ગયું અને હવે મોદી 2.0ના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન આર્થિક રણનીતિનું પણ. જોકે આ કોઈ પહેલી વાર નથી, જ્યારે આર્થિક સર્વેક્ષણનું મુખ્ય વાક્ય સામાન્ય બજેટમાં મુખ્ય હોય. યાદ કરો 'જૈમ'ને. આર્થિક સર્વૅક્ષણ 2014-15માં દરેક આંખનું આંસુ લૂછવાના સમાધાનના રૂપમાં 'જૈમ' એટલે JAMની વાત કરાઈ હતી. 'જે'નો અર્થ જનધન ખાતું અને 'એ'નો અર્થ આધારકાર્ડ અને 'એમ'નો અર્થ મોબાઇલ ફોન કનેક્શન.
2015-16ના સામાન્ય બજેટમાં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ 'જૈમ'ના આધારે સરકારી યોજનાઓનો ફાયદો સીધેસીધો લાભાર્થીઓને આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આજે સરકાર દાવો કરી રહી છે કે કેન્દ્ર સરકારનાં 55 મંત્રાલય અને વિભાગોની 439 યોજનાના માધ્યમથી અત્યાર સુધીમાં સાડા સાત લાખ કરોડ રૂપિયા સીધેસીધા લાભાર્થીઓનાં ખાતાંમાં નાખવામાં આવ્યા છે અને તેનાથી લગભગ 1.41 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે.
આ એક મહત્ત્વનું ઉદાહરણ છે કે કેવી રીતે આર્થિક સર્વેક્ષણની સૂચન આર્થિક રણનીતિનો મુખ્ય હિસ્સો બને છે. જ્યારે 'જૈમ'ની અવધારણા પહેલી વાર સામે રાખવામાં આવી તો સૌથી પહેલાં એ આશંકા વ્યક્ત કરવામાં આવી કે શું એક જ ઝાટકે વર્ષોથી ચાલી આવતી આ વ્યવસ્થાને સરળતાથી બદલી શકાશે? જોકે સરકારી દાવાને માનીએ તો વ્યવસ્થા બદલાઈ છે.
આર્થિક સર્વેક્ષણ અને પછી સામાન્ય બજેટમાં પાંચ ટ્રિલિયન ડૉલરના લક્ષ્યને મહત્ત્વ અને તેને આધારે રણનીતિનું માળખું સામે રાખ્યા બાદ એ સવાલ થાય કે શું માર્ચ 2025 સુધી ભારત આ લક્ષ્યને પ્રાપ્ત કરી શકશે? અહીં એ નોંધવું જોઈએ કે પાંચ ટ્રિલિયન ડૉલરના લક્ષ્યની વાત સૌથી પહેલાં નરેન્દ્ર મોદીએ સામે રાખી હતી. પાંચ ટ્રિલિયન ડૉલરનો મતલબ 340 લાખ કરોડ રૂપિયાથી 375 લાખ કરોડ રૂપિયાની અર્થવ્યવસ્થા. મોદી પણ માને છે કે આ પડકારજનક લક્ષ્ય છે.
હવે એ જાણવું જરૂર છે કે તેના માટે આધાર શું છે
એ માટે તમારે આર્થિક સર્વેક્ષણના પહેલા અધ્યાયને ઝીણવટથી જોવો પડશે, કેમ કે ઝીણા અક્ષરોમાં પેજનંબર 04 નીચે અંગ્રેજીમાં કેટલાંક વાક્યો લખ્યાં છે. બોલચાલની ભાષામાં સમજીએ તો આ વાક્યોમાં અનેક 'જો' છે. એટલે જો નિકાસ વધે, ઉત્પાદન વધે, જો રૂપિયાની કિંમત ઘટે, જો જીડીપી વધવાનો વાસ્તવિક દર (જીડીપી વધવાના સાંકેતિક દરથી મોંઘવારીનો દર ઘટ્યા બાદ) 8 ટકા રહે અને જો મોંઘવારી દર 4 ટકાની આસપાસ રહે તો અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડૉલર એટલે કે 375 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે.
અહીં એક ડૉલરની કિંમત 75 રૂપિયા રહે તેવું અનુમાન છે, જ્યારે આજની તારીખે સરેરાશ કિંમત 68 રૂપિયા આસપાસ છે. બજેટના દસ્તાવેજોના મધ્યમાં રાજકોષીય નીતિ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજોમાં કેટલીક પંક્તિઓ લખેલી છે, જેનો અર્થ એ કે સર્વેક્ષણમાં 2019-20માં જીડીપી વધવાનો વાસ્તવિક દર 7 ટકા રહે તેવું અનુમાન કરાયું છે અને બજેટના દસ્તાવેજ કહે છે કે 2020-21માં આ દર 7.3 ટકા અને 2021-22માં 7.5 ટકા રહેવાનું અનુમાન છે.
એટલે કે પાંચ ટ્રિલિયન ડૉલર માટે નક્કી સમયાવધિનાં શરૂઆતનાં ત્રણ વર્ષમાં વિકાસદર 7થી 7.5 ટકા વચ્ચે રહેશે. આથી હવે બાકીનાં ત્રણ વર્ષ 2022-23, 2023-24 અને 2024-25માં વિકાસદર 8 ટકાથી ઘણો વધુ અને એટલે સુધી બે અંકમાં હોવો જોઈએ. ત્યારે જ લક્ષ્ય હાંસિલ થઈ શકે છે. એ સવાલ સ્વાભાવિક છે કે શું લક્ષ્ય વધુ મહત્ત્વાકાંક્ષી તો નથી ને?
જવાબ છે, હાં. એનાં કારણો છેઃ
1. સમસ્યા એ છે કે વિશ્વ આખામાં વિકાસદરની ગતિ ધીમી પડી રહી છે.
2. બીજું કે અન્ય દેશોમાં ઉપભોક્તા માગ અને રોકાણ માગમાં હજુ પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
3. ત્રીજી વાત એ કે જળવાયુ પરિવર્તને ચોમાસાની પૅટર્નને બગાડી નાખી છે, જેનો ભારતીય કૃષિને ભોગ બનવું પડે છે.
4. ચોથી વાત એ કે ભારતીય અર્થવ્યવસ્થામાં સૌથી મોટો હિસ્સો ધરાવતા સેવાક્ષેત્રની હાલત સારી નથી.
5. પાંચમી વાત એ કે ક્રૂડઑઈલ મુદ્દે પ્રવર્તતી અનિશ્ચિતતા હજુ સુધી ખતમ થતી નજરે ચડતી નથી.
મતલબ એ કે અર્થવ્યવસ્થા સામેના પડકારો સતત વધી રહ્યા છે અને જ્યારે આઠ ટકા પર સવાલ ઊઠતાં હોય તો બે અંકના વિકાસદરની વાત તો બહુ દૂર છે.
લક્ષ્ય હાંસિલ કરવા માટે શું કરાયું?
હવે એ જાણવું જરૂરી છે કે બજેટમાં પાંચ ટ્રિલિયન ડૉલકના લક્ષ્યને હાંસિલ કરવા માટે શું કરવામાં આવ્યું છે.
પાંચ વર્ષમાં પ્રાથમિક સુવિધાઓ પર 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ, વેપાર સુગમતાનો માહોલ તૈયાર કરવા માટે જિલ્લા સ્તરના પ્રયત્નો પર ભાર, વિદેશીરોકાણની સીમાને સરળ અને શરતોને હળવી કરવી, મૅક ઇન ઇન્ડિયા પર ભાર આપવા કાચા માલ પર સીમાશુલ્ક ઓછું કરવું અને તૈયાર સામાન પર આયાત સીમાશુલ્ક વધારવું અને વિદેશમાં ઉધાર જેવી કેટલીક મુખ્ય બાબતો છે.
છેલ્લી જોગવાઈ ઘણી રોચક છે અને તેનાં પરિણામો દૂરગામી મળી શકે છે. જો સરકાર પોતાની ઉધારીની જરૂરિયાતને પૂરી કરવા માટે આંતરરાષ્ટ્રીય બજાર પર ભાર મૂકે તો તેની બે અસર થઈ શકે છે. પહેલી, સરકારી ગૅરંટીને કારણે સરકારને આંતરરાષ્ટ્રીય બજારમાં પૈસા સસ્તા મળશે. તેમજ ઘરેલુ બજારમાં બૅન્કો પર સરકારી બૉન્ડમાં પૈસા લગાવવાનું દબાણ ઓછું થશે. તેનાથી વધુમાં વધુ પૈસા ઉદ્યોગોને કરજ તરીકે આપી શકે છે.
સાથે જ તેનાથી વ્યાજદરમાં ઘટાડો થશે, રોકાણનો પડતર-ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. એ પણ ભૂલવું ન જોઈએ કે આર્થિક સર્વેક્ષણથી લઈને બજેટ સુધી પાંચ ટ્રિલિયન ડૉલરના લક્ષ્યને હાંસિલ કરવા માટે રોકાણની ગતિ વધારવા જ નહીં, પણ ખર્ચ ઓછો કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
આશા
અંતમાં એક નજર નાણામંત્રી નિર્મલા સીતારમણની આ પંક્તિઓ પર, જે તેમના બજેટભાષણનો હિસ્સો છેઃ
"ભારતીય અર્થવ્યવસ્થાને એક ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડવા માટે 55 વર્ષ લાગ્યાં, પરંતુ હવે દેશ અને તેના લોકોનું દિલ આશા, વિશ્વાસ અને આંકાક્ષાઓથી ભરેલું છે."
"અમે પાંચ વર્ષમાં એક ટ્રિલિયન ડૉલરને જોડવાનું કામ કર્યું."
"આજે અમે ત્રણ ટ્રિલિયન ડૉલરની નજીક છીએ. અમે પાંચ ટ્રિલિયન ડૉલરના લક્ષ્યની અપેક્ષા રાખીએ છીએ તો ઘણા લોકો ચોંકી જાય છે કે આ કેવી રીતે શક્ય બનશે."
"અમે અમારા નાગરિકો પર ભરોસો રાખીએ છીએ અને તેમના પુરુષાર્થ અને આગળ વધવાનાં સપનાં પર પણ. મોદી સરકારના નેતૃત્વમાં અમે આ લક્ષ્યને ચોક્કસ હાંસિલ કરીશું."
આશા પર દુનિયા ટકેલી છે અને ભારત અપવાદ નથી.